www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

RAJKOT : લોકમેળામાં સૌ પ્રથમવાર વીજકંપની દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલ નંખાશે


ગ્રાઉન્ડમાં 21 જેટલા ટ્રાન્સફોર્મર નંખાઈ ગયા: ડ્રોનથી થશે મોનીટરીંગ: આઠ જગ્યાએ એન્ટ્રી ગેઈટ મૂકાશે: તડામાર તૈયારીઓ

સાંજ સમાચાર

રાજકોટ,તા.1
રાજકોટ લોકમેળા સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા.24 ઓગષ્ટથી પાંચ દિવસ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા ભાતીગળ લોકમેળા અંગે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ લોકમેળામાં આ વખતે સૌ પ્રથમવાર પીજીવીસીએલ (વીજકંપની) દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવનાર છે.

આ માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં વીજ કંપની દ્વારા 21 જેટલા ટ્રાન્સફોર્મરો પણ નાખી દેવામાં આવેલ છે. વીજ કંપની દ્વારા નખાનારા અંડરગ્રાઉન્ડ કેબલમાંથી યાંત્રિક અને સ્ટોલના વેપારીઓને વીજ કનેકશન આપવામાં આવશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, ગત શનિવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને લોકમેળા સમિતિની મળેલ પ્રથમ બેઠકમાં સાવચેતીના પગલાના ભાગરૂપે આ વખતે સ્ટોલ અને રાઈડ્સની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. જે મુજબ 70 જેટલા સ્ટોલોનો ઘટાડો થશે.

લોકમેળામાં પ્રથમવાર ડ્રોનથી લોકમેળાનું મોનીટરીંગ કરવામાં આવનાર છે. જેમાં રાત્રીના જનમેદની વધશે તો તુરંત જ એન્ટ્રી ગેઈટ બંધ કરી દેવામાં આવશે. મેળામાં આ વખતે એન્ટ્રી માટે આઠ ગેઈટ રાખવામાં આવનાર છે.

જેમાં ઈન્કમટેકસ કચેરી, બહુમાળી ભવન સામેથી, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ પાસે, સહિતના 8 સ્થળો પર એન્ટ્રી ગેઈટ રાખવામાં આવનાર છે. ગત વર્ષે લોકમેળામાં 371 જેટલા સ્ટોલ હતા. જેમાંથી આ વખતે 70 સ્ટોલનો ઘટાડો થશે.

લોકમેળાના સ્ટોલની યાંત્રિક રાઈડસ માટે પ્રતિવર્ષ 15 જુલાઈથી ફોર્મ વિતરણ કરી દેવામાં આવેલ છે. ભાવપત્રક નકકી થયા બાદ તુરંત જ ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવે છે. જોકે આ વખતે તંત્ર દ્વારા રાઈડ્સના ભાવમાં કોઈ વધારો કરવાનું આયોજન હજુ સુધી કરાયું છે. મેળાની તૈયારીઓ માટે હવે ઓછો સમય રહેતા અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થવા પામેલ છે.

 

Print