www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પેટ્રોલપંપ પર ગુગલ પે-થી કરેલ પેમેન્ટની કડી ક્રાઈમ બ્રાંચને હત્યારાઓ સુધી લઈ ગઈ


જુના સ્વાતીપાર્ક પાસે પટેલ યુવાનની હત્યા કરી સળગાવી નાંખેલ લાશ મળતા પોલીસે ગણતરીની કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી ભરવાડ બંધુ અને એક સગીરને દબોચી લીધા હતા: રૂા.8 લાખની ઉઘરાણી મામલે યુવાનને હત્યારાઓએ મોતને ઘાટ ઉતાર્યો હતો

સાંજ સમાચાર

♦રાતે યુવાનને ઘરે બોલાવી આરોપી સામળ વકાતરે પાછળથી હાથ પકડી નીચે પાડી દીધો: બાદમાં આરોપી મેહુલ વકાતરે પકડી સામળે અને સગીરે કલચ વાયરથી ગળે ટુંપો આપી હત્યા કરી

♦બાદમાં નજીકના પેટ્રોલપંપ પરથી પેટ્રોલ લઈ લાશને સળગાવી નાંખી: ક્રાઈમ બ્રાંચની તલસ્પર્શી તપાસે આરોપીને દબોચી લીધો

રાજકોટ તા.21

જુના સ્વાતીપાર્ક પાસે પટેલ યુવાનની હત્યા કરી સળગાવી નાંખેલ લાશ મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યુ હતું. ક્રાઈમ બ્રાંચની ટીમે તલસ્પર્શી તપાસ કરી ગણતરીની કલાકોમાં હત્યારાઓ ભરવાડ બંધુ અને એક સગીરને પકડી પાડયા હતા. રૂા.8 લાખની ઉઘરાણી મામલે યુવાનને હત્યારાઓએ મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબુલાત આપી હતી. હત્યારાઓને પકડવા આરોપીઓએ પેટ્રોલપંપ પર ગુગલ પે થી કરેલ પેમેન્ટની કડી ક્રાઈમ બ્રાંચને તેમના સુધી લઈ ગઈ હતી.

બનાવની વિગત મુજબ ગઈ તા.19/6/24ના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વાતી સોસાયટીની બાજુમાં કાચા રસ્તા પર ખુલ્લી જગ્યાએથી 35 વર્ષીય અજાણ્યા યુવાનની શંકાસ્પદ અર્ધ સળગેલ હાલતમાં મળેલ હતી. જે યુવાનને આરોપી દ્વારા માર મારી મોત નિપજાવી તેની ઓળખાણ છતી ન થાય તે માટે સળગાવી દીધેલ હોવાનું સામે આવતા આજીડેમ પોલીસ મથકમાં હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.

ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા, અધિક પો.કમિશ્ર્નર મહેન્દ્ર બગડીયાએ મૃતકની ઓળખ મેળવવા તેમજ આરોપીને પકડી પાડવા માટેની આપેલ સૂચનાથી ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી ક્રાઈમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર.ગોંડલીયાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા અને ટેકનીકલ સોર્સની મદદથી તપાસનો ધમધમાટ આદર્યો હતો.

દરમ્યાન પીએસઆઈ એ.એન.પરમાર, હેડકોન્સ્ટેબલ હરદેવસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ પ્રદીપસિંહ જાડેજા, રાજેશ જલુને મળેલ ચોકકસ બાતમીના આધારે હત્યાને અંજામ આપનાર સામળ ઉર્ફે વિરમ હિન્દુ વકાતર (ઉ.26), મેહુલ ઉર્ફે હકો હિન્દુ વકાતર (ઉ.31) રહે. બંને સ્વાતીપાર્ક શેરીનં.8 અને એક પરપ્રાંતીય સગીરને દબોચી હત્યાના બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી સામળ ઉર્ફે વિરમે બે વર્ષ પહેલા કટકે કટકે મૃતક વિપુલ કીયાડા પાસેથી રૂા.8 લાખ ઉછીના લીધા હતા. જે રૂપિયા મૃતક અવારનવાર માંગતો હોવા છતાં આરોપી આપતો ન હતો. જેથી બનાવના દિવસે ફરિવાર મૃતકે આરોપી શ્યામળને સાંજે રૂપિયાની સગવડ કરી રાખશે હું રૂપિયા લેવા આવુ છું કહ્યું હતું. જયારે જ આરોપી શ્યામળ, તેનો ભાઈ મેહુલ અને સગીરે મૃતક રૂપિયા લેવા આવે ત્યારે તેમની હત્યા કરી નાંખવાનો પ્લાન ઘડયો હતો તે માટે મેહુલ સાથે છકડો રિક્ષાનો લીવર વાયર પણ મંગાવી રાખેલ હતો.

ત્યારબાદ સાંજના સમયે મૃતક આરોપીના વરંડાએ રૂપિયા લેવા આવતા મોડીરાત સુધી ચર્ચા ચાલી હતી. જે બાદ મૃતકને બાજુની જગ્યામાં શાંતિથી વાત કરીએ તેવુ કહી આરોપીઓ ઘર નજીક વરંડામાં લઈ ગયા હતા. જે બાદ થોડીવાર વાતચીત કર્યા બાદ મૃતકે આવતીકાલે રૂપિયા લેવા આવીશ સગવડ કરીને રાખજો તેમ કહી ઘરે જવા ઉભો થયેલ ત્યારે શ્યામળે પાછળથી પકડી લીધેલ અને મેહુલ અને સગીરે તેમને નીચે પાડી દીધેલ ત્યારબાદ શ્યામળે મૃતકને ગળામાં કલચ વાયર ખેચી ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

જે બાદ ત્રણેય આરોપીઓ લાશને ખરાબામાં લઈ જઈ હાથ-પગ અને મોઢુ દોરીથી બાંધી દીધેલ ત્યારબાદ કોઈના ફીંગર ન આવે તે માટે લાશને સળગાવી દીધી હતી.

♦રાત્રે નવ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં સીસીટીવી કેમેરાના ફુટેજથી આરોપીની ઓળખ છતી
સ્વાતીપાર્કમાં થયેલ હત્યા બાદ લાશને સળગાવી નાંખવાના બનાવમાં ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન.પરમાર અને ટીમે તલસ્પર્શી તપાસ આદરી હતી. જેમાં બનાવ નજીકના સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રે સાડા આઠ વાગ્યે બનાવ સ્થળે આગ ભભુકી હતી તેમજ ત્રણ શખ્સો ત્યાંથી પસાર થતા હોય તેવું સામે આવ્યું હતું જે બાદ તે સીસીટીવીની કડી સ્વાતીપાર્ક સુધી લઈ ગઈ હતી. જે બાદ મૃતકને સળગાવ્યાનો બનાવ હોય જેથી નજીકના પેટ્રોલપંપ પર જઈ તપાસ કરતા ત્યાંના સીસીટીવીમાં ત્રણ શખ્સો પેટ્રોલ પુરાવા આવ્યા હોવાનું સામે આવ્યુ હતું.

જે અંગે પેટ્રોલપંપના સ્ટાફને પૂછતા ત્રણેય શખ્સોએ બોટલમાં પેટ્રોલ પુરી દેવાનું કહ્યું હતું જેથી તેમને તે અંગે ના પાડયા બાદ તેઓએ બાઈકમાં જ પેટ્રોલ પુરાવી ગુગલ પે થી પેમેન્ટ કર્યુ હતું. જે પેમેન્ટ પરથી આરોપીની ઓળખ છતી થઈ હતી.

♦આરોપી શામળ ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી ગયો હતો
આરોપી શામળ ઓનલાઈન જુગાર રમતો હતો જેથી જુગારમાં રૂપિયા હારી જતા તેને મૃતક પાસેથી કટકે કટકે લાખો રૂપિયા મેળવ્યા હતા જે રૂપિયા પણ તે જુગારમાં હારી જતા તે રૂપિયા આપી શકે તેમ ન હતો અને મૃતક રૂપિયાની વારંવાર ઉઘરાણી કરતા હોવાથી તેમને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

♦માર્કેટીંગ યાર્ડમાં મજુરીકામ કરતા મૃતકે જમીન વેંચી આરોપીને પૈસા આપ્યા
મૃતક માર્કેટીંગ યાર્ડમાં મજુરીકામ કરતા હતા. તેઓને ત્યાં છોટા હાથી હાંકતો આરોપી મેહુલ વકાતર સાથે મિત્રતા થઈ હતી. બાદમાં મૃતકને મેહુલના ભાઈ શામળ સાથે પણ ભાઈબંધી થયા બાદ શામળે તેમની પાસે ઉછીના રૂપિયા માંગ્યા હતા. તેથી મૃતકે તેમની ખેતીની જમીન વેંચ્યાના આવેલ રૂપિયા મિત્રતાના નાતે આરોપી શામળને આપ્યા હતા.

 

Print