www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અયોધ્યામાં ભાજપની હાર મુદે વાત કરવી મહંત રાજુ દાસને મોંઘી પડી: સુરક્ષા હટી


મેં તો એટલું જ કહલું કે મકાન ખાલી કરવાની કે તોડફોડની નોટિસથી અયોધ્યાવાસીઓમાં ખરાબ ભાવ આવ્યો: મહંત

સાંજ સમાચાર

અયોધ્યા,તા.22
હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા અયોધ્યાના હનુમાનગઢીના સંત રાજુ દાસ આ વખતે ત્યાંના ડીએમ સાથે ઝઘડી પડ્યા હતા. યોગી સરકારના બે મંત્રીઓ સામે રાજુ દાસ અને અયોધ્યાના ડીએમ નીતિશ કુમાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. 

સ્થિતિ એવી બની હતી કે ડીએમએ રાજુ દાસ સાથે ત્યાં બેસવાની ના પાડી દીધી હતી. મહંત રાજુ દાસ ડીએમ પર તેમની સુરક્ષા હટાવવા પર નારાજ હતા. સામે ડીએમ નીતિશ કુમાર અધિકારીઓને લઈને મહંત રાજુ દાસના નિવેદનથી ખૂબ નારાજ હતા. રાજુ દાસે પણ સુરક્ષા હટાવવાને તેમની હત્યાનું કાવતરું ગણાવ્યું હતું.

યોગી સરકારના કેબિનેટ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી અને જયવીર સિંહ લોકસભા ચૂંટણીમાં ભાજપની હારની સમીક્ષા કરવા અયોધ્યા ગયા  હતા. બેઠકમાં રાજુ દાસને પણ બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ડીએમ નીતિશ કુમાર પણ ત્યાં પહોંચી ગયા હતા. એવામાં રાજુ દાસે સ્થાનિક પ્રશાસન પર ઘણા આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, ’અમારી સુરક્ષા હટાવવી દુ:ખદ છે અને મારા પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે, આની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.’

મહંત રાજુ દાસે કહ્યું, ’ અમે હારના કારણોની વાત કરતા હતા. ત્યારે મેં કહ્યું કે આચારસંહિતા લાગુ હતી ત્યારે મારા વિસ્તારમાં ચૂંટણી હતી. એ સ્થિતિમાં મકાન ખાલી કરવાની કે તોડફોડની નોટિસો આપવા જેવી ન હતી. આ જ કારણસર અયોધ્યાવાસીઓના મનમાં ખરાબ ભાવ આવ્યો. આ બધી જવાબદારી અધિકારીઓની હતી. શું લોકશાહીમાં હું એટલું પણ ના કહી શકું કે ડીએમ સાહેબનું કામ બરાબર ન હતું.’

નોંધનીય છે કે, રાજુ દાસ અને ડીએમ વચ્ચે આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ. બાદમાં યોગી સરકારે રાજુ દાસની સુરક્ષા હટાવી લીધી હતી. તે અંગે તેમણે કહ્યું છે કે, ’મારા પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે. એવું થશે તો તેની જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે.’

 

Print