www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારતે 45 હજાર ટન ડુંગળીની નિકાસ કરી


19 દિવસ પહેલા પ્રતિબંધ ઉઠયો હતો: બાંગ્લાદેશ પશ્ચિમ એશિયામાં વધુ માલ ગયો

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.23
ભારતમાં મે,2024ની શરૂઆતમાં ડુંગળી નિકાસ પરનો પ્રતિબંધ હટાવવમાં આવ્યા બાદ 45,000 ટનથી વધારે નિકાસ કરી છે. એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. ભારતે ડુંગળીની નિકાસ પર ગત ડિસેમ્બર મહિનામાં પ્રતિબંધ મુક્યો હતો.

ત્યારબાદ સુસ્ત ઉત્પાદનને પગલે કિંમતોમાં વધારો થયા બાદ માર્ચ મહિનામાં આ પ્રતિબંધને લંબાવ્યો હતો. અલબત તાજેતરમાં ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યા બાદ 45000 ટનથી વધારે ડુંગળીની નિકાસ કરી છે.

મોટાભાગની ડુંગળી પશ્ચિમ એશિયા અને બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન ડુંગળીના ભાવ નીચા રાખવા માટે જે પ્રતિબંધ મુકવામાં આવેલ તેને 4 મેના રોજ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. જો કે, પ્રતિ ટન 550 ડોલરની લઘુત્તમ નિકાસ કિંમત લાદવામાં આવી હતી.

આ વર્ષે સારા ચોમાસાની આગાહી જૂનથી ડુંગળી સહિત ખરીફ (ઉનાળુ) પાકની સારી વાવણી સુનિશ્ચિત કરશે. તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષ માટે લક્ષિત 5,00,000 ટન બફર સ્ટોક જાળવી રાખવા માટે જાહેર ક્ષેત્રની એજન્સીઓએ તાજેતરના રવિ (શિયાળા) પાકમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરી છે.

કૃષિ મંત્રાલયના પ્રારંભિક અંદાજ મુજબ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા મુખ્ય ઉત્પાદક પ્રદેશોમાં ઓછા ઉત્પાદનને કારણે પાક વર્ષ 2023-24માં દેશનું ડુંગળીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 16 ટકા ઘટીને 25.4 મિલિયન ટન થવાની ધારણા છે. ભારતમાં મહારાષ્ટ્રમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.

થોડા મહિના પહેલા ડુંગળીના ભાવ આસમાને સ્પર્શવા લાગ્યા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે હવામાન સંબંધિત કારણોસર ખરીફ ડુંગળીની વાવણીમાં વિલંબ થયો હતો જેના કારણે તેના વાવેતર હેઠળનો વિસ્તાર ઘટ્યો હતો અને પાક મોડો આવ્યો હતો.

Print