www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રેશનકાર્ડ-આવકના દાખલા સહિતની કામગીરી સવારના 9 થી 1 અને સાંજના 4 થી 6 કલાક દરમિયાન થશે

‘હિટવેવ’ના પગલે કાલથી બપોરના ત્રણ કલાક જનસેવા કેન્દ્રો-ATVT સેન્ટરો બંધ રહેશે: કલેક્ટર


મ્યુ.કોર્પો.ને પણ બપોરના ડામર રોડ સહિતના કામો બંધ રાખવા અને આધાર કાર્ડની કામગીરીના સમયમાં ફેરફાર કરવા કરાશે તાકિદ

સાંજ સમાચાર

રાજકોટ, તા.21
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં હિટવેવના પગલે જનજીવન તોબા પોકારી ગયું છે. સૂર્યનારાયણ આકાશમાં સતત અગ્નિવર્ષા વરસાવી રહ્યા હોય બપોરના બજારોમાં કુદરતી કર્ફયુ જેવો માહોલ છવાઇ જાય છે. આ સંજોગોમાં રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા હિટવેવ સામે આવતીકાલ બપોરથી ત્રણ કલાક જનસેવા કેન્દ્રો અને એટીવીટી સેન્ટરો બંધ રાખવા ફરમાન કરી દીધું છે.

જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે હીટવેવ સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં રેશનકાર્ડ, આવકના દાખલા, નોનક્રિમીલીયર સર્ટિફીકેટ સહિતની કામગીરી માટે કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર અને મામલતદાર કચેરીઓના એટીવીટી સેન્ટરો બપોરના 1 થી 4 કલાક સુધી બંધ રહેશે. 

જનસેવા કેન્દ્ર અને એટીવીટી સેન્ટરોમાં સવારના 9 થી 1 અને બપોરના 4 થી 6 કલાક દરમ્યાન જ આવકના દાખલા, રેશનકાર્ડ, નોનક્રિમીલીયર, ઇડબલ્યુએસ સર્ટી. સહિતની કામગીરી કરવામાં આવશે. હીટવેવની અઠવાડિયા સુધીની ચેતવણી આપવામાં આવી હોય, જનસેવા કેન્દ્ર અને એટીવીટી સેન્ટરોમાં આવતીકાલથી આ નવા સમય મુજબ કામગીરી કરવામાં આવશે.

કલેક્ટર પ્રભવ જોષીએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જે વિસ્તારોમાં રોડના ડામર કામની કામગીરી ચાલી રહી છે તેવા વિસ્તારોમાં બપોરના ડામર રોડ સહિતની કામગીરી બંધ રાખવા માટે તેઓ દ્વારા મહાનગરપાલિકાને તાકિદ કરાશે. 

આ ઉપરાંત મહાનગરપાલિકા કચેરીમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે જેમાં પણ હિટવેવના પગલે આધાર કાર્ડ અને તેમાં સુધારા-વધારાની કામગીરી માટે બપોરના સમયે બંધ રાખવા તેઓ મહાનગરપાલિકાને અનુરોધ કરશે. 

► હિટવેવ સામે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત
લોકોને મુશ્કેલી જણાય તો ફોન નં.0281-2471573 તથા ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવા તાકીદ

 કાળઝાળ ગરમી-હિટવેવના પગલે જનજીવન આકુળ વ્યાકુળ બની જવા પામેલ છે. સુર્યનારાયણ આકાશમાંથી સતત તાપ વરસાવી રહ્યા હોય સોંપો પડી જવા પામેલ છે. હિટવેવની પરિસ્થિતિને લઈને રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત કરી દેવામાં આવેલ છે.

 તેની સાથે જ હિટવેવની સ્થિતિમાં લોકોને કોઈ મુશ્કેલી જણાય તો ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન નં.0281-2471573 અથવા ટોલ ફ્રી નં. 1077 પર સંપર્ક કરવા નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ જણાવેલ છે.

 તેઓએ જણાવેલ છે કે હીટવેવથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાઓ લેવા જરૂરી છે. જેમાં પુરતું પાણી પીવું તથા ઓઆરએસ, ઘરે બનાવેલા પીણા જેવા કે લસ્સી, પાકી કેરીનો રસ (કાચી કેરી), લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરવો જે શરીરને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. હળવા સફેદ રંગના ખુલતા અને છીદ્રાળુ સુતરાઉ કપડા પહેરવા બને તેટલુ ઘરની અંદર રહેવું તથા તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવો જરૂરી છે.

માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો, તમારા ઘરને ઠંડુ રાખો, પડતા, શટર, અથવા સનશેડનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખોલવી, હિટ સ્ટ્રોક, હીટ રેશ અથવા હીટ કેમ્પ જેવા કે નબળાઈ, ચકકર આવવાના સંકેતોને ઓળખો, માથાનો દુખાવો, ઉબકા, પરસેવો અને બેભાન અથવા બીમારી અનુભવો તો તરત જ ડોકટરને મળો, પ્રાણીઓને છાંયડામાં રાખો અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપો, સગર્ભા કામદારો અને તબીબી સ્થિતિ ધરાવતા કામદારો પર વધારે ધ્યાન આપવું જરૂરી છે.

 તેમજ ખાત કરીને બપોરે 12થી 3 વાગ્યાની વચ્ચે તડાકામાં બહાર જવાનું ટાળવા ઘાટા ભારે અથવા ચુસ્ત કપડા પહેરવાનું ટોળવું જયારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે સખત પ્રવૃતિઓ ટાળવી ખુલ્લા પગે બહાર ન જાવું જોઈએ. પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળવા રસોઈ વિસ્તારને પૂરતા પ્રમાણમાં હવાની અવર જવર માટે દરવાજા અને બારીઓ ખોલવા તેમજ આલ્કોહોલ, ચા, કોપી, અને કાર્બોનેટેડ સોફટ ડ્રીંકસ ટાળો, જે શરીરને ડીહાઈડ્રેટ કરે છે. ઉચ્ચ પ્રોટીન ખોરાક ખાવાનું ટાળો અને વાસી ખોરાક ન ખાવા જણાવેલ છે.

► બાંધકામ સાઇટસ પર બપોરે 1 થી 4 શ્રમિકોને કામમાંથી મુકિત 
બિલ્ડર્સ અને આર્કિટેકટસને મનપાની સૂચના : આધાર કેન્દ્ર બહાર મંડપ અને પાણીની વ્યવસ્થા કરાશે
હિટવેવની અસર રાજકોટમાં પણ ખુબ થઇ રહી છે ત્યારે બપોરે ભારે તાપમાં લોકોને ઘર બહાર ન નીકળવા તંત્ર અનુરોધ કરે છે. તેવામાં રાજકોટની જુદી જુદી બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોને બપોરે 1 થી 4 કામમાંથી મુકત રાખવાની સૂચના મહાપાલિકાએ બિલ્ડર્સ એસો.ને આપી છે. 

મ્યુનિ. કમિશ્નર અને ટીપી શાખાએ આ અંગે બિલ્ડર એસો.ના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. આ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હિટવેવની અસરમાં શ્રમજીવીઓને કોઇ મુશ્કેલી ન પડે અને તબિયત અસર ન પડે તે માટે   જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી છે. ભારે તાપના સમયમાં બપોરે 1 થી 4 કોઇ શ્રમિકો પાસે કામ કરાવવું નહીં. આ સમયમાં તેઓને કામમાંથી મુકિત આપવી અનિવાર્ય છે. સાથે જ સાઇટ પર શકય હોય ત્યાં છાંયડો, પાણી સહિતની વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે.

કોર્પો.ની જુદી જુદી બાંધકામ સાઇટ ઉપર પણ કોન્ટ્રાકટરોને આવી સૂચના આપવામાં આવી રહી છે. સિવિલ એન્જી. એસો. (આર્કિટેકટ)ને પણ આ અંગે પત્રથી જાણ કરવામાં આવી છે.

આધાર કેન્દ્રો
દરમ્યાન મનપાના આધાર કેન્દ્ર, સિવિક સેન્ટર બહાર ઘણી વખત લોકોની ભીડ લાગે છે. આથી આ બિલ્ડીંગ બહાર છાંયડા અને પાણીની વ્યવસ્થા કરવા સૂચના અપાઇ છે. કેન્દ્ર બહાર બે મંડપ અને પાણીના જગ મુકવામાં આવશે. આવતીકાલથી જ આ વ્યવસ્થાનો અમલ થઇ જશે તેમ અધિકારીઓએ કહ્યું હતું.

 

 

 

Print