www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા શ્રીલંકાનાં આતંકવાદીઓની તપાસમાં મોટા ખુલાસા

ચારેય ત્રાસવાદી ‘સ્યુસાઈડ બોંબર’: ગમે તેની જાન લેવા, પોતાની જાન દેવાની તૈયારી હતી


◙ મોબાઈલમાંથી ‘શપથ’ લેતા ચોંકાવનારા વીડીયો મળ્યા: શ્રીલંકાની તપાસ એજન્સી અમદાવાદ પહોંચી

સાંજ સમાચાર

◙ ત્રાસવાદી સંગઠનના અનેક સ્લીપર સેલ એકટીવ હોવાની આશંકા: દેશભરમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવા આદેશ

અમદાવાદ, તા. 23
આઇએસનો બગદાદી અને પાકિસ્તાનનો અબુ અમારા આકા છે અને તેને સમર્પિત છીએ અને તેના દરેક આદેશનું પાલન કરવા તત્પર છીએ. અબુના આદેશ ખાતર કોઇપણ સમયે જાન આપવા માટે તૈયાર છીએ અને કોઇપણની જાન લેવા માટે પણ તૈયાર છીએ. ગુજરાત એટીએસના અધિકારીઓેએ ઝડપી પાડેલા ચાર આતંકવાદીઓ પાસેથી આવી ખતરનાક શપથના વિડીયો મળી આવ્યા છે.

તમિલ ભાષામાં આ શપથ લેવામાં આવી હતી તેવું જાણી શકાયું છે. જોકે સાથે સંકળાયેલા અને અબુ તેમજ આઇએસના પ્રભાવમાં હોય તેવા ઘણા લોકોને આવા શપથ લેવડાવ્યા હોવાનું પણ જાણી શકાયું છે. ચાર આતંકવાદી યુવાનો સહિત દુનિયાના ઘણા બધા દેશોના અનેક યુવાનોને એટલી હદે બ્રેઇનવોશ  કરવામાં આવી રહ્યા છે કે તેઓ આઇએસના ઇશારે કંઇ પણ કરવા માટે તૈયાર થઇ જાય હવે આ દિશામાં તપાસ કરવામાં આવશે.

ગુજરાત એટીએસના હર્ષ ઉપાધ્યાય, શંકર ચૌધરી અને કે.કે.પટેલને બાતમી મળી હતી કે શ્રીલંકાથી ચાર આતંકવાદીઓ ચેન્નાઇ થઇ અમદાવાદ આવી રહ્યા છે અને અમદાવાદ આવ્યા બાદ કોઇ મોટી ઘટનાને અંજામ આપવાના છે. આ બાતમીના આધારે ગુજરાત પોલીસની ટીમ એરપોર્ટ પર ગોઠવાઇ ગઇ હતી અને એરપોર્ટ પર ચેન્નાઇથી આવેલા પ્લેનમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.

તેમના મોબાઇલમાંથી મળેલ વિવિધ નકશા અને મેસેજને આધારે પોલીસે ચિલોડા નજીક ચોકકસ લોકેશન પરથી હથિયાર કબ્જે કરી લીધા હતા. જે હથિયાર આતંકવાદીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવા માટે વાપરવાના હતા.

ચારેક દિવસથી ચાલી રહેલી તપાસમાં ગુજરાત એટીએસના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે કે આ તમામ યુવાનો સોશ્યલ મીડિયા મારફતે અબુના સંપર્કમાં આવ્યા હતા. પાકિસ્તાન અબુએ તમામને જુદી જુદી જગ્યાએ તાલીમ આપી હતી અને તેમનું કેટલી હદે બ્રેઇનવોશ કર્યુ હતું કે તેઓ સ્યુસાઇડ બોમ્બર બની ગયા હતા. તેઓ ગમે ત્યારે પોતાનો જીવ આપવા માટે તત્પર હતા.

આ ચાર આતંકવાદીઓ પૈકી બે નુસરત અને નાફરાન લગભગ 38થી 40 વખત ભારતના જુદા જુદા પ્રદેશમાં આવી ગયા હતા. જે પૈકી એકની વિરૂધ્ધ તો ભારતમાં સ્મગલિંગ ગુનો પણ નોંધાયો હતો. જોકે આ બંને આતંકવાદીઓ ગુજરાત કેટલી વખત આવ્યા હતા તેની તપાસ ચાલુ છે. 

આ બંને આતંકવાદીઓ પાસેથી મળી આવેલા બંને ફોન નવા હતા અને તેમાં એકમાં પ્રોટોન ઇમેલ અને બીજામાં સિગ્નલ એપ્લીકેશન મળી આવી છે. આ સિગ્નલ એપ્લીકેશન મારફતે તેઓ સંપર્કમાં હતા એટલે કે તેઓ અબુના આદેશની રાહ જોઇ રહ્યા હતા.

તેઓને કહેવામાં આવ્યું હતું કે આદેશ મળી જાય એટલે ઘટનાને અંજામ આપવો. હવે તેઓ કઇ ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. શ્રીલંકા ગવર્મેન્ટ  પણ આ બાબતની ગંભીરતાને લઇને એક ટીમને તપાસ માટે અમદાવાદ મોકલી હોવાનું જાણી શકાયું છે.

વધુમાં ગુજરાત એટીએસના સુનિલ જોશીના જણાવ્યા મુજબ આ ચારેય આતંકવાદીઓનું સંપૂર્ણ બ્રેઇનવોશ કરી દીધું હતું અને તેમને પોતાની પાછળ આઇએસઆઇએસનો ઝંડો રાખીને તૈયારી બતાવતા સોગંદ લીધા હતા અને તેનો વિડીયો પણ તૈયાર કર્યો હતો જે પોલીસના હાથ લાગ્યો છે. 

હાલ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં આઇએસઆઇએસ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના માણસો એકટીવ બની ગયા હોવાની વિગતો અધિકારીઓને મળી રહી છે. ગુજરાતમાં સ્લીપર સેલ ચિંતાજનક રીતે એકટીવ બની ગયો છે, જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને તમામ શહેરોની જુદી જુદી એજન્સીઓ આ દિશામાં કામે લાગી ગઇ છે. 

આગામી દિવસોમાં ગુજરાતમાં અને દેશમાં મોટી ઇવેન્ટની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ દેશ વિરોધી તત્વો કોઇ અનિચ્છનીય ઘટનાને અંજામ આપે નહીં તેના માટે તમામ એજન્સીઓને એલર્ટ રહેવા માટે પણ દિલ્હી દરબારમાંથી  આદેશ થયા છે.

સેન્ટ્રલ એજન્સીઓ પણ ઇન્ટરોગેશન કરવા પહોંચી
ચાર આતંકવાદીઓનું પાકિસ્તાન તેમજ સીરીયા કનેકશન મળી આવ્યું છે. તેઓ મુંબઇમાં અને અન્ય ઘણી જગ્યાએ જુદા જુદા કેસમાં ઝડપાયા છે. શ્રીલંકાના પ્રતિબંધિત આતંકવાદી ગ્રુપ સાથે તેમની સીધી સંડોવણી છે. આતંકવાદીઓ અમદાવાદ પહોંચ્યા તે પહેલા તેમની માટે હથિયાર ગોઠવાઇ ગયા હતા. આ તમામ બાબતોને લઇને ગુજરાતમાં અને ભારતમાં તેમની ગતિવિધિઓ ખુબ જ ચિંતાજનક હોવાનું સામે આવી રહ્યું છે. જેને પગલે ગુજરાત પોલીસ, ગુજરાત  ઇન્ટેલિજન્સ તેમજ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી, કેન્દ્ર સરકારની અતિ મહત્વની એજન્સીઓ અને જુદા જુદા સાત રાજયોની પોલસી અને મિલિટરી પોલીસ તેમજ ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ આતંકવાદીઓની પુછપરછ  કરવા અમદાવાદ પહોંચી ગયા છે. 

સોશ્યલ મીડિયા મારફતે નજીક આવ્યા, અબુ હાલ ISISનો હેન્ડલર, તેણે શ્રીલંકાના યુવકોને ટાર્ગેટ કર્યા
દુનિયાભરના દેશો માટે માથાનો દુ:ખાવો બની રહેલા આઇએસના બગદાદી તેના જુદા જુદા વિડીયો અને રીલ જુદા જુદા સોશ્યલ મીડિયા પર અપલોડ કરાતો હોય છે અને તેના હેન્ડલર દુનિયાના ઘણા બધા દેશોમાં સક્રિય છે. શ્રીલંકાના  ચારે યુવાનો પણ સોશ્યલ મીડિયા મારફતે જ બગદાદીના પ્રભાવમાં આવ્યા અને અબુના સંપર્કમાં આવ્યા હતા ત્યારે યુવાનોની તાલીમ કરાવ્યા બાદ અબુએ એકબીજા સાથે મુલાકાત કરાવી હતી.

 

 

 

 

Print