www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દક્ષિણ મામલતદારની પુરવઠા કચેરીમાં એજન્ટો અને કર્મચારી વચ્ચે બઘડાટી!


એજન્ટોએ કર્મચારીઓને બ્લેકમેઇલ કરી વીડિયો ફરતા કરવાની ધમકી આપી: એજન્ટોએ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી પોલીસ બોલાવી: પોલીસ એક ઓપરેટર અને બે એજન્ટોની પૂછપરછ માટે ઉપાડી ગઇ

સાંજ સમાચાર

રાજકોટ, તા.15
રાજકોટ શહેરની દક્ષિણ મામલતદાર કચેરી ખાતે આજે બપોરના સમયે પુરવઠાની ઝોનલ કચેરીના કર્મચારીઓ અને સાચા-ખોટા કામ કરાવતા એજન્ટો વચ્ચે જબરી માથાકૂટ કરતાં પોલીસને દોડાવી પડી હોવાનું મામલતદાર કચેરીના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

આ અંગેની મામલતદાર કચેરીના અધિકારી સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ દક્ષિણ મામલતદાર કચેરીની બાજુમાં પુરવઠાની ઝોનલ-3 અને 4ની કચેરીઓ બેસે છે ત્યાં છેલ્લા ઘણા સમયથી પુરવઠાના સાચા-ખોટા કામ કરી અને અરજદારોને લૂંટતા એજન્ટોને દક્ષિણ મામલતદાર કાકડીયા દ્વારા તાજેતરમાં કડક હાથે કામ લઇ કચેરી બહાર તગેડી મુક્યા હતા. 

મામલતદારની આ કડક કામગીરીથી રઘવાયા બનેલા એજન્ટોએ આજરોજ ખોટા કામધંધા બંધ થઇ ગયા હોય. પુરવઠાની ઝોન કચેરીમાં એક ઓપરેટર સાથે જબરી માથાકૂટ કરી હતી અને ઓપરેટર તથા પુરવઠા કચેરી કર્મચારીઓનો વીડિયો બનાવી વાયરલ કરવાની ખોટી ધમકી આપી હતી.

આ ઉપરાંત અધુરામાં પુરુ હોય તેમ મગન પટેલ અને અશોક બુટાણી નામના બે એજન્ટોએ પોલીસને સામેથી ફોન કરી કચેરી ખાતે માથાકુટ થઇ હોવાનું કહી બોલાવ્યા હતા. 

આથી પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડી ઉપરોક્ત બંને એજન્ટો તથા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરને પૂછપરછ માટે માલવીયાનગર પોલીસ સ્ટેશને લઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

 

Print