www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદ માટે વિપક્ષ લડી લેવાના મુડમાં


હવે સર્વસંમતિથી સપાના અવધેશ પ્રસાદનું નામ ફાઈનલ: પદ વિપક્ષને આપવાની પરંપરા છે..

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.1
લોકસભામાં સ્પીકર પદ માટે ઓમ બિરલા ચુંટાયા છે. પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ હજુ પણ ખાલી છે. એક અહેવાલ મુજબ ડેપ્યુટી સ્પીકરપદ માટે સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદના નામ પર વિપક્ષે સહમતિ દર્શાવી છે.

વિપક્ષ ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદને ડેપ્યુટી ચેરમેન પદ માટે મેદાનમાં ઉતારશે. કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે મતભેદો સામે આવતા સ્પીકરપદની ચુંટણી દરમિયાનના અનુભવમાંથી શીખીને વિપક્ષોએ આ પદ માટે એક થઈને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

બંધારણીય રીતે ફરજિયાત હોવા છતાં 17મી લોકસભા ડેપ્યુટી સ્પીકર વિના ચાલી હતી. આ અટકળો ઉપરાંત સરકાર તરફથી એવો કોઈ ઔપચારિક સંકેત મળ્યો નથી કે આ પદ 18મી લોકસભામાં પણ ભરવામાં આવશે.

અવધેશ પ્રસાદ નવ વખતના ધારાસભ્ય અને પ્રથમ વખત સાંસદ છે. જેમણે ફૈઝાબાદ લોકસભા બેઠક પરથી બે વખતના ભાજપના સાંસદ લલ્લુસિંહને હરાવીને અપસેટ સર્જયો હતો.

સૂત્રોએ જણાવ્યું કે, જો સરકાર 3 જુલાઈએ સંસદનાં પ્રથમ સત્રના અંત પહેલા ડેપ્યુટી સ્પીકરની નિમણુંક કરવા માટે કોઈ પગલાં નહીં ભરે તો વિપક્ષ આ મુદે લોકસભા અધ્યક્ષને પત્ર લખશે.

ડેપ્યુટી સ્પીકર પાસે સ્પીકરની સમાન કાયદાકીય સતાઓ છે અને મૃત્યુ, માંદગી અથવા અન્ય કોઈ કારણસર અધ્યક્ષની ગેરહાજરીમાં, ઉપાધ્યક્ષ પણ વહીવટી સત્તાઓ સંભાળે છે.

જવાબદાર લોકશાહી સંસદ ચલાવવા માટે શાસક પક્ષ સિવાયના પક્ષમાંથી લોકસભાના ઉપાધ્યક્ષની પસંદગી કરવાની સંસદીય પરંપરા છે. પરંપરાગત રીતે આ પદ સૌથી મોટા વિરોધ પક્ષ માટે અનામત છે. પરંતુ તમામ સરકારોએ આ નિયમનું પાલન કર્યું નથી.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં આ પદ ભાજપના સહયોગી એઆઈએડીએમકેના થમ્બી દુરાઈને આપવામાં આવ્યું હતું. 2004 અને 2009માં જયારે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે અનુક્રમે શિરોમણી અકાલી દળના સાંસદ ચરણજીતસિંહ અટવાલ અને ભાજપના સાંસદ કરિયા મુંડાએ આ પદ સંભાળ્યું હતું.

અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન કોંગ્રેસના પીએમ સઈદ આ પદ પર હતા.

Print