www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગેમઝોન અગ્નિકાંડ: રિમાન્ડ મંજુર ન થાય તે માટે ફાયર ઓફિસર ખેર-ઠેબાએ ભારે ધમપછાડા કર્યાં


◙ રિમાન્ડ સ્ટે થાય તે માટે અરજી કરી, જે રજુઆત કોર્ટે ફગાવી દઈ, 2 દિવસની પોલીસ કસ્ટડીની મંજૂરી આપી હતી

સાંજ સમાચાર

◙ ખાસ તપાસ ટીમે અત્યાર સુધીમાં ટીપી શાખાના કુલ 4 અધિકારી અને ફાયર વિભાગના કુલ 3 અધિકારીઓની ધરપકડ કરી : અન્ય વિભાગો પર હવે તવાઈ બોલે તેવા સંકેત

રાજકોટ, તા.24
ટીઆરપી અગ્નિકાંડના બનાવમાં 27 જિંદગી જીવતી ભૂંજાઇ ગઈ હતી. આ બનાવ 25 મે ના રોજ બનેલો. જેને મહિનો થવા આવ્યો છે. ત્યારે આ એક માસ દરમિયાન આ બનાવને લઈ બેદરકારી દાખવનાર અધિકારીઓના એક બાદ એક ચહેરા સામે આવ્યા છે. પોલીસ કાર્યવાહી ઉપરાંત એસીબીએ ભ્રષ્ટાચારને લઈને પણ કાર્યવાહી કરી છે. ત્યારે શનિવારે ક્રાઈમ બ્રાંચની ખાસ તપાસ ટીમે રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબાની ધરપકડ કરી હતી.

સાથે ગેમઝોનમાં ફેબ્રિકેશન વર્કનો કોન્ટ્રાકટ રાખનાર અને કામનું સુપરવિઝન કરનાર મહેશ રાઠોડ નામના વૃદ્ધની પણ ધરપકડ કરી હતી. આ પછી ત્રણેયને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મંજુર ન થાય તે માટે ફાયર ઓફિસર ખેર  અને ઠેબાએ ભારે ધમપછાડા કર્યાં હતા. કોર્ટે રિમાન્ડ સ્ટે કરવા અરજી કરી હતી. જોકે કોર્ટે રજુઆત ફગાવી દઈ. બંનેને 2 દિવસની પોલીસ કસ્ટડીની મંજૂરી આપી હતી.

ગેમઝોન આગ દુર્ઘટના અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકે આઇપીસી 304, 308, 337, 338, 36, 465, 466, 471, 474, 201, 120(બી),114 મુજબનો ગુન્હો તા.26/05/2024 ના રોજ નોંધાયો હતો.

જેમાં અત્યાર સુધીમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો (1) ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઇ રાઠોડ, અને મનપાના ટીપીઓ (7) મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, એટીપીઓ (8) ગૌતમ દેવશંકરભાઇ જોષી, એટીપીઓ (9) મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ઓફિસર (10) રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ (11) જયદીપ બાલુભાઈ ચૌધરી, (12) રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર (13) ભીખાભાઇ જીવાભાઇ ઠેબા, ચીફ ફાયર ઓફિસર (14) ઇલેશકુમાર વાલાભાઇ ખેર, અને ગેમઝોનમાં ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ ધરાવતા (15) મહેશભાઇ અમૃતભાઇ રાઠોડની ધરપકડ થઈ છે.

ખાસ તપાસ ટીમે ઠેબા, ખેર અને મહેશ રાઠોડને ગઈકાલે કોર્ટમાં રજૂ કર્યા હતા. મહેશની રિમાન્ડ નહોતી મંગાઈ. જ્યારે ઠેબા અને ખેરના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવેલ. જેની સુનાવણીમાં સ્પે. પીપી. તુષાર ગોકાણીએ દલીલો કરી હતી. તપાસના મુદ્દાઓમાં પોલીસે જણાવેલ કે, આરોપીઓ રાજકોટ મહાનગરપાલીકાના ફાયર અને સર્વીસ વિભાગના ઉચ્ચ હોદ્દેદાર છે.

જેથી તેઓ કાયદાની સંપુર્ણ પ્રક્રિયાથી વાકેફ છે જેથી તપાસમાં પુરતો સહકાર આપતા ન હોય તેઓ વિરૂધ્ધ વધુ પુરાવા મેળવવાના છે. ઉપરાંત બન્ને આરોપીઓએ કોના દબાણથી કે કોઇની પાસેથી આર્થિક લાભ લઇ આ બનાવ બનેલ તે ટીઆરપી ગેમઝોનમાં ફાયર સેફ્ટીના પુરા સાધનો છે કે કેમ? તે બાબતે તપાસ કરેલ નથી તે બાબતે બન્ને આરોપીઓની ઉંડાણપુર્વક પુછપરછ કરવાની છે. બન્ને આરોપીઓ વિરૂધ્ધ જે સાહેદોના નિવેદનો લીધેલ છે તેઓ સાથે ક્રોસ પુછપરછ કરવા માટે મજકુર બન્ને આરોપીઓની વધુ કસ્ટડીની જરૂરીયાત છે.

આરોપીઓ આ ટીઆરપી ગેમઝોનના માલીકો/સંચાલકો/મેનેજર સાથે સંપર્કમાં હતા કે કેમ? તે બાબતે સંતોષકારક માહિતી આપતા નથી. તેમજ તેઓ સીધા સંપર્કમાં ન હોય તો અન્ય કોઇ વ્યક્તિ મારફતે સંપર્કમાં હતા કે કેમ? તેની માહિતી તેઓ પાસેથી વધુ સમય પુછપરછ કરવાથી જ મળી શકે છે. ચીફ ફાયર ઓફીસર તથા ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર દ્વારા રાજકોટ શહેરમાં કઇ-કઇ જગ્યાએ ફાયર એનઓસી માટે જાતેથી જઇ કાર્યવાહી કરેલ છે. તે અંગે તેઓને સાથે રાખી તપાસ કરાશે. કોર્ટે દલીલો ધ્યાને લઈ તા.25 સુધીના બે દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા.

સાગઠિયાને જેલ હવાલે કરાશે, હવે એસીબી કબ્જો લેવા તજવીજ કરશે
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મિનિટ્સ નોટના ગુનામાં ટીપીઓ સાગઠિયા ક્રાઇમ બ્રાંચમાં રિમાન્ડ હેઠળ છે. તેના રિમાન્ડ આજે પુરા થતા તેને કોર્ટમાં રજૂ કરાશે. અને કોર્ટ તેને જેલ હવાલે કરી શકે છે. આ તરફ સાગઠિયા સામે એસીબીએ અપ્રમાણસર મિલકતો અંગે કેસ કરેલ છે. જેથી આ ગુનામાં સાગઠિયા જેલ હવાલે થયા પછી એસીબી તેનો કબ્જો લેવા તજવીજ હાથ ધરશે. 

 

જાણો ફાયર અધિકારીઓની ગુનામાં શું ભૂમિકા
ખાસ તપાસ ટીમે જણાવ્યા મુજબ, રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગના બનાવ અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બનાવ અંગે રાજકોટ શહેરના સિનિયર પોલીસ અધિકારીઓના માર્ગદર્શનમાં સઘન તપાસ હાલ પણ ચાલુ છે. ગઇ તા 25/05/2024 ના રોજ રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગના બનાવ અનુસંધાને રાજકોટ શહેર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ- 304, 308, 337, 338, 114, 36, 114, 465, 466, 471, 474, 120(બી), 201 મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.

જે ગુન્હાની તપાસમાં આરોપી (1) ઇલેશકુમાર વાલાભાઇ ખેર (ઉં.વ. 45, ચીફ ફાયર ઓફીસર, આર.એમ.સી.), (2) ભીખાભાઇ જીવાભાઇ ઠેબા (ઉં.વ-54, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર આર.એમ.સી.) અને (3) મહેશભાઇ અમૃતભાઇ રાઠોડ (ઉં.વ. 60 (ફેબ્રીકેશનનું કામ રાખનાર તેમજ સુપર્વાઇઝર)ની ધરપકડ થઈ છે. આરોપી ખેર અને ઠેબા મનપાની ફાયર સર્વીસ વિભાગના અધિકારીઓ છે. આ બનાવ બનેલ તે ટીઆરપી ગેમઝોનમાં વેલ્ડીંગ દરમ્યાન તીખારા ખરતા આગ લાગેલ હતી. ગઇ તા.4/9/2023 ના રોજ પણ ગેમઝોનમાં વેલ્ડીંગથી આગ લાગેલ હતી. જે ફાયર વિભાગે આગ બુઝાવી હતી.

એટલે કે ગેમઝોન ચાલુ છે તે માહિતીથી આ બંને અધિકારી માહિતગાર હતા. તેમ છતા તેઓએ ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર એનઓસી છે કે કેમ? અગ્નિ સામકના પુરતા સાધનો છે કે કેમ? તેની કોઈ પણ પ્રકારની તપાસ કરી નહોતી. કે આ બાબતે અગ્નિકાંડનો બનાવ બનેલ સુધી કોઇ પણ જાતની કાર્યવાહી કરેલ નહોતી. જેથી તેની આ ભૂમિકા ગુનામાં ઉલ્લેખાઈ છે.

જ્યારે આરોપી મહેશ રાઠોડ અગાઉ પકડાયેલ ગેમઝોનના ભાગીદાર રાહુલ રાઠોડના કાકા છે. મહેશ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં સ્નો પાર્ક બનાવવાનો હતો તે માટેનો ફેબ્રિકેશન કામનો કોન્ટ્રાકટ હતો. ઉપરાંત તે આ કામના સુપરવાઈઝર પણ હતો.  જેથી તેણે બેદરકારી દાખવેલ હોવાનું તપાસમાં જણાય આવેલ છે. આ ત્રણેય આરોપી સામે પુરતા પુરાવાઓ હોય જેથી તેની ધરપકડ થઈ છે.

ખેર સામે એસીબી કેસ કરશે?
આ તરફ સુત્રોમાં ચર્ચા છે કે, અગ્નિકાંડ બાદ જુદા જુદા અધિકારીઓની મિલકતો અંગે એસીબીએ વિગતો એકઠી કરી હતી. જેમાં પ્રથમ ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા સામે એસીબીએ ગુનો દાખલ કર્યો, પછી ટીપીઓ સાગઠિયા સામે ગુનો નોંધાયો. જેથી હવે ઉચ્ચ અધિકારીઓમાં ચીફ ફાયર ઓફિસર ખેર સામે ગુનો દાખલ થશે કે કેમ? તેવી ચર્ચા થઈ રહી છે. સૂત્રોએ સંકેત આપ્યા છે કે, ખેર સામે પણ એસીબી કાર્યવાહી કરે તેવી શકયતા છે.

Print