www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલ ખાતે દલિત સમાજનાં પ્રતિકાર મહાસંમેલનમાં ખુલ્લો પડકાર ફેંકાયો

મારા પર ગુના છે તો જયરાજસિંહ પણ કયાં દુધે ધોયેલા છે: રાજુભાઈ સોલંકી


હવે પછીનું આંદોલન ધારાસભ્ય ગીતાબા રાજીનામુ આપે તેનું હશે: બે દિવસ પછી સૌરાષ્ટ્ર-ગુજરાતના આગેવાનો એકઠાં કરવાનું આયોજન

સાંજ સમાચાર

રાજકોટ,તા.13
છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલના જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજાનો મામલો ચર્ચામાં છે. જૂનાગઢના રાજુ સોલંકીના દીકરા અને દલિત યુવાન સંજય સોલંકીનું કથિત રીતે અપહરણ કરીને માર મારવા મામલે ગણેશ જાડેજા સહિત તેના સાગરીતોની ધરપકડ કરીને જેલ ભેગા કરવામાં આવ્યા છે. એક તરફ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે ત્યારે બીજી તરફ અનુસૂચિત જાતિનાં લોકોમાં રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. અનુસૂચિત જાતિ દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી બાઈક રેલી યોજી હતી. ત્યારબાદ ગોંડલમાં અનુસૂચિત જાતિની પ્રતિકાર મહાસંમેલન યોજાયું. બીજી તરફ આજે ગોંડલ શહેર સજ્જડ બંધ રહ્યું હતું.

આ મહાસંમેલન પૂર્ણ થયા બાદ દલિત સમાજના પ્રમુખ અને ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ મોટું નિવેદન આપ્યું હતું. રાજુ સોલંકીએ કહ્યું હતું કે, મારા બાપાના દાદા ગરાસીયા હતા. સોલંકી, મકવાણા, પરમાર, ચૌહાણ અમે તમારા ભાઈઓ છીએ. જયરાજસિંહ અને મારું DNA એક જ છે. રાજુ સોલંકી અને જયરાજસિંહનું DNA ચેક કરો, જો એક જ ન નીકળે તો તમારું જોડુ અને મારું માથું.

જૂનાગઢના બનાવને લઈને મુખ્ય ફરિયાદી રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજાને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય છું. તો તમે પૂર્વ ધારાસભ્ય હોવ અને સેવાભાવી માણસ હોવ તો તમારે બોર્ડિગાર્ડ રાખવાની જરૂર શું છે? ગોંડલની બજારમાં એકલા રખડો તો ખબર પડે કે તમે કેવા સેવાભાવી છો અને તમારી કેવી લોકચાહના છે.’વધુમાં ’હું જાહેર જીવનનો માણસ છું. મારી પાસે મોટાભાગના જાહેર ભંગના ગુના છે. હા મારા પર ગુના છે, પરંતુ જયરાજસિંહ પર 302ના કેસ ચાલે છે. તેઓ અપીલ પર છે. તે ક્યાં દૂધના ધોયેલા છે.

આ સાથે જયરાજસિંહ જાડેજાને ચેલેન્જ આપી હતી કે, જયરાજસિંહ વાંરવાર બધાને ચેલેન્જ આપતા હોય છે ને તમારું ઘર, તમારું ગામ, તમારું ઠેકાણું, તમારો ટાઈમ અને મારી ગાડી. તો તેને ચેલેન્જ આપવા આવ્યો છું કે તમારું ગામ, તમારું ટાઈમ, તમારું ઘર રાજુ સોલંકી તમારા ગામનું પાણી પીવા માટે આવ્યો છે.

હવે પછીનું અમારું જે આંદોલન સરકાર ધારાસભ્ય ગીતાબાનું રાજીનામું આપે તે માટેનું હશે. હવે બે દિવસ પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના અમારા સમાજના આગેવાનો એકઠાં થઈશું અને આગામી આયોજન અંગે ચર્ચા કરીશું.’

જયરાજસિંહ જાડેજાએ તેમના પુત્રની ધરપકડ મામલે આજે મૌન તોડ્યું છે અને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, હું આજે જે રીતે ગોંડલની જનતાએ સ્વયંભૂ બંધ પાડ્યું તે જોઇ તેમનો આભાર માનું છું.

આ એક આકસ્મિક ઘટના છે. તેમણે આકસ્મિક ઘટના કોને કહેવાય તેનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, તમે તમારું વાહન લઇને તમારા ઘરે જઇ રહ્યા છો અને તમારા કોઇને સાથે અથડાવાનું થાય તો તમારો કોઇ ઇરાદો ખરો? તેમણે કહ્યું કે, આ ઘટનાને હું માત્ર ને માત્ર આકસ્મિક ગણું છું. આમાં કોઇ પૂર્વ આયોજીત કાવતરું નથી. જે જુનાગઢનો પરિવાર છે તેનાથી મારે કોઇ પારિવારીક વાંધો નથી, કોઇ પેઢી દર પેઢીનું વેરઝેર નથી, આ કોઇને પણ હું ઓળખતો નથી. ગણેશ પણ તેમને ઓળખતો નથી. 

Print