www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાતના સૌથી પાવરફુલ IAS અધિકારી કૈલાસનાથન અંતે નિવૃત્ત : દિલ્હી લઇ જવાતા હોવાની પણ અટકળો


ચાર મુખ્યમંત્રી સાથે કામ કરી સૌથી વિશ્વાસુ અધિકારી સાબિત થયા હતા : 11 વખત અપાયું હતું એકસ્ટેશન

સાંજ સમાચાર

ગાંધીનગર, તા. 1
ગુજરાતમાં ચાર મુખ્યમંત્રી અને છ સરકારો સાથે કામ કરનારા સૌથી પાવરફુલ અધિકારી મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથનનો કાર્યકાળ આજે પૂર્ણ થયો છે. હવે તેમને એક્સ્ટેન્શન નહીં અપાય. મીડિયામાં આ સમાચાર આવ્યા બાદ અનેક અટકળો વહેતી થઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને દિલ્હી લઈ જવામાં આવી શકે છે અથવા કોઈ રાજ્યના રાજ્યપાલ પણ બનાવવામાં આવી શકે છે. 

કે. કૈલાસનાથનને 2009માં મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય સચિવ તરીકે નિમાયા હતા. તેઓ 33 વર્ષના પ્રભાવશાળી કાર્યકાળ પછી 2013માં ગુજરાતમાં અધિક મુખ્ય સચિવના પદ પરથી નિવૃત્ત થયા હતા. 

1979ના ગુજરાત કેડરના પ્રતિષ્ઠિત નિવૃત્ત આઇએએસ અધિકારી કે.કૈલાશનાથન ભારતીય વહીવટી સેવામાં તેમની અદભૂત સેવા માટે જાણીતા છે.  કે. કૈલાશનાથન નરેન્દ્ર મોદી સહિત ચાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલના વિશ્વાસુ અધિકારી રહ્યા છે. 2013માં નિવૃત્ત થયા હોવા છતાં કે. કૈલાશનાથનને મુખ્યમંત્રી કાર્યાલયમાં સક્રિયપણે સામેલ રાખવામાં આવ્યા હતા.

2013માં નિવૃત્ત થયા બાદ કે.કૈલાશનાથનની મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પદ તેમના માટે ખાસ બનાવવામાં આવ્યું હતું. તેમને નિવૃત્તિ બાદ સતત એક કે બે નહીં 11 વખત એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. 

ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે કે. કૈલાશનાથનને જાણતું ન હોય. કે. કૈલાશનાથન વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફુલ અધિકારી રહ્યા છે, પરંતુ તેમ છતાં તેમનું નામ ક્યારેય કોઈ વિવાદમાં ઢસડાયું નથી. દક્ષિણ ભારતના વતની કે.કૈલાશનાથન ઉટીમાં મોટા થયા છે. તેમના પિતા ટપાલ ખાતામાં નોકરી કરતા હતા. 

કે. કૈલાશનાથને સિવિલ સર્વિસમાં પસંદગી બાદ 1981માં આસિસ્ટન્ટ કલેક્ટર જુનિયર ટાઈમ સ્કેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. 1981માં મદદનીશ કલેક્ટર તરીકે શરૂ થયેલી ઉમદા કારકિર્દી સાથે કૈલાશનાથન સુરેન્દ્રનગર અને સુરતના કલેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને પ્રખ્યાત બીઆરટીએસની સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ સહિત વિવિધ મુખ્ય હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે.

Print