www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમદાવાદમાં સાંજે IPLનો એલીમીનેટર જંગ: જે ટીમ હારશે તે બહાર ફેંકાશે


રાજસ્થાન તથા બેંગ્લોર વચ્ચે ટકકર: કોહલી-પાટીદાર-મેકસવેલ-સેમસન-જયસ્વાલ-પરાગના રોલ મહત્વના બનશે

સાંજ સમાચાર

અમદાવાદ,તા.22

આઈપીએલના ફાઈનલમાં કોલકતા નાઈટ રાઈડર્સનો પ્રવેશ થઈ ગયો છે અને બીજી ટીમનુ ચિત્ર હવે બે મેચ પછી સ્પષ્ટ છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલીમીનેટર મુકાબલો થશે તેમાં જે પરાજીત થાય તે બહાર ફેંકાશે અને જે જીતે તેને ફાઈનલમાં એન્ટ્રી મેળવવા માટે વધુ એક વિજય પ્રાપ્ત કરવો પડશે.

બેંગ્લોરની ટીમે અંતિમ મેચોમાં જબરદસ્ત દેખાવ કરીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યુ હતું જયારે રાજસ્થાનનો દેખાવ આખરી મુકાબલાઓમાં નબળો પડયો હોવાના કારણે આજના એલીમીનેટર જંગ પર ક્રિકેટ ચાહકોની નજર છે.

ટુર્નામેન્ટમાં લીગ સ્ટેજે બેંગ્લોર એક પછી એક હાર સાથે તળીયે હતું પરંતુ પછી ગાડી જીતના પાટા પર ચડી ગઈ હતી. સળંગ છ મેચ જીત્યા હતા. નિર્ણાયક મેચમાં ચેન્નઈને હરાવીને ચમત્કારીક રીતે પ્લેઓફમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.

આ સંજોગોમાં આત્મવિશ્વાસથી છલોછલ બેંગ્લોરને વર્તમાન ફોર્મનો મોટો લાભ મળી શકે તેમ છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન સાથે ઓરેન્જ કેપ ધરાવતા વિરાટ કોહલીના પરફોર્મન્સ પર આજે ખાસ નજર રહેશે તેવી જ રીતે રજત પાટીદાર તથા મેકસવેલનો રોલ મહત્વનો બનશે. રાજસ્થાનમાં જયસ્વાલ, સંજુ સેમસન, રિયાન પરાગ તથા બોલ્ટનો રોલ મહત્વનો બનશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં અત્યાર સુધીમાં રમાયેલા 12 મેચોમાં માત્ર બે વખત 200થી વધુનો સ્કોર બન્યો છે. વાતાવરણ સ્વચ્છ રહેવાનું છે ત્યારે બોલ-બેટની દિલધડક ભીડત જોવા મળશે.

Print