www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પકડાયેલ આરોપી કોઈ પોલીસ કર્મીના સગા હોવાથી, પકડીને લોકઅપમાં પુરવાના બદલે મહેમાનની જેમ રાખવામાં આવેલ : વકીલોનો આક્ષેપ

એડવોકેટ પરેશ કુકડીયા ઉપર થયેલા હુમલાના બનાવમાં આરોપી તરફે કોઈ વકીલ નહીં રોકાય


ગઈકાલે સાંજે સાતેક વાગ્યે વકીલની ઓફિસમાં ઘુસી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભાએ હુમલો કરેલો : અટકાયત : ફરિયાદ નોંધાઇ : વકીલો એકત્ર થયા હતા

સાંજ સમાચાર

રાજકોટ, તા.22
એડવોકેટ પરેશ કુકડીયા ઉપર થયેલા હુમલાના બનાવમાં આરોપી તરફે કોઈ વકીલ નહીં રોકાય તેવો બાર એસો.એ ઠરાવ કર્યો છે. ગઈકાલે સાંજે સાતેક વાગ્યે વકીલની ઓફિસમાં ઘુસી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભાએ હુમલો કરેલો હતો. તેને અટકાયતમાં લેવાયો હતો. ફરિયાદ નોંધાઇ હતી. આ તકે વકીલો એકત્ર થયા હતા હતા. પકડાયેલ આરોપી કોઈ પોલીસ કર્મીના સગા હોવાથી, પકડીને લોકઅપમાં પુરવાના બદલે મહેમાનની જેમ રાખવામાં આવેલ તેવો વકીલોએ આક્ષેપ કર્યો હતો.

ફરિયાદી એડવોકેટ પરેશભાઈ નગીનદાસ કુકડીયા (ઉ.વ.-51)એ ફરિયાદમાં જણાવ્યું કે, મારે હરિહર ચોકમાં આવેલ પુજા કોમ્પ્લેક્ષમાં ઓફીસ છે. ત્રણેક મહીના પહેલા મે પ્રસંગબા સુખપાલસિંહ જાડેજા, સરોજબા વિક્રમસિંહ જાડેજા, અનિરુધ્ધસિંહ બચુભા જાડેજાએ વારસાઈ સર્ટીફીકેટ કઢાવવા મારી પાસે આવતા મેં જોઈન્ટમાં વારસાઈ સર્ટીફીકેટ કાઢી દિધેલ. તેઓનુ મકાન પાડવા માટે મ્યુનીસીપલ કોરપોરેશન રાજકોટમાં સોગંધનામું રજુ કરવાની હોય, જેથી આ પ્રસંગબાના દિકરા બ્રિજરાજસિંહ ઉર્ફે લાલુભા એ આજરોજ બપોરના બે વાગ્યાના અરસામાં ફોન કરી ને મને સોગંધનામું કરવાની જાણ કરેલ.

જેથી મેં તેઓને સોગંધનામુ કરવા માટે વારસાઈ સર્ટીફીકેટ કરેલ ત્રણેય ને સાંજના છ વાગ્યે મારી ઓફીસે બોલાવેલ. તે પહેલા મને આ પ્રસંગબાના બીજા દિકરા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા સુખપાલસિંહ જાડેજાનો ફોન આવેલ અને મને જણાવેલ કે પ્રસંગબા તથા સરોજબા તથા અનીરુધ્ધસિંહ સોગંધનામામાં સહી કરવા આવવાના છે, તેમાં તમે મારા માતા પ્રસંગબાની સહી કરાવતા નહીં. સાંજના છ વાગ્યે આ પ્રસંગબા, અનિરુધ્ધસિંહ, બ્રિજરાજસિંહ મારી ઓફીસે આવેલ અને મને સોગંધનામું કરવાનું કહેતા મેં પ્રસંગબાને કહેલ કે મને તમારા દિકરા રાજેન્દ્રસિંહનો ફોન આવેલ કે, તમે પ્રસંગબાની સહી કરાવતા નહીં.

જેથી તમે લોકો પહેલા તમારા ઘરમાં વાતચીત કરી લો મારે તમારૂ સોગંદનામું કરવુ નથી. તેમ કહેતા તેઓ લોકો સાતેક વાગ્યાના અરસામાં જતા હતા. એટલામાં આ રાજેન્દ્રસિંહ મારી ઓફીસે આવેલ અને આવીને મને એક જાપટ મારી દિધેલ અને તમે આ સોગંધનામુ શા માટે કરેલ તેમ કહીને મને અપશબ્દો આપવા લાગેલ. મને કહેવા લાગેલ કે શા માટે મેં ના પાડવા છતા સોગંધનામું કરેલ છે. હુ તમને બાદમાં જોઈ લઈશ અને જાનથી મારી નાખીશ. તેમ કહી ઝપાઝપી કરવા લાગેલ હતો.

ત્યા તેના કાકા તેના માતા હાજર હોય તે તથા મારા ઓફીસ સ્ટાફના માણસો હાજર હોય જે તેને રોકતા હોય એટલામાં મેં 100 નંબરમાં ફોન કરી દિધેલ અને પોલીસની ગાડી આવી જતા આ રાજેન્દ્રસિંહને પોલીસ સ્ટેશન લઈ આવેલ. હું પણ પોલીસ મથકે આવ્યો અને ફરીયાદ નોંધાવી હતી. એ. ડિવિઝન પોલીસે આઇપીસી 323, 504, 506(2), 452 મુજબ ગુનો નોંધી આરોપોની ધરપકડ કરી હતી. વકીલોએ પોલીસ અધિકારીઓ સામે આક્ષેપ કરતા કહ્યું કે, આરોપી કોઈ પોલીસ કર્મીના સગા હોવાથી, પકડીને લોકઅપમાં પુરવાના બદલે મહેમાનની જેમ રાખવામાં આવેલ.

જેથી અમે પોલીસ કમિશનર સુધી રજુઆત કરતા અંતે તેને લોકઅપમાં પુરવામાં આવ્યો હતો. આ તકે એસીપી સહિતના એ. ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યા હતા.

 

Print