www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

TRP ગેમઝોનમાં પહેલી વખત આગ લાગી ત્યારે કડક પગલા લીધા હોત તો મોટી દુર્ઘટના ન થાત : ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરતા કમિશ્નર


દેવાંગ દેસાઇએ હુકમમાં ગંભીર નોંધ કરી : પૂરા શહેરમાં ફાયર સલામતીની જવાબદારી નિભાવવામાં નિષ્ફળતા બદલ પગલુ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 27

ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડની ઘટનામાં અગાઉ ફાયર સ્ટેશન ઓફિસર, તે બાદ ડે.ચીફ ફાયર ઓફિસર અને  ગત શનિવારે ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની ધરપકડ કરવામાં આવ્યા બાદ 48 કલાકની પોલીસ કસ્ટડીના કારણે  વર્ગ-1ના આ અધિકારીને કમિશ્નરે હુકમ બહાર પાડીને સસ્પેન્ડ કરી દીધા છે. 

ગત તા. રપ-5ના રોજ ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી. આ બાદ સતત ચાલુ રહેલી તપાસના અંતે ટીપીઓ એમ.ડી.સાગઠીયા સહિત કુલ સાત અધિકારીઓને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટીપીઓ સિવાય વર્ગ-1ના બીજા અધિકારી ઇલેશ ખેર જેલ હવાલે થયા છે ત્યારે તેમને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

કમિશ્નરે કરેલા હુકમમાં જણાવ્યું છે કે ફાયર શાખાની તમામ પ્રકારની કામગીરી સતા અને જવાબદારી સાથે ચીફ ફાયર ઓફિસરે નિભાવવાની હોય છે. એનઓસી વગરની મિલ્કતોની તપાસ અને એનઓસી ન હોય તો તે અંગેની કાર્યવાહી કરાવવાની જવાબદારી તેમની છે. નાના મવા રોડના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના ગંભીર હતી. ગેમઝોનમાં નાના બાળકો ગેમીંગ માટે આવતા હોય છે. જે માટે ફાયરના સાધનો પૂરતા પ્રમાણમાં હોવા જોઇએ. તે માટે ફાયર શાખાએ ચેકીંગ કરીને ફાયર એનઓસી ફરજિયાત આપવાનું હોય છે. આ ગેમઝોન લાંબા સમયથી ચાલતો હતો.   તા. રપ-5ની આગ પહેલા પણ ગેમઝોન ખાતે આગ લાગવાની ઘટના બની હતી. ત્યારબાદ પણ ફાયર એનઓસી બાબતે ચીફ ફાયર ઓફિસર ખેર દ્વારા સ્થળ તપાસ કરી કોઇ કાર્યવાહી ન કરાયાનું  દેખાઇ આવ્યું છે. આ ઘટના પહેલા  ફાયર સાધનો અને એનઓસી માટે પગલા લેવામાં આવ્યા હોત તો આવી મોટી દુર્ઘટના ન બનત. 

આ તમામ બાબતોમાં  ખેરની ગંભીર પ્રકારની ગેરજવાબદારી, બેદરકારી, શિથીલતા અને નિષ્કાળજી સાબિત થઇ છે. તેમની સામે કલમ 304, 308, 337, 338, 36, 465, 466, 471, 747, 201, 120(બી), 114 મુજબનો ગુનો નોંધાયો છે. આથી તા.22-6ના રોજ તેમની ધરપકડ કરાઇ હતી. ફરજમાં બેદરકારી અને તંત્રને નુકસાન થાય તેવી બેજવાબદારી બદલ ધરપકડના 48 કલાક બાદ તેઓને તાત્કાલીક અસરથી ફરજમાંથી મુકત કરવામાં આવ્યા છે. 

Print