www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઓસ્ટ્રેલિયામાં ભણવા માંગતા વિદ્યાર્થીઓને ઝટકો: વિઝા ફીમાં ‘ડબલ’ કરતા વધુનો વધારો


વિઝા ફી 710 ડોલરથી વધારીને 1600 ડોલર: છટકબારીઓ બંધ કરવાની પણ જાહેરાત

સાંજ સમાચાર

સિડની, તા.1
ભારત સહિત વિશ્વભરના દેશોમાંથી મોટી સંખ્યામાં ઠલવાતા વિદ્યાર્થીઓ પર અંકુશ મુકવા માટે ઓસ્ટ્રેલીયન સરકાર દ્વારા વિઝા ફીમાં તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. એક જ ઝાટકે વિઝા ફી ડબલ કરતા પણ વધુ વધારી દેવામાં આવી છે.

ઓસ્ટ્રેલીયાએ જાહેર કર્યું છે કે, આજે 1લી જુલાઇથી જ અમલમાં આવે તે રીતે વિદ્યાર્થી વિઝાની ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 1600 ઓસ્ટ્રેલીયન ડોલર કરવામાં આવી છે. વિઝીટર વિઝા હોલ્ડર તથા ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધરાવતા માટે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયાના ગૃહ પ્રધાન ક્લેર ઓનેલે કહ્યું કે આજથી જ ફેરફારો લાગૂ પાડવામાં આવ્યા છે જેનાથી શિક્ષણ સિસ્ટમ મજબૂત બનાવવામાં તથા સંખ્યા ઘટાડાથી વધુ યોગ્ય શૈક્ષણિક વાતાવરણના સર્જનમાં મદદ મળશે.

માર્ચમાં જારી સત્તાવાર રીપોર્ટમાં એમ કહેવાયું હતું કે, 30 સપ્ટેમ્બર-2023ના વર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 60 ટકા વધીને 548800ના રેકોર્ડસ્તરે પહોંચી હતી.
ઓસ્ટ્રેલિયાના આ કદમથી હવે અમેરિકા કે કેનેડા કરતા પણ ઓસીઝ વિઝા ફી મોંઘી બની જાય છે. અમેરિકામાં તે અંદાજીત ઓસીઝની વિઝા ફી 1068 અમેરિકી ડોલર થવા જાય છે.

ઓસ્ટ્રેલિયન સરકારે એવું પણ જાહેર કર્યું છે કે, વિઝા નિયમોની છટકબારીના આધારે બીજા કે તેથી વધુ વખત વિઝા મેળવીને વસવાટ લંબાવવાના કૃત્યો પણ અટકાવાશે. આવા વિદ્યાર્થીની સંખ્યા પણ 30 ટકા વધીને 1.50 લાખ થઇ છે.

આ પૂર્વે પણ ઓસ્ટ્રેલિયાએ વિદ્યાર્થી વિઝાના નિયમો કડક બનાવ્યા હતા. ગત માર્ચ મહિનામાં પણ અંગ્રેજીની જરૂરીયાતનો નિયમ આકરો કર્યો હતો.

 

 

Print