www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરતમાં અજાણ્યા શખ્સે દેરાસર નજીક પશુનું કપાયેલુ માથુ ફેંકયુ!


પાવાગઢનાં વિવાદ બાદ ફરી જૈન સમાજની લાગણી દુભાવાઈ :રોષ

સાંજ સમાચાર

સુરત,તા.19
પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી ત્યાં બીજી ઘટના બની છે. પાલ વિસ્તારમાં આવેલા માણીભદ્ર રેસીડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે, જેને કારણે જૈન સમાજના મહારાજ તેમજ આસપાસના લોકોમાં રોષ ફેલાયો છે.

પાલ વિસ્તારમાં માણીભદ્ર રેસીડેન્સીની આજુબાજુ ઘણા બધા જૈન દેરાસરો પણ આવેલા છે અને અહીં મોટાભાગે જૈન લોકો જ વસવાટ કરે છે ત્યારે આ પ્રકારે પશુનું માથુ કાપીને ફેંકવાની ઘટનાએ ફરી જૈન સમાજના લોકોની લાગણી દુભાવી છે. આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો.

ત્યારે તેના દ્વારા રેસીડેન્સીની બહાર પશુનું માથું ફેકાયા હોવાની જાણ રેસિડેન્સીના લોકોને થઈ. તમામ લોકો તુરંત જ બહાર દોડી આવ્યા હતા તેમજ આસપાસના જૈન દેરાસરના મહારાજ સાહેબ પણ આવી પહોંચ્યા હતા.

આ ઘટનાથી જૈન સમાજ ફરી રોષે ભરાયો છે અને આ કૃત્યને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. અહીં લોકોનો ટોળું એકત્રિત થતા પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પશુનું માથુ કપાયેલી હાલતમાં જોઈને દોડી આવેલા મહારાજ સાહેબ ભાવુક થઈ ગયા હતા.

તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવામાં આવશે નહીં. ગૌ માતાએ આપણી નહીં પરંતુ, જીવ માત્રની માતા છે. તેમની સાથે કરેલા આ કૃત્યને કારણે અમારી લાગણી દુભાય છે. આ પ્રકારના કામ કરનારાઓ સામે સખ્તાઈપૂર્વક પગલાં લેવા જોઈએ.

 

Print