www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વેરાવળમાં કંપનીમાં સાથે નોકરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યું: દાગીના પણ પડાવી લઇ બ્લેકમેઇલ કરી


અંગત પળોનાં ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા યુવતીએ હિંમત કરી ફરિયાદ નોંધાવી: યુવાનની ધરપકડ

સાંજ સમાચાર

વેરાવળ, તા.23
વેરાવળની ખાનગી કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા યુવકે સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી જુદી જુદી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યા બાદ પોતાને બિમારી હોવાનું જણાવીને યુવતી પાસેથી રોકડ રકમ લીધેલ બાદમાં ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી બ્લેકમેઈલ કરીને 23 તોલાના સોનાના દાગીના અને બિસ્કીટ પડાવી લીધા હતા.

જે દાગીના અને રકમ યુવતીએ પરત માંગતા ધાક ધમકીઓ આપી હતી. આ મામલે યુવતીએ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રેમી યુવકને ઝડપી લઈ રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. 

પ્રેમજાળમાં ફસાવીને વિશ્વાસમાં લઈ બાદમાં બ્લેકમેઈલ કરી પૈસા પડાવવાના સામે આવેલા ચકચારી કિસ્સાની વિગતો આપતા પીઆઈ જે.એન.ગઢવીએ જણાવેલ કે, વેરાવળની ખાનગી કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા દર્પણ ચંદ્રકાન્ત પોપટ પોતાની સાથે નોકરી કરતી યુવતી સાથે પરીચયમાં આવ્યા બાદ બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

દરમ્યાન એક વખત દર્પણએ પોતાને કેન્સરની ગાંઠ હોય સારવાર માટે પૈસાની જરૂરીયાત હોવાનું જણાવી યુવતી પાસેથી રોકડ રકમ લીધી હતી. બાદમાં દર્પણ કોઈ બહાને યુવતીને વેરાવળની મધ્યમાં અને સોમનાથ બાયપાસ પાસે આવેલ જુદી જુદી હોટલોમાં લઈ જઈ યુવતીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચાર્યુ હતું.

આ પ્રેમસંબંધ દરમ્યાન દર્પણએ પૈસા પડાવવા માટે યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કરીને બંન્નેના સંબંધના ફોટા-વિડીયો વાયરલ કરવાની અવાર નવાર ધમકીઓ આપી કટકે કટકે બે નંગ સોનાના બિસ્કીટ, 23 તોલા સોનાના દાગીના તથા 60 હજાર જેવી રોકડ રકમ પડાવી લીધી હતી. બાદમાં જયારે યુવતી સોનાના દાગીના અને રોકડ રકમ પરત માંગતી ત્યારે દર્પણ ધાક ધમકીઓ આપી વધુ રકમ લઈ આવવા દબાણ કરતો હતો.

જેથી કંટાળી ગયેલ યુવતીએ પરીવારજનોને સમગ્ર હક્કીત જણાવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારે ઉપરોકત વિગતોના આધારે યુવતીની ફરીયાદ ઉપરથી દર્પણ ચંદ્રકાન્ત પોપટ વિરૂદ્ધ દુષ્કર્મ અને ધાકધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Print