www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આગ્રામાં જુતાના વેપારીઓને ત્યાં દરોડાના 81 કલાકમાં આઇટીને મળ્યો 57 કરોડનો દલ્લો!


એક કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત: 100 આઇટી અધિકારીઓ અને 50 પોલીસ કર્મીઓ દરોડાની કાર્યવાહીમાં લાગ્યા હતા

સાંજ સમાચાર

આગ્રા, તા.22
અત્રે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જુતાના વેપારીને ત્યાં જુદા જુદા સ્થળે દરોડા કાર્યવાહી 81 કલાક ચાલી હતી. શનિવારે સવારે 11 વાગ્યે હીંગ કી મંડી સ્થિત હરમિલાપ ટ્રેડર્સના રામનાથ ડંગ, બી.કે. શૂઝના અશોકભાઇ અને સુભાષ અને મંશુ ફૂટવેરના હરદીપ મિડ્ડાના જુદા-જુદા 14 સ્થળો પર તપાસ શરૂ થઇ હતી.

ચોથા દિવસે મંગળવારે પણ કાર્યવાહી ચાલુ રહી હતી. કુલ 81 કલાકની આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 57 કરોડ રૂપિયા રોકડા અને 1 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત થઇ છે. રામનાથ ડંગના જયપુર હાઉસ અને ન્યુ ગોવિંદનગર સ્થિત આવાસથી આવકવેરા વિભાગની ટીમ સાંજે પરત ફરી હતી. બી.કે. શૂઝમાં રાત્રે 8 વાગ્યા સુધી કાર્યવાહી ચાલી હતી.

આવકવેરા વિભાગને રામનાથ ડંગ, અશોક મિડ્ડા અને સુભાષ મિડ્ડા અને હરદીપ મિડ્ડાને ત્યાંથી દરોડા દરમિયાન જપ્ત 57 કરોડ રૂપિયા ભારતીય સ્ટેટ બેન્કમાંથી જમા કરાવ્યા છે. સૌથી વધુ રકમ 53 કરોડ રામનાથ ડંગને ત્યાંથી જપ્ત થઇ હતી.  તેમને ત્યાં બેડ પર રાખેલ રોકડની થપ્પીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.  

બી.કે. શૂઝ અને મંશુ ફૂટવેરને ત્યાંથી લગભગ 4 કરોડ રોકડા જપ્ત થયા હતા. ત્રણેય વેપારીઓને ત્યાંથી લગભગ એક કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત થઇ હતી. જુતા વેપારીઓએ પોતાના રેકોર્ડમાં બોગસ ખર્ચ દેખાડ્યા છે.

આવકવેરા વિભાગે દસ્તાવેજની સાથે સાથે ઇલેક્ટ્રોનિક પુરાવા તરીકે મોબાઇલ, કોમ્પ્યુટર અને લેપટોપથી ડેટા મેળવ્યા છે. જેના આધારે વેપારીઓની લેવડ-દેવડની તપાસ થશે. ઉલ્લેખનીય છે કે ઇન્કમટેક્સ વિભાગે જુતા વેપારીઓને ત્યાં આવકથી વધુ સંપત્તિની માહિતી પરથી કાર્યવાહી કરી હતી.

 

Print