www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટમાં આજી, ન્યારી સહિત સૌરાષ્ટ્રનાં 6-ડેમોમાં નવા નીરનાં શ્રીગણેશ થયા


ન્યારી-2 માં પોણો ફૂટ અને આજી-1 તથા ફોફળમાં 0.10 ફૂટ નવુ પાણી આવ્યું

સાંજ સમાચાર

રાજકોટ તા.24
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે ચોમાસું સક્રિય બન્યું છે અને ગઈકાલે સર્વત્ર સામાન્યથી માંડી ધોધમાર વરસાદ પડયો છે.જેના પગલે ચાલુ ચોમાસું સીઝનમાં સૌ પ્રથમવાર રાજકોટનાં ત્રણ સહિત સૌરાષ્ટ્રનાં 6 ડેમોમાં સૌ પ્રથમવાર નવા નિરના શ્રીગણેશ થવા પામ્યા છે.

આ અંગેની રાજકોટ સિંચાઈ વિભાગનાં ફલડ સેલમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ છેલ્લા 24 કલાક દરમ્યાન એટલે કે આજે સવારે 8 વાગ્યા સુધીમાં રાજકોટ જીલ્લાનાં ફોફળ ડેમમાં 0.10 ફૂટ તથા રાજકોટ શહેરનાં આજી-1 ડેમમાં 0.10 ફૂટ અને ન્યારી ડેમમાં પોણો ફૂટ નવા નીરની આવક થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સૌની યોજનાના કારણે 48.43 ટકા સુધી ભરેલા આજી-1 ડેમમાં ચાલૂ વરસાદની સીઝનનું સૌ પ્રથમવાર 0.10 ફૂટ પાણી આવતા ડેમની સપાટી હાલમાં 20.80 ફૂટે પહોંચી ગઈ છે.

આ ઉપરાંત ન્યારી-2 ડેમમાં પણ પોણો ફૂટ નવુ પાણી આવતા ડેમની સપાટી 8.50 ફૂટે પહોંચી છે. નોંધનીય બાબત એ છે કે રાજકોટ જીલ્લાનાં 27 ડેમોમાં આજની સ્થિતિએ સરેરાશ 14.55 ટકા નિરનો સંગ્રહ છે.

આ ઉપરાંત આજરોજ સવાર સુધીમાં મોરબી જીલ્લાનાં મચ્છુ-2 ડેમમાં પોણો ફૂટ નવુ પાણી આવતા ડેમની સપાટી 8.10 ફૂટે પહોંચી છે. જામનગર જીલ્લાનાં 21 પૈકી એકપણ ડેમમાં નવા નીર આવેલ નથી. તેમજ દ્વારકા જીલ્લાના પણ એક ડઝન પૈકી એકપણ ડેમમાં નવા નીર આવેલ નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લાનાં ધોળીધજામાં 0.20 ફૂટ અને લીંબડી ભોગાવો-2 (વડોદ)માં પણ 0.16 ફૂટ નવા નીરની આવક થવા પામી છે.

Print