www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉમંગભેર ઉજવાશે પરંપરાગત પર્વ

હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ: કાલે હોલિકા દહન: સોમવારે રંગોત્સવનું પર્વ ધૂળેટી


ખજુર, ધાણી, દાળિયા, કલર તથા પિચકારીથી ઉભરાઈ છે બજારો: અનેરો થનગનાટ

સાંજ સમાચાર

રાજકોટ તા.23
 

 આવતીકાલે હોલિકાદહન તથા સોમવારે રંગો અને ખુશીઓનો તહેવાર ધૂળેટી પર્વ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાશે.

 આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ રંગોત્સવ- ધૂળેટી તરીકે ઉજવાય છે. આવતીકાલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રાતે 7થી 10 (શુભ દિવસ) દરમ્યાન હોલિકા દહન થશે. મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા-લાકડાની હોળી ખડકવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ વગાડતા એકઠા થાય છે. અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો. દૈવી શકિતનું સન્માન કરવું, વંદના કરવી, ભારતીય તહેવારોમાં હોલિકા તથા પ્રહલાદની કથા ઘણી જાણીતી છે.

 હોળીના બીજા દિવસે ધૂળેટી પર્વ મનાવવામાં આવે છે. આ તહેવાર રંગોનો તહેવાર એટલા માટે કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ, ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટીને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યકત કરે છે. બજારો ખજુર, ધાણી, ધાળીયા, કલર, પીચકારીથી ઉભરાઈ છે.  વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્ય કશ્યપુ તે દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈપણથી તેનું મૃત્યુ થશે નહીં.

 આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને માવો લગભગ અસંભવ થઈ ગયું. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઈશ્ર્વરને પૂજવાનું બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કયુર્ં.  હિરણ્ય કશ્યપુનો પુત્ર પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભકત હતો. તેને ઈશ્ર્વર ભકિતથી દૂર કરવા હિરણ્ય કશ્યપુએ ઘણા પ્રયાસો કર્યા. અંતે પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસી અગ્નિપરીક્ષા આપવાનો આદેશ આપ્યો. જયારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે અગ્નિમાં હોલિકા બળીને ભસ્મ થઈ અને પ્રહલાદ હોલિકા બળીને ભસ્મ થઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોલિકા દહન બની.

 હોળીના બીજા દિવસને ધૂળેટીને પડવો કહેવામાં આવે છે.
 વૈષ્ણવ ધર્મમાં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીના વર્ણનના સુંદર ગીતો મળી આવે છે. જે મહદ અંશે વ્રજ ભાષામાં હોય છે.
હોળી પ્રગટાવવાનો સમય
 આવતીકાલે તા.24ના રવિવારે રાત્રે પુનમ તિથિ હોવાથી પંચાંગના નિયમ પ્રમાણે રાત્રે 7થી 10 દરમ્યાન હોળી પ્રગટાવવી શુભ રહેશે.
રાજકોટ
 રાજકોટના વિવિધ વિસ્તારોમાં કાલે હોલિકા દહન થશે. લોકો હોળીના દર્શનાર્થે જશે અને વિધિપૂર્વક પ્રદક્ષિણા કરશે સોમવારે અનેરા ઉમંગથી ધૂળેટી પર્વની ઉજવણી કરાશે.

♦ માધવપુર (ઘેડ)માં સોમવારે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણિની
લગ્ન કંકોત્રી લખાશે: લગ્ન ગીતોની રમઝટ બોલશે

(આશિષ પોપટ)
માધવપુર (ઘેડ) તા.23

 

 માધવપુર ઘેડમાં તા.25/3ના સોમવારના શ્રી કૃષ્ણ પ્રભુ માધવરાય મંદિરથી બપોરના ચાર વાગ્યે રવાડીમાં બિરાજી ફુલડોલ ઝુલવા વાઝતે ઢોલ શરણાઈના સૂરે કિર્તનકારો સાથે ભાવિક ભાઈ બહેનો સાથે મધુવનમાં જશે ત્યાં મધુવનમાં આવેલ રાણના ઝડ ઉપર ઝુલામાં શ્રી કૃષ્ણ પ્રભુને બેસાડવામાં આવશે અને સૌ આવેલા નાના મોટા ભાઈઓ તથા બહેનો શ્રીકૃષ્ણ પ્રભુને અબીલ ગુલાલ વડે રંગે રમાડશે અને ઝૂલે ઝુલાવશે. આ અમુલ્ય લ્હાવો આવેલ હરકોઈ વ્યકિતને મળશે અને પોતાની જાતને ધન્યતા અનુભવશે કે પોતે સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ સાથે હોળી ખેલ્યા.

 ત્યારબાદ શ્રીકૃષ્ણ પ્રભુજી રૂક્ષ્મણીના મઢે એટલે કે શ્રી મહાપ્રભુજીના બેઠકજી પાસે આવેલ જે રૂક્ષ્બમણીજીનું પિયર કહેવાય છે ત્યાં આવશે ત્યાં શ્રીકૃષ્ણ પ્રભુનું સ્વાગત રૂક્ષ્મણીજીના પિયરીયાઓ કરશે. પછી ત્યાં વિશ્રામ કરવા રવાડીમાં બેસાડશે. કિર્તનકારો કિર્તન કરશે. શ્રીકૃષ્ણને શીતલ જલ અને મેવો એટલે કે ફ્રુટ સામગ્રી ધરાવી આરતી ઉતારશે. ત્યારબાદ વિધીવત શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નની કંકોત્રી બન્ને પક્ષોની સમજુતીથી લખાશે જે આજે પણ ‘મોર પીછ’ દ્વારા લખવામાં આવે છે. કંકોત્રી લખાશે ત્યારે બહેનો લગ્ન ગીતોની રમઝટ બોલાવશે. વિધિવત કંકોત્રી લખાયા બાદ પધારેલા નાના મોટા સર્વે ભકતોમાં શીતલ જલ અને પ્રસાદ વહેંચવામાં આવશે.

 માધવપુર ઘેડ તથા આજુબાજુના ઘેડ વિસ્તારના ગામડાઓના ભાઈઓ તથા બહેનો પોત પોતાના કુંવર પરણતો હોય તેમ શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્નની તડામાર તૈયારીમાં પડી જશે. બહેનો પોત પોતાના ઘરે અને માધવરાયજી મંદિરમાં લગ્નગીતોની રમઝટ બોલાવશે.

♦ હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે સોમનાથ પ્રભાસપાટણમાં અનેરો થનગનાટ છવાયો

 

સોમનાથમાં પ્રાચીન મંદિર શિલ્પ સ્થાપત્ય અવશેષોમાં સચવાયું છે હોલિકા દહન

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ,તા.23
 

સોમનાથ પ્રભાસપાટણમાં હોળી, ધૂળેટીનો પર્વ ઉજવવા અનેરો થનગનાટ જોવા મળે છે. પ્રાચીન મંદિર શિલ્પ સ્થાપત્ય અવશેષોમાં હોલિકા દહન સચવાયુ છે. પ્રભાસની બજારમાં ધાણી, ખજૂર, દાળીયા, ટોપરા, શ્રીફળ, મમરા, સાકરના હારડા અને પિચકારી, કલરોની ધૂમ ખરીદી નીકળી છે. ત્રણ દિવસની રજાનો મેળ હોવાથી સોમનાથમાં મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડશે.

સોમનાથ મહાદેવ મંદિર પણ પરંપરાગત રીતે હોળી પ્રાગટય અને હોળીની સંધ્યાએ ભગવાનને અબીલ ગુલાલ છંટકાવના સંધ્યા શણગાર દર્શન કરતા રહેવાનો દિવ્ય ક્રમ છે. સોમનાથ મેઈન બજારમા આવેલી દૈત્યસુદન મંદિરમા આમ તો વસંતપંચમીથી જ ભગવાનને ધાણી, ખજૂરનો પ્રસાદ ધરી શ્વેત ઝરીવાળા વસ્ત્રો ઉપર કેસુડો રંગ છંટકાવ, અબીલ ગુલાલ છાંટણા કરાઈ રહ્યા છે. સુગંધિત કેસરયુકત યમુના જળથી ભગવાનને અભિષેક પણ થઈ રહ્યો છે. પરંતુ ધુળેટીના દિવસે ફુલડોલ ઉત્સવ ઉજવાય છે. જેમા વહેલી સવારમા ભગવાનને મંગળ સ્નાન કરાવી આખો દિવસ સાત દર્શન યોજાય છે. પ્રથમ ગોવાળીયા શણગાર પછી મહાદેવ, રામ, બલરામ, વામન અને શગાળશા શેઠ, રાધાજીના શણગાર દર્શન યોજાય છે.

સોમનાથ મંદિરના પ્રાચીન શિલ્પ અવશેષો સોમનાથ યાત્રિક સુવીધા ભવનમા સંગ્રહાયેલા છે. જેમા એક શિલ્પ સ્થાપત્યમા હોલિકા પ્રહલાદને ખોળામાં લઈ બેસેલ છે તેવુ શિલ્પ છે અને તેનુ વિવરણ નીચે પ્લેટમા લખાયેલ છે. આમ હોળી ઉત્સવ આદિ કાળથી ઉજવાતો રહો છે. હોળીની આગલી રાતે પ્રભાસપાટણ રામરાખ ચોક મા કાલભૈરવનાથની માટીની વિશાળ મૂર્તિ બનાવવામાં આવે છે. શણગાર કરી હોળી ધુળેટીના દિવસોમા તેની પુજા, માનતા અને ખજૂર, પતાસાનો પ્રસાદ ધરી લોકોને આપવામાં આવે છે.

Print