www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાંજ સમાચાર એક્સક્લુઝીવ

મુંગા ગૌવંશનો કેશરિયા શાસકોને સવાલ: મારો વાંક શું?


જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં પુરાયેલ પશુઓની હાલત અતિ દયનીય: ગૌ ગુરૂકુળ નામ રાખી દીધું પરંતુ હાલત કતલખાના કે ઢોરના સ્મશાન જેવી: દરરોજ પ થી 7 મુંગા જીવો મોતના મુખમાં ધકેલાય છે: નજીવા વરસાદે પશુઓની હાલત બદથી બદતર બનાવી: મૃતદેહ હાડપીંજરમાં ફેરવાઇ જાય ત્યાં સુધી તેના નિકાલની ખેવના નહી: સામાન્ય ઝાપટા પછી રબડી રાજ: હિન્દુવાદ માત્ર મત માટે જ: હિન્દુઓની આસ્થા સાથે ભાજપના શાસનમાં જ રાજરમત

સાંજ સમાચાર

જામનગર,તા.27:
નાની-મોટી ચૂંટણીઓમાં હિન્દુવાદના નામે મતોની ભીખ માંગનાર ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં ગૌવંશની જાળવણીમાં ભયંકર બેદરકારી દાખવવામાં આવતી હોવાના કારણે  દરરોજ પશુધન મોતને ભેટી રહ્યા છે છતા હિન્દુવાદનો અંચળો ઓઢીને ફરનાર ભાજપના નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી. જયારે આ અંગે કોઇ સાચો અવાજ ઉઠાવી રજૂઆત કરે છે ત્યારે અર્ધ સત્ય વિગતો જાહેર કરીને તંત્ર અને શાસકો પ્રજાની આંખે પાટા બાંધવાનું પાપ કરી રહ્યા છે. તાજેતરમાં થયેલા સામાન્ય વરસાદ બાદ જામનગર મહાનગરપાલિકાના ઢોરના ડબ્બાની વર્તમાન સ્થિતિની ચાડી ખાતી તસ્વીરો લોકો માટે સાંજ સમાચાર દ્વારા જાહેર કરાઇ છે. 

જામનગર મહાનગરપાલિકામાં અને ગુજરાતમાં 1995થી ભાજપનું શાસન છે. આ ઉપરાંત 2014થી કેન્દ્રમાં પણ ભાજપની આગેવાનીમાં સરકાર ચાલી રહી છે. આમ ટોપ ટુ બોટમ સુધી હિન્દુવાદના નામે મતો મેળવનાર ભાજપ સત્તામાં છે તેમ છતા હિન્દુ માટે અતિ પવિત્ર ગણાતી ગાય અને ગૌવંશની હાલત ખૂબ દયનીય છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રણજીત સાગર નજીક ઢોરનો ડબ્બો રાખવામાં આવ્યો છે જેનું નામ ગૌ ગુરૂકુળ કરાયું છે.

માત્ર નામ બદલીને જૂના કામો કરવા ટેવાયેલ ભાજપના શાસકોની નીતિ નવી બોટલમાં જૂનો દારૂ ભરવા જેવી છે.  એમ પણ કહેવાય છે કે, મત માંગતી વખતે ગરીબ ગાય જેવા દેખાતા ભાજપવાળાઓ સત્તા મળ્યા બાદ ખૂંટીયા જેવા નિભંર બની જાય છે. મહાનગરપાલિકાના ઢોરના ડબ્બાની હાલત ભલભલા માણસના રૂવાડા ઉભા કરી દે તેવી છે.

જામનગર શહેર અને આસપાસમાં તાજેતરમાં વરસાદી ઝાંપટા પડયા હતા. આ સામાન્ય વરસાદ પછી પણ ઢોરના ડબ્બામાં રબડી રાજ જેવી સ્થિતિ ઉભી થઇ છે. નામ તો મોટા ઉપાડે ગૌ ગુરૂકુળ રખાયું પરંતુ ગાય કે ગૌવંશની માવજતમાં જોઇએ તેવી તકેદારી લેવાતી નથી. 

જાણકારોના મતે ઢોરના ડબ્બામાં દરરોજ પાંચથી સાત પશુના મોત થઇ રહ્યા છે. છતા તંત્ર અને શાસકો તમાશો જોવે છે. વિપક્ષના અમુક સભ્યો કે, હિન્દુસેનાના કાર્યકરો કયારેક ઓચિંતી મુલાકાત લઇ આ અંગે રજૂઆત કરે છે, વિપક્ષના સભ્યો મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઉહાપો મચાવે છે.

ત્યારે બહુમતીના જોરે અને સત્તાના ગુમાનમાં ભાજપના પદાધિકારીઓ અને આંગણી ઉંચી કરવા ટેવાયેલા સભ્યો આ વિરોધને નાટક ગણાવીને પોતે સાચા હોવાનું નાટક કરે છે. 

રણજીત સાગર પાસે આવેલ ગૌ ગુરૂકુળ નામના આ ઢોરના ડબ્બાની આજની સ્થિતિ અહીં રજૂ કરેલી તસ્વીર ઉપરથી સ્પષ્ટ થાય છે. મોતને ભેટેલ પશુનું શરીર દુર્ગંધ મારે છે અને હાડપીંજરમાં ફેરવાઇ જાય ત્યાં સુધી તેના નિકાલ માટેની કામગીરી કરવાનું કોઇને સુજતું નથી.

આ સ્થિતિ શરમજનક છે. કરોડોના પ્રોજેટકમાં મોટી મલાઇની આશાએ ઉત્સાહ અને રસ દેખાડતા ભાજપના વગદાર નેતાઓ આ બાબતે સંવેદનશીલતા કે માનવતા દાખવશે ખરા?

Print