www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શિવવંદના ટ્રસ્ટ તથા શિવાય હોલીડેઝ દ્વારા

આદિ કૈલાસમાં સૌ પ્રથમવાર શિવપુરાણ કથા યોજાઈ: શહીદો, ધર્મ, સમાજ માટે યાત્રિકોની શિવવંદના


સાંજ સમાચાર

રાજકોટ તા.28
 તાજેતરમાં શિવવંદના ચેરી.ટ્રસ્ટ અને શિવાય હોલીડેઝના સંયુકત ઉપક્રમે આદિ કૈલાસ વિસ્તારમાં વિશ્ર્વમાં સૌ પ્રથમ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞની સાથે આદિ કૈલાસ યાત્રાનું આયોજન થયેલ, સતત સાત દિવસ વાતાવરણ ખૂબજ અનુકુળ રહેતા તમામ 130 યાત્રિકોએ આદિ કૈલાસના સંપૂર્ણ દર્શન અને સાથે પાર્વતી સરોવર અને ગૌરીકુંડના દર્શનનો દુર્લભ લાભ મળ્યો.

ૐ પર્વતના સંપૂર્ણ અદ્ભૂત અલૌકિક દર્શનથી યાત્રિકો અભિભૂત બન્યા. આદિ કૈલાસ અને ૐ પર્વત બંનેની પાવન ભૂમિ પર રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રગાન અને શહિદોને યાત્રિકો દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ, બંને જગ્યાએ યાત્રિકોએ મેડીટેશન અને પ્રાર્થના દ્વારા પરમ તત્વની અનુભૂતિ પણ કરી.

ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.યશવંત ગોસ્વામી જણાવે છે કે યાત્રામાં 18000 ફૂટની હાઈટ પર પહોંચી તમામ યાત્રિકોને સ્વસ્થ રાખવા, એમની ઈમરજન્સી માટે યોગ્ય વ્યવસ્થા જાળવવી, 40 ગાડીથી વધુ ગાડીઓનું મેનેજમેન્ટ, ગાઈડની વ્યવસ્થા અને 10,000 ફુટની હાઈટ પર શિવકથાનું આયોજન એક પડકાર હતો. યાત્રિકોના સહયોગથી 15 દિવસની અદભૂત અલૌકિક યાત્રા ખૂબ સફળ રહી.

આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પૂ.હંસદેવગીરી બાપુના વ્યાસાસને શિવકથાનું આયોજન અને રસપાનથી યાત્રિકોને પૂ.બાપુએ પોતાની ઉતમ વાણી દ્વારા યાત્રિકોને સાચે જ શિવની સૃષ્ટિના દર્શન કરાવી કથા સમાપન સમયે તમામ યાત્રિકોને રડાવી દીધા.  યાત્રા દરમ્યાન પંડીતજી પ્રમોદભાઈ દવેએ તમામ યાત્રિકોને હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ, પાર્થિવ શિવલીંગ પૂજા, પિતૃ તર્પણ સહિતની તમામ ધાર્મિક વિધીઓ વિધિ વિધાન સાથે કરાવી યાત્રિકોને ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યું.

  ડો.ગોસ્વામીએ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ દરમ્યાન વિવિધ હેતુઓ માટે અનુદાનની અપીલ કરતા કુલ રૂા.12,50,000 જેટલું અનુદાન પ્રાપ્ત થયું. જેમાં વિવિધ ધાર્મિક વિધિ માટે પ્રાપ્ત અનુદાન રૂા.3,48,000માં રૂા.51000 ટ્રસ્ટ દ્વારા ઉમેરી કુલ 4,11,000 શહિત ફંડ એકત્ર થયું. મનોકામના મહાદેવ મંદિર પરિસરમાં સુવિધા માટે રૂા.2,75,000નું અનુદાન પ્રાપ્ત થયું જે સ્થળ પર જ મંદિર નિર્માણ ટ્રસ્ટને અર્પણ કરાયું. નાભી વીલેજમાં 55 પરિવાર એવા હતા.

જેના ઘરમાં રાત્રે અંધકાર રહેતો. આવા પરિવારમાં પ્રકાશ પાથરવાનું કામ ભરતભાઈ ફૂલેત્રાએ કયુર્ં. આ તમામ પરિવાર માટે તાત્કાલિક ઓર્ડરથી સોલાર બેટરી મંગાવી રૂા.3,50,000ની બેટરીનું વિતરણ કથા સમાપન સમયે કરાયું. ગામમાં રહેતા અતિ ગરીબ પરિવારના અભ્યાસ કરતા કુલ 7 વિદ્યાર્થીઓને છગનભાઈ સાકરીયાના રૂા.50 હજાર સહિત યાત્રિકો દ્વારા રૂા.1 લાખનું અનુદાન અપાયું. આ ઉપરાંત શિવ કથા દરમ્યાન કીચનમાં મહેનત કરનાર અને કડકડતી ઠંડીમાં વાસણ સાફ કરી યાત્રિકોને મદદ કરનાર 10થી વધુ લોકોને રૂા.1 લાખથી વધુ અનુદાન અપાયું.

સંજયભાઈ ગોસ્વામીએ યાત્રા દરમ્યાન વિવિધ કાર્યમાં 4 લાખનું અને ભરતભાઈ ફૂલેત્રાએ 4 લાખનું યોગદાન આપ્યું. મહેશભાઈ પીપળીયાએ યાત્રા પૂર્વે જ રૂા.7 લાખ ભોજન-કથાકારનું અનુદાન આપેલ.

Print