www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ડિમોલીશન ન કરનારાને ત્યાં એસીબીની તપાસ કરાવવા માંગણી

વોર્ડ નં.રમાં ગેરકાયદે બાંધકામના ખડકલા : કમિશ્નરને ફરી ભાજપના નેતાની ફરિયાદો


અનિલભાઇ મકવાણાએ મુખ્યમંત્રીને પણ પત્ર મોકલ્યો : જાન પર જોખમ હોવાનો ઉલ્લેખ

સાંજ સમાચાર

રાજકોટ, તા. ર1
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ ધગધગતી તપાસ ચાલુ છે ત્યારે આજે ફરી ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ મ્યુનિ. કમિશ્નરને રૂબરૂ મળી ફરી ગેરકાયદે બાંધકામોની ફાઇલ મનપાની જ નોટીસની કોપી સાથે ફરિયાદ કરી છે. સાથે જ આ રજુઆતની નકલ મુખ્યમંત્રી, સાંસદ અને એસીબીને પણ મોકલી છે. જેમાં પોતાને ગેરકાયદે બાંધકામ કરનારાથી જાનનું જોખમ હોવાનું પણ જણાવ્યું છે. 

મનપામાં ઇન્વર્ડ કરાયેલી અરજીમાં જણાવ્યું છે કે રાજકોટમાં લાંબા સમયથી ગેરકાયદે બાંધકામ ટીપી (તોડબાજ)  શાખાના પાપે ચાલી રહ્યા છે. ટીઆરપી ગેમઝોનમાં ર7 લોકોના જીવ ગયા છતાં ટીપી શાખા સુધરવાનું નામ લેતી નથી. વોર્ડ નં.રમાં ગેરકાયદે બાંધકામ ધમધમે છે.

કોલ સેન્ટરથી માંડી કમિશ્નરને લેખિત, વોટસએપ, ઇ-મેઇલથી ફોટા અને સરનામા સાથે ફરિયાદ છતાં કોઇ પગલા લેવાતા નથી. ઉલ્ટાનું ચોર કોટવાલને દંડે તેમ ફરિયાદીની માહિતી ગેરકાયદે બાંધકામ કરનારા સુધી પહોંચાડતા હોય, જાનનું જોખમ સર્જાયુ છે. માત્ર નોટીસ આપીને ધમકાવવાનું કામ ચાલે છે. આરટીઆઇ હેઠળ પણ સાચા જવાબ આપવામાં આવતા નથી. આર્કિટેકટસની જવાબદારી હોવા છતાં કોઇ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. તે શંકાસ્પદ બાબત છે. 

વધુમાં તેમણે વોર્ડ નં.રના ચુડાસમા પ્લોટ, સુભાષનગર, સ્વસ્તિક સોસાયટી, અભિલાષા સોસાયટી, એકજાન નગર, આરાધના સોસાયટી, છોટુનગર, હરી પાર્ક, ગીત ગુર્જરી, સુભાષનગર-8, અંબિકા પાર્ક સામેના ગેરકાયદે બાંધકામની નોટીસનું લીસ્ટ પણ આપ્યું છે. ટીપી શાખાના અધિકારી સામે કાર્યવાહી સાથે આવકથી વધુ સંપતિ અંગે પણ તપાસ કરવા અનિલભાઇ મકવાણાએ માંગણી કરી છે. 

Print