www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટી-બચાવ સંસાધનોના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.28
મોરબી જિલ્લા વહિવટી તંત્ર, મોરબી સિરામીક એસોસિએશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને ડાયરેક્ટર, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય, મોરબીના સંયુકત ઉપક્રમે પ્રોપેન અને એલ.પી.જી.ના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફ્ટી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અનુસંધાને તા. 19થી 27 સુધી સેફ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી.

જેમાં 9 જેટલા ગૃપ પાડીને મોરબીના દરેક વિસ્તારને આવરી લેવાયા હતા. જેમાં કુલ 304 ઔદ્યોગિક એકમો અને 660 વ્યક્તિએ ભાગ લીધો હતો. આ ટ્રેનીંગ દરમિયાન ઉપસ્થિતોને પ્રોપેન અને એલ.પી.જી.ને ઓપરેટ કરતી વખતે શું ધ્યાન રાખવું તથા આગ જેવી અણધારી આફતને નિવારવા માટે કઈ રીતે પોતાને અન્યને તેમજ માલ-મિલકતને  ઓછામાં ઓછું નુક્શાન થાય તે માટે ઉપલબ્ધ ફાયર સેફટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતિમ દિવસે એરાકોન વિટ્રીફાઇડ માટેલ ખાતે રાખવામાં આવેલા સેશન દરમિયાન વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, મોરબી કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડો. ધાર્મિક પુરોહિત તથા ટ્રાઈ ગેસ કંપનીના ધર્મેશ જોબનપુત્રા વગેરે હાજર રહ્યા હતા.
 

મોરબીમાં નિવાસી તાલીમ વર્ગ યોજવા માંગતી સંસ્થાઓ જોગ
જિલ્લા રોજગાર કચેરી મોરબી દ્વારા આગામી જુલાઈ-2024 માસમાં 30 દિવસ માટે સંરક્ષણ દળોમાં જોડાવા માટે વિદ્યાર્થીઓના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરેલ છે. આ નિવાસી તાલીમ માટે હોસ્ટેલ, ક્લાસરૂમ, રસોડુ, ગ્રાઉન્ડની સુવિધા ધરાવતી શૈક્ષણિક/ સામાજિક સંસ્થાની જરૂરીયાત હોય જેના માટે રસ ધરાવતી શૈક્ષણિક/ સામજિક સંસ્થાઓએ દિન-5 માં જિલ્લા રોજગાર કચેરી મોરબીનો સંપર્ક કરવો.

Print