www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ફરી જીએસટી વિભાગ સક્રિય બન્યું: સુરેન્દ્રનગરમાં દરોડા


રાજકોટ જીએસટી વિભાગે સિરામીક અને બિલ્ડીંગ મટીરીયલ્સના ધંધાર્થીને ત્યાંથી રૂા.20 કરોડના બોગસ વ્યવહારો ઝડપી લીધા: રૂા.એક કરોડથી વધુની કરચોરી પણ ખુલવા પામી

સાંજ સમાચાર

રાજકોટ, તા.14
તાજેતરમાં લોકસભાની ચૂંટણીના પરિણામો પણ જાહેર થઇ ગયા છે અને આચાર સંહિતા પણ પૂર્ણ થઇ છે ત્યારે જુદા-જુદા સરકારી ખાતાઓ પર સક્રિય બનવા લાગ્યા છે. ચૂંટણી અગાઉ સંપૂર્ણપણે નિષ્ક્રીય બની ગયેલા જીએસટી વિભાગે પણ આળસ ખંખેરી અને હવે કરચોરો ઉપર દરોડોનો દૌર શરૂ કર્યો હોવાનું જીએસટી વિભાગના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

આ અંગેની રાજકોટ જીએસટી વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો અનુસાર જીએસટી વિભાગે ગઇકાલે મોડી સાંજથી રાજકોટ વિભાગ 10 હેઠળ આવતા સુરેન્દ્રનગર જિલ્લામાં દરોડાનો દૌર શરૂ કર્યો છે અને સિરામીક તથા બિલ્ડીંગ મટીરીયલ્સના ધંધાર્થીઓ ઉપર કરચોરી અંગે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. 

દરમ્યાન મળતી વધુ વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગે સુરેન્દ્રનગરના જય અંબે બિલ્ડીંગ મટીરીયલ્સ નામના  સિરામીક ઉત્પાદકને ત્યાંથી કરોડો રૂપિયાના બોગસ વહેવારો ઝડપી લીધા છે.  જીએસટીના સુત્રોના જણાવ્યા મુજબ ઉપરોક્ત ધંધાર્થીને ત્યાં તપાસ દરમ્યાન રૂા.20 કરોડના બોગસ વ્યવહારો ઝડપાયા છે અને રૂા.એક કરોડથી વધુ રકમની કરચોરી ખુલવા પામી છે.

જીએસટી વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ઉપરોક્ત ધંધાર્થી દ્વારા જુદા-જુદા ગોડાઉનો રાખી અને જીએસટી તંત્રને જાણ ન કરી ભરવા પાત્ર 18 ટકા વેરો ભર્યો ન હતો અને બોગસ વ્યવહારો કરી કર ચોરી કરી હતી. આજે બપોર સુધી થયેલી તપાસના અંતે ઉપરોક્ત વેપારીને ત્યાંથી રૂા.20 કરોડના બોગસ વ્યવહારો ઝડપાયા હતા અને રૂા.એક કરોડથી વધુ રકમની કરચોરી મળવા પામી છે. હજુ પણ આ પેઢીમાં તપાસની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળેલ છે.

Print