www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સમૃદ્ધ બનેલા ખેડુતો હવે જણસીઓ વેચવાની ઉતાવળ નથી કરતા

માર્કેટયાર્ડમાં ઈતિહાસ બન્યો : ‘ઓફ સિઝન’માં સિઝન જેવા વેપાર- ટર્નઓવર


♦ મે મહિનામાં 481 કરોડનુ રેકોર્ડબ્રેક ટર્નઓવર: ચાલુ જુન માસમાં પણ 154 કરોડનુ થઈ ગયુ: શેડ જેવી પર્યાપ્ત સુવિધાને કારણે સૌરાષ્ટ્રભરનો માલ આવે છે

સાંજ સમાચાર

♦ ખરીફ વાવેતર પુર્વે સામાન્ય રીતે વેપાર તળીયે પહોંચતા હોય છે પણ આ વખતે મગફળી-તલથી માંડીને વિવિધ ચીજો ઠલવાય છે, આવક અટકાવવાની નોબત

રાજકોટ,તા.12
વરસાદની સિઝન શરૂ થતા પહેલા યાર્ડમાં માલનુ વેચાણ પુરજોશમાં થઈ રહ્યું છે. જુન માસમાં નવુ વાવેતર કરવામાં આવે છે જે પુર્વે જુના માલનો નિકાલ કરવામાં આવે. મે માસની ઓફ સીઝનમાં જયારે માલની નહીવત આવક થાય ત્યારે આ વર્ષે રેકોર્ડબ્રેક ટર્નઓવર નોંધાયુ છે. મે માસમાં પણ 481 કરોડ ટર્નઓવર થયુ હતુ અને ચાલુ જૂન માસમાં પણ અત્યાર સુધીમાં 154 કરોડનું થઈ ગયુ છે.

હાલના સમયમાં ખેડૂતો સમૃદ્ધ બન્યા હોય તેવુ જણાઈ રહ્યું છે તેની પાછળ અનેક પરિબળો જવાબદાર છે. ખેડુતો હવે જણસીઓ વેચવાની ઉતાવળ કરતા નથી. ખેડુતો યોગ્ય ભાવ મળ્યા બાદ જ માલનુ વેચાણ કરે છે. આ ઉપરાંત રાજકોટ માર્કેટયાર્ડમાં માલ વેચવાથી ખેડુતોને મોટો ફાયદો થાય છે. શેડ જેવી સુવિધાઓ હોવાથી ખેડુતોને ફાયદો રહે છે. ચાલુ માસમાં તો એક જણસીનું 40 કરોડ સુધી ટર્નઓવર પહોંચ્યું છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં આ વખતે એવી પરીસ્થિતિ સર્જાણી હતી કે મે માસમાં માલ ઠલવવા માટે મનાઈ કરવામાં આવી હતી. મબલખ આવકથી યાર્ડના વેપારીઓ ખુશ થઈ ઉઠયા હતા. મગફળી તલથી માંડીને વિવિધ ચીજોની મબલખ આવક ઠલવાય છે. મે માસમાં કુલ 481 કરોડનું ટર્નઓવર થયુ હતું જેમાં સૌથી વધુ જીરૂનુ 74 કરોડ નોંધાયુ હતું. ત્યારબાદ તલનું 64 કરોડ, પીળા ચણાનું 31 કરોડ, લસણનું 25 કરોડ, મગફળીનુ 21 કરોડ ઘઉંનો 19 કરોડનો ટર્નઓવર થયો હતો.

ચાલુ માસની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 154 કરોડનું રેકોર્ડબ્રેક ટર્નઓવર થયુ છે. જેમાં સૌથી વધુ તલનુ 36 કરોડ, મગનુ 11 કરોડ, જીરૂનો 10 કરોડ, કપાસનો 9 કરોડનો ઐતિહાસિક ટર્નઓવર નોંધાયો છે. ખેડુતો પોતાનો માલ સમજદારીપૂર્વક વહેચી રહ્યા છે.

Print