www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બજેટમાં સોનાની આયાત ડયુટી પર પાંચ ટકા ઘટાડાની શકયતા: ભાવોમાં ઘટાડો થવા આશા


વધતી કિંમતો - દાણચોરી રોકવા સરકારનો વિચાર: જુનુ સોનુ વેચવા પરનો GST હટાવવા પણ સૂચન

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.27
જુલાઈમાં રજુ થનારા કેન્દ્રીય બજેટમાં સોના અને ચાંદી પરની આયાત ડયુટીમાં 5 ટકા ઘટાડો થવાની શકયતા ચર્ચામાં આવી છે. ઔદ્યોગીક અને નાણા મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આયાત ડયુટીને 15 ટકાથી નીચે લાવવા પર ગંભીરતાથી વિચારી રહી છે. આ કારણે ડયુટી વધ્યા બાદ સોનાની વધી રહેલી દાણચોરી પર પણ અંકુશ આવશે અને સોનાના ભાવ રૂા.3000 સુધી નીચા આવી શકશે.

જો સોના અને ચાંદી પર હાલની 15 ટકા ડયુટીને 5 ટકા ઘટાડીને 10 ટકા કરવામાં આવે તો ભાવોમાં ઘટાડો આવે તેમ છે. એ વાત પર પણ ચર્ચા ચાલી રહી છે કે જુનુ સોનુ વેચતી વખતે ગ્રાહકને જીએસટીમાં કોઈ ઈન્સેન્ટીવ મળવુ જોઈએ, જેનાથી આયાતમાં ઘટાડો થાય અને સરકારને નુકશાનનું દબાણ પણ ઘટે, વધુમાં સૂત્રો કહે છે કે આ પગલાથી સોનામાં અંદાજે 3000 અને ચાંદીમાં 3800 રૂપિયાનો ઘટાડો આવી શકે છે.

ઈન્ડિયા બુલીયન એન્ડ જુલર્સ એસો. (આઈબીજેએ)ના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના જણાવ્યા મુજબ ડયુટી ઘટવાથી આ ભાવોમાં ઘટાડો નોંધાશે. જુલર્સ એન્ડ ગોલ્ડ સ્મિથ ફેડરેશનના સેક્રેટરી નીતીન કેડીયાએ જણાવ્યું હતું કે, આ પગલાથી દાણચોરી અંકુશમાં આવશે.

જો સરકાર જીએસટી જ 18 ટકા કરી નાંખે અને કસ્ટમ ડયુટી ઘટાડે તો તસ્કરી પુરી રીતે ઘટી શકે છે. જો જુનુ સોનુ આપતી વખતે 3 ટકા જીએસટી દુર કરવામાં આવે તો આ એક મહત્વનું પગલુ હશે.

સોનાની આયાત પણ તેનાથી ઘટી શકશે. જો કે એચડીએફસી સીકયુરીટીના કોમોડીટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તા એવુ માને છે કે ડયુટી ઘટવાથી ભાવ બહુ વધુ નહી ઘટે.

ઉલ્લેખનીય છે કે, ડીઆરઆઈએ 2023-24માં 1658 કિલો દાણચોરીનું સોનુ પકડયુ હતું. જે અગાઉના વર્ષ કરતા 35 ટકા વધુ હોય સરકાર માટે પણ તસ્કરી રોકવી અનિવાર્ય છે.

Print