www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નાગેશ્વરમાં રૂ.1700ની ઉઘરાણી મામલે વેપારી અને ગ્રાહક વચ્ચે થયેલ મારામારીમાં સામસામી ફરીયાદ નોંધાઈ


ધર્મેશ ચુડાસમાને કરીયાણાના વેપારી બંધુએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી કટ્ટર ઝીંકી દીધુ: જયારે સામા પક્ષે કારમાં ધસી આવેલા ચુડાસમા બંધુએ વેપારી ધવલ શાહ પર હુમલો કર્યો: ગાંધીગ્રામ પોલીસમાં એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી

સાંજ સમાચાર

રાજકોટ તા.23
 નાગેશ્વરમાં  આવેલ ભવાની ચોકમાં રૂા.1700ની ઉઘરાણી મામલે કરીયાણાના વેપારી અને ગ્રાહક વચ્ચે થયેલ મારામારીમાં સામસામી ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસ એટ્રોસીટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

 બનાવ અંગે જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં ખોડીયાર પાન વાળી શેરીમાં રહેતા ધર્મેશભાઈ મગનભાઈ ચુડાસમા (ઉ.26)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અંકીત શાહ 

અને ધવલ શાહ રે.  નાગેશ્વરનું નામ આપતા યુનિ. પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
 વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેઓ બાંધકામનું છુટક મજુરીકામ કરે છે ગઈ તા.19ના બપોરના સમયે તેના ઘરથી આગળ ભવાની ચોકમાં ગયો હતો. ત્યાંથી શાકભાજી લઈ ઘરે પરત જતો હતો ત્યારે તેઓને એક વર્ષ પહેલા ઘરની બાજુમાં આવેલ કરીયાણાની દુકાન વાળા અંકીત શાહ અને ધવલ શાની દુકાને કરીયાણાનો સામાન ખરીદતા હોય જેનું બીલ રૂા.1700 બાકી હતા તે બીલ અંકીતે માંગેલ અને બીલ કયારે ચુકવવાનું છે તેમ કહેતા તેઓને થોડા સમયમાં બીલ ચુકવી આપીશ તેવું કહેતા ધવલ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અહીં આ લોકોને મકાન કોણે આપ્યું છે તેમ કહી ઝઘડો કરેલ હતો જે બાબતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી પણ આપેલ છે.

 બીજા દિવસે તેઓના માતા નીતાબેન અંકીતને બીલના રૂપિયા 1700 તેમની દુકાને આપવા ગયેલ હતા જે પરત ઘરે આવી વાત કરેલ કે અંકીતે તેમની સાથે પણ બોલાચાલી કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. બાદ ગઈ તા.21ના બપોરના સમયે ફરીયાદી અને તેનો ભાઈ નીકુંજ અંકીતની દુકાન પાસેથી પસાર થતો હતો ત્યારે ધવલ દુકાને હાજર હતો અને બન્ને ભાઈઓને બોલાવી કહેલ કે તારી માતાને સમજાવી દેજે મારી સાથે જેમતેમ ન બોલે અને હવે મારી દુકાને માલ લેવા ન આવતા તેમ કહી તેઓની માતા વિશે અભદ્ર ભાષામાં વાત કરી ગાળો આપી હતી.

જેથી બન્ને વચ્ચે ઝપાઝપી થયેલ ત્યારે ધવલ દિવાલ સાથે ભટકાતા તેને આંખ પાસે ઈજા થયેલ જેથી તેણે દુકાનમાં રહેલ પુઠાના બોકસ ખોલવાનું ધારદાર કટર ઝીંકી દીધુ હતું. જે બાદ તે લોહીલોહાણ થઈ જતા 108 મારફતે સારવારમાં ખસેડેલ હતા.

 જયારે સામા પક્ષે જામનગર રોડ પર નાગેશ્ર્વરમાં રહેતા ધવલભાઈ રાજેશભાઈ શાહ (ઉ.35)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નીતાબેન ચુડાસમા, નિકુંજ ચુડાસમા અને ધર્મેશ મગન ચુડાસમાનું નામ આપી જણાવ્યું હતું કે તેઓ  નાગેશ્વર ભવાની ચોકમાં રાજ જનરલ સ્ટોર નામની દુકાન તેમના ભાઈ અંકીત સાથે ચલાવે છે. ગઈ તા.19ના તેમની દુકાનથી કરીયાણું લેતા ધર્મેશ ચુડાસમા તેમની પાસેથી કરીયાણાના રૂા.1700 લેવાના નીકળતા હોય જે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ઘરમેળે સમાધાન થયેલ હતું. બીજા દિવસે રાત્રીના સમયે તેના ભાઈ અંકીતનો ફોન આવેલ કે નીતાબેન ચુડાસમા આપણી દુકાને આવેલ હતા અને ગાળો બોલી તારા ભાઈ ધવલનું કામ છે તેમ કહી જતા રહેલ હતા.

 બાદમાં ગઈ તા.21ના બપોરના સમયે ધર્મેશ અને નીકુંજ કાર લઈ દુકાને ધસી આવેલ અને કહેલ કે તારે શું કરવાનું છે? કહી ગાળો આપવા લાગતા તેમને દુકાનની બહાર કાઢયા હતા જેથી બન્ને ભાઈઓએ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ધર્મેશે હાથમાં પહેરેલ કડુ કપાળના ભાગે મારી ફડાકો ઝીંકી દીધો હતો બાદમાં બન્ને આરોપી કારમાં નાસી છુટયા હતા. બાદમાં ઈજાગ્રસ્ત ધવલભાઈને સારવારમાં ખસેડેલ હતા.

 બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકે ગુનો નોંધી એટ્રોસીટીના ગુનામાં એસીપી રાધીકા ભારાઈએ તપાસ હાથ ધરી હતી.

Print