www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શા કારણોસર હાર્યા ? દિલ્હીથી લઈને ઓડિશા સુધીના આઠ રાજ્યોમાં કોંગ્રેસ ખરાબ પરફોર્મન્સને શોધવા સમિતિઓ બનાવી


♦ મધ્ય પ્રદેશની સમિતિમાં ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ, ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગણા માટે તથ્ય તપાસ સમિતિઓની રચના કરી

સાંજ સમાચાર

♦ મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા વિધાનસભા માટે પણ કોંગ્રેસે તૈયારી શરૂ કરી

ન્યુ દિલ્હી,તા.20
લોકસભા ચૂંટણીમાં દેશના ઘણા રાજ્યોમાં કોંગ્રેસને જોરદાર હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી નથી. આ જ કારણ છે કે કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યોમાં પોતાની હારનું કારણ શોધવાનું શરૂ કરી દીધું છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ રાજ્યોમાં હારના કારણો શોધવા માટે અલગ-અલગ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી છે. આ તમામ સમિતિઓ આ રાજ્યોમાં હારના કારણો શોધી કાઢશે. આ પ્રક્રિયામાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓનો અભિપ્રાય પણ લેવામાં આવશે. બધા સાથે વાત કર્યા બાદ હારના કારણોનો રિપોર્ટ કોંગ્રેસ અધ્યક્ષને સોંપવામાં આવશે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટી અહીં તમામ 29 લોકસભા સીટો પર ચૂંટણી હારી ગઈ હતી. અહીં હારના કારણો જાણવા માટે ત્રણ સભ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણ, સપ્તગીરી ઉલકા અને ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે.

છત્તીસગઢમાં હારના કારણો શોધવાની જવાબદારી વીરપ્પા મોઈલી અને હરીશ ચૌધરીને સોંપવામાં આવી છે. ઓડિશામાં પણ કોંગ્રેસ ખરાબ રીતે ચૂંટણી હારી છે. અહીં હારના કારણો શોધવાની જવાબદારી અજય માકન અને તારિક અનવરને સોંપવામાં આવી છે.

એવા ત્રણ વધુ રાજ્યો છે જ્યાં કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી નથી. જેમાં દિલ્હી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આ ત્રણેય રાજ્યો માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી પણ બનાવવામાં આવી છે. આ સમિતિમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીએલ પુનિયા અને રજની પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેલંગાણામાં પીજે કુરિયન, રકીબુલ હુસૈન અને પ્રગટ સિંહની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી અપેક્ષા મુજબ પરિણામ ન મળવાના કારણો શોધી કાઢશે. કર્ણાટકમાં પણ કોંગ્રેસ પાર્ટી અપેક્ષા મુજબ પરિણામ મેળવી શકી નથી, તેથી જ અહીં પણ હાર માટે ત્રણ સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં મધુસુદન મિસ્ત્રી, ગૌરવ ગોગોઈ અને હીબી એડનનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 99 સીટો જ મળી શકી હતી. કોંગ્રેસ અને તેના સહયોગીઓના ઈન્ડિયા એલાયન્સને કુલ 234 સીટો મળી છે. ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસે ઈન્ડિયા એલાયન્સને 295 સીટો મળવાની આગાહી કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

કોંગ્રેસ પણ હવેથી વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરવા માંગે છે. આ જ કારણ છે કે પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ દરેક વિધાનસભા મુજબ પ્રભારીની નિમણૂક કરવાનું સૂચન કર્યું છે.

Print