www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

46 લાખ કરોડ સ્વાહા

આશા ધૂળધાણી: સેન્સેકસમાં ઈન્ટ્રા-ડે 6200 પોઈન્ટનો ઐતિહાસિક કડાકો


♦ લોકસભા ચૂંટણીના ટ્રેન્ડ એકઝીટ પોલ જેવા નહી રહેતા વેચવાલીનો મારો: તમામે તમામ શેરોમાં ગાબડા: નિફટી 1700 પોઈન્ટ ગગડયો

સાંજ સમાચાર

♦ બીએસઈમાં 3904 માંથી 3398 શેરોમાં ગાબડા: 682 શેરોમાં ઉંધી સર્કીટ: અદાણી-અંબાણી ઉપરાંત પીએસયુ-બેંકો સહિતના શેરોનો ભૂકકો

રાજકોટ તા.4
મુંબઈ શેરબજારમાં આજે પ્રચંડ કડાકો સર્જાયો હતો. લોકસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએને પ્રચંડ બહુમતી મળવાની આશા ધૂળધાણી થઈ જતા માર્કેટમાં વેચવાલીનો મારો નીકળ્યો હતો અને તમામે તમામ શેરોમાં ગાબડા પડયા હતા. સોમવારની તેજીથી તદન વિપરીત બમણા જોરની મંદી થઈ હતી. સેન્સેકસ ઈન્ટ્રા-ડે 6200 પોઈન્ટ કરતા પણ વધુ ગગડી ગયો હતો અને આ સમયગાળામાં ઈન્વેસ્ટરોની સંપતિમાં 46 લાખ કરોડનું પ્રચંડ ગાબડુ પડયુ હતું.

શેરબજારમાં કામકાજની શરૂઆત થઈ ત્યારે જ લોકસભાની ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ આવવો શરુ થઈ ગયો હતો. એકઝીટ પોલ જેવા પરિણામ નહી આવવાની શંકાથી શરૂઆતથી જ નબળાઈ આવી ગઈ હતી અને ટ્રેન્ડ વધુ સ્પષ્ટ થવા સાથે વેચવાલીનો મારો વધતો રહ્યો હતો. એનડીએની બહુમતી એકદમ સામાન્ય અને પાતળી રહેવાના સંકેતો ઉપસતા ગભરાટ સર્જાયો હતો અને વધુને વધુ દબાણ સર્જાતુ રહ્યું હતું.

તમામે તમામ શેરોમાં જોરદાર ગાબડા પડવા લાગ્યા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ભાજપને એકલા હાથે 272 બેઠકોની બહુમતી મળે તેવી સ્થિતિ રહી નથી. એનડીએને પણ પાતળી બહુમતી રહેવાની શકયતા જણાઈ રહી છે. આ સંજોગોમાં ત્રીજી ટર્મમાં પણ મોદી સરકાર રચાય તો પણ ક્રાંતિકારી અને ઐતિહાસિક સુધારાના પગલા નહી લઈ શકે અને આ ગણતરીના આધારે શેરબજાર અટકાયુ છે. આગામી દિવસોમાં બજેટ સહિતના કારણો પર હવે નજર રહી શકે છે.

શેરબજારમાં આજે તમામે તમામ ક્ષેત્રના શેરોમાં પ્રચંડ કડાકા સર્જાયા હતા. અદાણી ગ્રુપના શેરોનો બુકડો બોલી ગયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝનો ભાવ 500 રૂપિયાથી વધુ અને અદાણી પોર્ટનો ભાવ 250 રૂપિયા જેટલો ગગડી ગયો હતો. રિલાયન્સ, સ્ટેટ બેંક, અદાણી પાવર જેવા શેરો પણ 100-100 રૂપિયા તૂટી ગયા હતા. બેંકો તથા ઈએસયુ શેરોનો પણ ભૂકકો બોલી ગયો હતો.

બપોરે 12.30 વાગ્યાની સ્થિતિએ મુંબઈ શેરબજારનો સેન્સેટીવ ઈન્ડેકસ 4272 પોઈન્ટના કડાકાથી 72257 સાંપડયો હતો. જે ઉંચામાં 76300 તથા નીચામાં 70234 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 1343 પોઈન્ટના કડાકાથી 21857 હતો. જે ઉંચામાં 23179 તથા નીચામાં 21281 હતો.

શેરબજારની ઐતિહાસિક મંદીને પગલે ઈન્ટ્રા-ડે ઈન્વેસ્ટરોની સંપતિમાં 46 લાખ કરોડનું ધોવાણ થયુ હતું. અંતિમ અડધા કલાકના કામકાજ બાકી હતા ત્યારે બીએસઈનું માર્કેટકેપ 396.11 લાખ કરોડ સાંપડયું હતું. મંદી કેટલી તીવ્ર હતી તેનો અંદાજ એ વાત પરથી આવી જતો હતો કે બીએસઈમાં 3904માંથી 3398 શેરો ગગડયા હતા. 289 શેરો વર્ષના તળીયે સરકી ગયા હતા.

જયારે 682માં ઉંધી સર્કીટ લાગી હતી. મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટાટામોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઈટન, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, ઓએનજીસી, ભારત ઈલેકટ્રોનિક વગેરેમાં જોરદાર ગાબડા હતા.

Print