www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કુવૈતમાં ભારતીય શ્રમિકોને બચવાનો મોકો પણ ન મળ્યો : વિદેશમંત્રીને દોડાવતા મોદી


મંગાફ શહેરમાં લાગેલી ભીષણ આગમાં 41 મજુરો સહિત 49 લોકો ભડથુ : બે-બે લાખની સહાય જાહેર કરતા વડાપ્રધાન : બિલ્ડીંગમાં ખીચોખીચ શ્રમજીવીઓ ભરીને રાખ્યા હતા

સાંજ સમાચાર

કુવૈત, તા. 13
કુવૈતના મંગાફ શહેરમાં ગઇકાલે એક બિલ્ડીંગમાં લાગેલી આગમાં 41 ભારતીય શ્રમિકો સહિત 49 લોકોના મૃત્યુની કરૂણ ઘટના બની છે. જેનાથી ભારતમાં પણ ચિંતા અને શોકનું મોજુ ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તમામ મૃતકોને રૂા. બે-બે લાખના વળતરની જાહેરાત કરી છે. તો વિદેશ રાજયમંત્રી કીર્તિવર્ધનસિંહ આજે કુવૈત પહોંચી ગયા છે.

ભારત સરકાર સ્થળ પર અને હોસ્પિટલ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી રહી છે. તો કુવૈતના રાજાએ આ ઘટનાની તપાસ અને કડક પગલાના આદેશ આપ્યા છે. આ બનાવમાં મજુરોને બચીને બહાર જવાની તક પણ મળી ન હતી. કારણ કે તેઓ સુતા હતા. 

બુધવારે વ્હેલી સવારે આ બનાવ બન્યો હતો. છ માળના બિલ્ડીંગના રસોડામાં પહેલા આગ લાગી અને બાદમાં પ્રસરી ગઇ હતી. વતનથી હજારો કિલોમીટર દૂર કુવૈત ગયેલા ભારતીય શ્રમિકો માટે બુધવારે બદનસીબ સવાર ઊગી હતી. કુવૈતના મંગાફ શહેરની એક ઈમારતમાં ભીષણ આગ લાગતાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં 49 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 41 ભારતીય શ્રમિક છે અને મોટા ભાગના કેરળના છે, તો 30 ભારતીય સહિત 50થી વધુ ઘાયલ થયા હતા.

ગ્રાઉન્ડ ફ્લોર પર રસોડાંમાં લાગેલી આગ વાયુવેગે આખી ઈમારતમાં ફેલાતાં ભારે ભય સાથે ભાગદોડ મચી હતી. કુવૈતની સરકારે રિયલ એસ્ટેટ કારોબારીને જવાબદાર ઠેરવ્યો હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કરુણ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી સાથે જણાવ્યું હતું કે, ઘટના બેહદ દુ:ખદ છે. મારી સંવેદના સ્વજનોને ખોનારાઓ સાથે છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસ પીડિતોની મદદ માટે ત્યાંના અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યો છે. 

કુવૈતના ગૃહમંત્રી શેખ ફહદ અલ-યુસુફઅલ-સબહે બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપતાં કહ્યું હતું કે, વધુ ભાડાંની લાલચમાં એક જ રૂમમાં ઘણા લોકોને ભરી, માલિકો સુરક્ષા વ્યવસ્થાની અવગણના કરે છે. કુવૈતના અમીર અલ-અહમદ અલ-જબર અલ-સબાહે દુ:ખ વ્યક્ત કરતા ઘટનાની તપાસની સાથે બેદરકારી બતાવનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

ભારતીય રાજદૂત આદર્શ સ્વાઈકાએ તરત જ ઘટનાસ્થળે દોડી જતાં પીડિતો, ઘાયલો સાથે મુલાકાત કરી હતી. આગ લાગી તે ઈમારતમાં 160થી વધુ મજૂર રહેતા હતા. અનેક લોકો ગેરકાનૂની રીતે રહેતા હોવાનું ગૃહમંત્રીએ જણાવ્યું હતું. 

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નિર્દેશ બાદ વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ કુવૈત રવાના થઇ ગયા છે. વિદેશમંત્રી એસ. જયશંકરે પોસ્ટ દ્વારા કહ્યું કે, ‘કુવૈતમાં ઘટેલી દુર્ઘટનાથી મને આઘાત લાગ્યો છે. આ ઘટના બાદ કુવૈતમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. દૂતાવાસે પોસ્ટ કરીને કહ્યું, આજે ભારતીય લોકો સાથે બનેલી દુ:ખદ દુર્ઘટનાના સંદર્ભમાં એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +965-65505246 જાહેર કરાયો છે.

કુવૈતના એક વરિષ્ઠ પોલીસ કમાન્ડરે જણાવ્યું કે એક જ રૂમમાં કેટલાય લોકો રહે છે. આ મજૂરો પૈસા બચાવવા માટે આવું કરે છે. આને લઈને સમય-સમય પર ચેતાવણી પણ આપવામાં આવે છે કે જાણકારી વગર બિલ્ડિંગમાં કોઈ ન રહે. વધુ ભાડાના લોભમાં બિલ્ડિંગ માલિકો એક જ રૂમમાં ઘણા લોકોને રાખે છે. આ સમય દરમિયાન, બિલ્ડિંગની સુરક્ષા વ્યવસ્થા નબળી પડી જાય છે.

કુવૈતમાં લગભગ 10 લાખ ભારતીયો રહે છે. જેમાંથી 9 લાખ ભારતીયો ત્યાં કામ કરવા ગયા છે. ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ યાહ્યા સાથે વાત કરી હતી. ઘાયલ લોકોની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

કેરળના બિલ્ડીંગ માલિકની ધરપકડનો આદેશ
કંપનીએ ઠાંસીઠાંસીને મજૂરો રાખ્યા હતાં: જવાબદારોને છોડવામાં નહીં આવે-અમીર શેખ મેશાલ
કુવૈત, તા.13

કુવૈતના મંગાફ શહેરમાં બુધવારે સવારે એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 49 ભારતીયો સહિત 50ના મોત થયા છે. આ ઉપરાંત 50 ભારતીયો દાઝી ગયા છે જેમની સારવાર ચાલી રહી છે. ત્યારે આ મામલે અમીર શેખ મેશાલે મોટું નિવેદન આપ્યું છે. 

કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે અધિકારીઓને અગ્નિકાંડ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે જેણે આ દુર્ઘટના સર્જી તેમને જવાબદાર ગણવામાં આવશે. કુવૈતના ગૃહમંત્રી શેખ ફહદ અલ-યૂસુફે આ ઘટના માટે બિલ્ડિંગના માલિકને જવાબદાર ઠેરવ્યા છે અને તેની ધરપકડના આદેશ આપ્યા છે. આ ઉપરાંત જે કંપનીના શ્રમિકોને એકસાથે અહીં રાખવામાં આવ્યા હતા તે કંપનીના માલિકની ધરપકડ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત શેખ ફહદે કહ્યું હતું કે ઈમારતના માલિકના લોભને કારણે આ ઘટના બની છે. કંપનીએ પોતાના ફાયદા માટે ઘણા બધા શ્રમિકોને એક જ ઈમારતમાં રાખ્યા હતા. અમે નક્કી કરીશું કે આવી ઘટનાઓ ફરી ન બને. માહિતી એ પણ સામે આવી છે કે આવી ઘણી ઇમારતો મંગાફ વિસ્તારમાં છે, જ્યાં સેંકડો શ્રમિકો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર છે.

ઉલ્લેખનીય છે કે, મોટાભાગના મૃત્યુ ધુમાડાથી ગૂંગળામણ થવાને કારણે થયા છે. આ બિલ્ડીંગનો મૂળ માલિક કેરળના થિરૂવેલ્લાનો બાંધકામ કંપની એનબીટીસીનો ઉદ્યોગપતિ કે.જી. ઇબ્રાહિમ છે. 

 

Print