www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારતની બીજા નંબરની મોંઘી ટ્રેન


પેલેસ ઓન વ્હીલ્સ ટ્રેનમાં હવે ડેસ્ટીનેશન લગ્ન પણ થઈ શકશે

સાંજ સમાચાર

જયપુર: રાજસ્થાનના કણ-કણમાં સૌંદર્ય અને સાહસની કથા છલકે છે. અહીના દરેક શહેર અને કસબાની અલગ ઓળખ છે. ભારતની બીજા નંબરની સૌથી મોંઘી ટ્રેન પેલેસ ઓન વ્હીલ્સમાં રાજસ્થાનની સફર કરવી એ લહાવો છે.

આ ટ્રેન શાહી લુક અને શાહી દાવતવાળી મુસાફરી માટે જાણીતી છે, પણ હવે આ ટ્રેનમાં ડેસ્ટીનેશન વેડીંગ પણ કરાવી શકાશે. ટ્રેનનું ઈન્ટીરીયર શાહી રાજમહેલ જેવું જાજરમાન છે અને ખાનપાનની સુવિધા પણ ખાસ છે.

હવે જો ચાલતી ટ્રેનમાં લગ્ન કરાવવાનું સપનું હોય તો એ પૂરું થઈ શકશે, કેમકે હવે ટ્રાવેલની સાથે આ ટ્રેનમાં વેડીંગ ફંકશન્સ કરાવવાનું બુકીંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે.

આ વર્ષે પેલેસ ઓન વ્હીલ્સની નવી સીઝન 20 જુલાઈથી શરૂ થશે. ભારતમાં હજી સુધી કોઈ ચાલતી ટ્રેનમાં શાહી લગ્ન કરવાની ઓફર બહાર નથી પડી. આ પહેલી ટ્રેન છે જેમાં લોકો જાજરમાન અને ભવ્ય ટ્રેનમાં ફરતાં-ફરતાં લગ્નગ્રંથિથી જોડાઈ શકશે અને સાથે ઐતિહાસિક પર્યટન સ્થળોની સહેલ પણ માણી શકશે.

આ ટ્રેનનો રૂટ જયપુરથી સવાઈ માધોપુર, ચિતોડગઢ, ઉદયપુર, જેસલમેર, જોધપુર, ભરતપુરથી આગરા સુધીનો છે. અલબત, આ ટ્રેનમાં એક વ્યક્તિનું એક દિવસનું ભાડું લગભગ એક લાખ રૂપિયા જેટલું છે. ભારતની સૌથી મોંઘી ટ્રેનની સફર મહારાજા ટ્રેનની છે.

Print