www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બહુમાળી ભવનમાં મહિલા અધિકારી સહિતના સ્ટાફે બઘડાટી બોલાવી કચેરી માથે લીધી

ઈરીગેશન વિભાગના કર્મચારી બાખડયા: ભાઈને બચાવવા વચ્ચે પડેલ મહિલા જીએસટી ઇન્સ્પેકટરને પણ મારમાર્યો


♦અમે કહીએ તેમ કેમ નથી કરતો કહીં ક્લાર્ક સિદ્ધરાજસિંહ જાડેજા અને શિવરાજસિંહ જાડેજાએ કર્મચારી શિવમ પાડલિયાને મારમાર્યો: વચ્ચે પડેલ જીએસટી અધિકારી નિરાલિબેન પાડલીયાને માર મારતાં સારવારમાં ખસેડાયા

સાંજ સમાચાર

♦જ્યારે સામાપક્ષે ક્લાર્ક શિવરાજસિંહ જાડેજાએ કર્મચારી શિવમ પાડલિયાને ઓર્ડર આપવા મામલે વાત કરતાં ભાઈ-બહેન સહિતના શખ્સો જાડેજા બંધુ તૂટી પડ્યા: પ્ર.નગર પોલીસે સામસામો ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ. તા.27
બહુમાળી ભવનમાં અવારનવાર માથાકૂટ સામે આવતી હોય છે. ત્યારે વધું એકવાર સેવા સદનમાં આવતાં લોકો ભયભીત થઈ જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. બહુમાળી ભવનમાં આવેલ સૌની યોજનાની ઓફિસમાં જ અધિકારીઓ અને કર્મચારી ઓફિસમાં જ બાખડી પડતાં ત્યાં હાજર સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. તેમજ કર્મચારી શિવમ પાડલિયાને બચાવવા વચ્ચે પડેલ તેમની જીએસટી ઇન્સપેક્ટર બહેનને પણ ક્લાર્ક સિદ્ધરાજસિંહ જાડેજા અને શિવરાજસિંહ જાડેજાએ ઢીકાપાટુનો મારમારતાં સારવારમાં ખસેડાયા હતાં.

જ્યારે ક્લાર્ક જાડેજા બંધુને પણ મહિલા અધિકારી અને તેના ભાઈએ મારમારી ધમકી આપતા પ્ર. નગર પોલીસ મથકે સામસામી ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે બહુમાળી ભવન પાસે શ્રોફ રોડ પર સરકારી ક્વાર્ટરમાં રહેતાં અને બહુમાળી ભવનમાં જીએસટી વિભાગમાં સ્ટેટ ટેક્સ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા નિરાલિબેન કિશોરભાઈ પાડલીયા (ઉ.વ.26) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બહુમાળી ભવનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શિવરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા અને સિદ્ધરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ બહુમાળી ભવનમાં આવેલ જીએસટી કચેરીમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને તેમનો ભાઈ શિવમ પાડલીયા ઈરીગેશન વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.

બંને ભાઈ-બહેન ગઈકાલે બપોરે ભવનની નીચે જમવા બેઠાં હતા ત્યારે ઈરીગેશન વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં શિવરાજસિંહ જાડેજાએ અન્ય નંબરમાંથી ફોન કરી તું અમે કહ્યે તેમ કેમ કરતો નથી કહીં ગાળો આપી ચોથા માળે બોલાવ્યો હતો. જેથી તેણીનો ભાઈ ચોથા માળે સૌની યોજનાની ઓફિસમાં જતાં બંને ક્લાર્ક સિદ્ધરાજસિંહ જાડેજા અને શિવરાજસિંહ જાડેજાએ ઝઘડો કરી ટ્યુબલાઈટના હોલ્ડરથી મારમાર્યો હતો.

જે બાદ તેઓ ત્યાં દોડી જઇ વચ્ચે પડતાં તેઓને પણ સિદ્ધરાજસિંહ જાડેજા અને શિવરાજસિંહ જાડેજાએ ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારતાં અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો. બાદમાં તેણીએ ઉતારેલ વિડીયો પણ આરોપીઓએ ધરારીથી ડીલીટ કરાવી નાંખી ફરીવાર ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં ગંભીર રીતે તેઓ ઈજાગ્રસ્ત થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે સામાપક્ષે બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર ગવર્મેન્ટ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતાં શિવરાજસિંહ શૈલેસિંહ જાડેજા  (ઉ.વ.31) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે શિવમ પાડલીયા, નિરાલી પાડલીયા અને બે અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ બહુમાળી ભવનમાં સિંચાઈ યોજનામાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે.

ગઈ તા.26/026/2024 ના તેઓ કચેરીએ હતાં ત્યારે શિવમ પાડલીયા અને અભિષેકભાઇ ટાંકને  તેની કચેરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ બાબતનો ઓર્ડર આવેલ હોય તે લઇ જવાની સુચના આપેલ હતી.  તેઓની ઘણી રાહ જોયેલ હોય પણ તેઓ આવેલ ન હતા. બાદમાં બપોરના સમયે આસીસ્ટન્ટ ઇસાબહેને જણાવેલ કે, શિવમ પાડલીયાએ કહેલ છે કે, શિવરાજસિંહને કહેજો મારો ઓર્ડર મારી ઓફિસમાં મોકલી આપે તેવુ કહેતા શિવમને અંકિતભાઈ જોબનપુત્રાના ફોનમાંથી જાણ કરેલ અને ઓર્ડર રૂબરૂ લઇ જવા અથવા તમારા વિભાગના કોઇ પણ કર્મચારીને મોકલીને ઓર્ડર લઈ જાઓ, કહેતા તેને ફોન કાપી નાખેલ હતો.

થોડીવાર બાદ તેઓ તેનો ઓર્ડર લઇ રૂબરૂ તેની  ચોથા માળે આવેલ ઇરીગેશન વિભાગની ઓફિસમાં  ગયેલ અને તેને પોતાનો ઓર્ડર લેવા આવવા બાબતે સમજાવવા જતા ત્યાં અગાઉથી હાજર શિવમ, તેના બહેન નિરાલીબેન જે બહુમાળી ભવનમાં જીએસટી વિભાગમાં સ્ટેટ ટેક્ષ ઇન્સપેક્ટર હોય, તેમજ તેની સાથેના બે અજાણ્યા શખ્સો ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરવા લાગેલ અને ગાળો આપવા લાગેલ હતાં.

તે દરમ્યાન તેમના ભાઇ સિધ્ધરાજસિંહ જાડેજા જે બહુમાળી ભવનમાં સિંચાઇ વિભાગમાં સીનીયર ક્લાર્ક હોય, તેઓ પણ ત્યાં આવી ગયેલ અને કર્મચારીઓ પણ ત્યાં ભેગા થઇ ગયેલ હતાં. આરોપી શિવમ પાડલીયા, તેના બહેન નિરાલી પાડલીયા સહિતના શખ્સોએ ઝઘડો કરી માથાના ભાગે અને છાતીના ભાગે ઇજા થયેલ હતી. તેમજ તેના ભાઈ સિધ્ધરાજસિંહ જાડેજાને પણ મોઢાના ભાગે અને હાથમાં ઈજા પહોંચી હતી. ઉપરાંત શિવમની બહેન નિરાલી પાડલીયાએ તેઓને છેડતીમાં ફીટ કરાવી દેવાની ધમકી આપેલ  અને બહુમાળી ભવનની બહાર નીકળો તમને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપેલ હતી. બાદમાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસે મહિલા જીએસટી સ્ટેટ ઇન્સ્પેક્ટર સહિત છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Print