www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અગ્નિકાંડના હતભાગી: રાજ્ય સરકારની સહાય રાશિ મળી, કેન્દ્રની મહિના પછી પણ બાકી


♦ ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટનાના એક મહિના દરમિયાન કોંગ્રેસના નેતાઓ તમામ મૃતકોના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા: અમુક પરિવારને બાદ કરતાં ભાજપના નેતાઓ ગયા પણ મૌન સેવી રાખ્યું

સાંજ સમાચાર

♦ બનાવમાં મૃત્યુને ભેટનાર લોકોના ઘરના સભ્યો માટે ઘટના હજુ એટલી જ તાજી છે : કાનૂની લડાઈ લડવા માટે તમામ હતભાગીના પરિવારને એકઠા કરી એક એસો. બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે

રાજકોટ, તા.25
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના બનાવને આજે એક મહિનો થયો. બનાવ વખતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા રૂ.4 લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ.2 લાખની સહાય જાહેર કરવામાં આવી હતી. ‘સાંજ સમાચાર’એ મૃતકોના પરિવજનોનો સંપર્ક સાંધી માહિતી મેળવતા જાણવા મળેલ કે, લગભગ હતભાગીઓના પરિવારને રાજ્ય સરકારની સહાય રાશિ મળી ગઈ છે. જ્યારે આજે બનાવના એક માસ બાદ પણ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ સહાય એકલ-દોકલ પરિવારને જ મળી છે.

મૃતકોના પરિવારજનો સાથે વાત કરતાં જાણવા મળેલ કે, ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટનાના એક મહિના દરમિયાન કોંગ્રેસના નેતાઓ તમામ મૃતકોના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના નેતાઓના રાજકોટમાં એક મહિનાથી ધામાં છે. અમુક પરિવારને બાદ કરતાં ભાજપના નેતાઓ ગયા પણ મૃતકોના પરિવારને સાંત્વના આપવા તેઓના ઘર સુધી પહોંચ્યા હતા પણ ત્યાં મૌન સેવી રાખ્યું હતું તેમ મૃતકોના પરિવારજનોએ જણાવ્યું છે.

અગાઉ જ્યારે બનાવ બન્યો તે બાદ જે જે કામગીરી ચાલતી હતી તે અંગે સરકારી તંત્ર સતત અપડેટ સાથેની માહિતી જાહેર કરતું હતું. પોલીસ, સિવિલ હોસ્પિટલ તંત્ર અને એફ.એસ.એલ. ટીમ દ્વારા  મૃતદેહોના ડીએનએ લઈ, પરિવારજનોના ડીએનએ સાથે મેચ કરવા માટેની કામગીરી દિવસ - રાત સતત કરવામાં આવી હતી. 27 મૃતકની ઓળખ થયા પછી તમામ 27 મૃતદેહોના સેમ્પલ લેવાયેલ.

ત્યારથી દરેક હતભાગી દીઠ એક નાયબ મામલતદાર અને એક પી.એસ.આઈ. ની નિમણૂંક કરવામાં આવેલ અને તેમના પરિવારનો સંપર્ક કરી, જયારે મૃતદેહ સોંપવામાં આવે ત્યારથી અંતિમ વિધિ સુધી તમામ બાબતમાં મદદરૂપ થવા અને ત્યાર બાદ મૃતકને આપવાની થતી સી.એમ. રીલીફ ફંડ અને પી.એમ. રીલીફ ફંડની સહાયની પ્રક્રિયા પુર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવેલ હતી. જોકે કયાં કારણોસર મૃતકોના પરિવારને પી.એમ. રીલીફ ફંડની સહાય મળી નથી? તેનું ચોક્કસ કારણ સામે આવેલ નથી.

‘સાંજ સમાચાર’ની ટીમે મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરી સહાય અંગે માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. જેમાંથી એકલ-દોકલ પરિવારને જ કેન્દ્ર સરકાર એટલે કે પી.એમ. રીલીફ ફંડની સહાય મળી છે. મોટા ભાગના મૃતકોના પરિવારને હજુ આ સહાય મળી નથી. પરિવારજનો સાથે વાત કરતા બનાવના એક મહિના બાદ પણ હજુ આ ઘટના તેઓ માટે એટલી જ તાજી છે.

તેવું જણાય છે. જેમ ઝૂલતા પુલની દુર્ઘટના પછી હતભાગીઓના પરિવારજનોએ એક એસોસિએશન બનાવ્યું છે તેમ, ગેમઝોન અગ્નિકાંડના એક મૃતકોના પરિવારજન દ્વારા જણાવાયું હતું કે, તેઓ દ્વારા હતભાગી પરિવારને એકત્ર કરવા અને પછી એકઠા થઇ આ બનાવ અંગે કાનૂની લડાઈ લડવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અગ્નિકાંડના હતભાગીઓની યાદી
1. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.34)
2. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.22)
3. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.21)
4. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.30)
5. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.19)
6. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.20)
7. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.36)
8. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.24)
9. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.22)
10. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.19)
11. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.45)
12. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.12)
13. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.40)
14. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.12)
15. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.15)
16. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.20)
17. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.25)
18. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.28)
19. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.24)
20. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.22)
21. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.28)
22. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.24)
23. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.25)
24. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.30)
25. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.45)
26. મોનુ કેશવ ગૌંડ (ઉ.21)
27. અક્ષય કિશોરભાઈ ઢોલરીયા (ઉ.28)

મોરારી બાપુએ જાહેર કરેલી સહાય પણ હજુ અમુક લોકો સુધી નથી પહોંચી
પ્રખર રામકથાકાર પૂ.મોરારીબાપુ દ્વારા અગ્નિકાંડના મૃતકોના  પરિવારને સાંત્વના પાઠવવા રૂપે રૂ।5 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી ઘણા પરિવારોને આ સહાય મળી ગઈ છે. જયારે અમુક લોકોને આ સહાય મળી નથી.

Print