www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અપશબ્દો બોલવાની ના કહેતાં ચાર શખ્સોનો બે યુવક પર હુમલો


ચુનારાવાડ વિસ્તારમાં બનેલો બનાવ:અગાઉ થયેલ બોલચાલીનો ખાર રાખી ચંદન બાવાજીએ કાળુભાઈ ડાભીને છરી મારી દીધી: ફરિયાદી અને તેના મામાના દીકરાને ધોકા વડે માર માર્યો: ગુનો નોંધાયો

સાંજ સમાચાર

રાજકોટ તા.22
શહેરનાં ચુનારાવાડમાં રહેતો કાળુભાઈ ડાભી તેના ઘર પાસે હતો ત્યારે તેજ વિસ્તારના ચાર શખ્સોને અપશબ્દો બોલવાની ના કહેતાં બોલચાલી થઈ હતી. બાદ તેનો ખાર રાખી સાંજના સમયે ચાર શખ્સોએ કાળુભાઈ ડાભી અને તેનાં મામાના દિકરા પર હુમલો કરી નાસી ગયા હતા.

બનાવની વિગત મુજબ ફરિયાદી કાળુભાઈ જુગાભાઇ ડાભી (ઉ.વ.23, રહે. ચુનારાવાડ શેરી નં. 4 ડાભી હોટલ વાળી શેરી, રાજકોટ) એ લખન સલાટ, નિલેશ ઉર્ફે દોઢીયો, અનિલ સોલંકી, ચંદન બાવાજી સામે ફરિયાદ નોંધાવી હતી

જે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ કાલ બપોરના સાડા ચારેક વાગ્યના અરસામાં હુ તથા મારો ભાઈ પરેશ બન્ને અમારા ઘર પાસે હતા. ત્યારે અમારી શેરીમાં આવીને ચુનારાવાડમાં રહેતો લખન સલાટ તથા તેની સાથે કુબલીયાપરામા રહેતા નિલેષ ઉર્ફે દોઢીયો, અનીલ સોલંકી તથા ચંદન બાવાજી આ ચારેય જણા અપશબ્દો બોલતા હતા. જેથી મારા મોટાભાઇએ તેમને ગાળો બોલવાની ના પાડતા આ ચારેય જણાએ અમારી સાથે બોલાચાલી કરી હતી.બાદ ત્યાંથી જતા રહેલ હતા.

બાદમાં સાંજના દશેક વાગ્યાનાં આસપાસ હું તથા મારી બાજુમા રહેતા મારા મામાનો દીકરો મહેશભાઈ રોજાસરા તથા મારા બીજા મામાનો દીકરો નરશીભાઇ રોજાસરા અમે ત્રણેય અમારી શેરીમા ઘર પાસે ઉભા હતા.

ત્યારે લખન સલાટ, નીલેશ, અનીલ સોલંકી તથા ચંદન બાવાજી આ ચારેય જણા અપશબ્દો બોલતા બોલતા અમારી પાસે આવેલ. અને માર મારવા લાગેલ. ચંદન બાવાજીએ મને છરીનો ઘા મારેલ. અને મારા મામાના દિકરા મહેશ રોજાસરાને ધોકા વડે માર મારેલ. માણસો ભેગા થઈ જતા આ ચારેય જણા ત્યાંથી જતા રહેલ હતા. બાદ ઈજાગ્રસ્ત હાલતમાં બંનેને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Print