www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનાગઢ જિલ્લામાં પોણાથી ત્રણ ઈંચ ધોધમાર વરસાદ


જુનાગઢ-3, મેંદરડા-2, માંગરોળ-1, માણાવદરમાં પોણો ઈંચ વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ; જુનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા

સાંજ સમાચાર

જુનાગઢ તા.27
 ગઈકાલે સોરઠ જીલ્લામાં મેઘરાજા જુનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં મુશળધાર રીતે વરસતા ત્રણ ઈંચ પાણી પડવા પામ્યું હતું. વિજળીના કડાકા ભડાકા સાથે અસહ્ય બફારા બાદ અનરાધાર વરસાદ ખાબકયો હતો. રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. દાતાર રોડ, એકતાનગર, બિલનાથપરામાં પાણી રોડ પર ગોઠણ સમા ફરી વળ્યા હતા. બપોરના બેના સુમારે શરૂઆત બાદ સાડા ચાર વાગ્યે મુશળધાર વરસાદ તુટી પડયો હતો.
 

ઝાંઝરડા રોડના ગરનાળામાં ત્રણથી સાડા ત્રણ ફુટ પાણી વહેતા થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો. અનેક વાહનોમાં પાણી ઘુસી જતા બંધ થઈ જવા પામ્યા હતા. એકતાનગર દુર્વેશનગરમાં ગત વર્ષ અને આગલા વર્ષમાં પુરના પાણી ઘુસી જતા મોટી નુકશાની થવા પામી હતી. ગઈકાલે પણ આ વિસ્તારોમાં પાણી ફરી વળતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

વધુ વરસાદ પડશે તો પાણી ઘરોમાં ઘુસી જશે તેવી દહેશત ઉભી થવા પામી હતી. દાતાર રોડ પર પારી ડીવાઈડરને ટપી દુકાનોમાં ઘુસી જવા પામ્યા હતા. ગીરનાર ઉપર ધોધમાર વરસાદ ખાબકતા ભવનાથ રોડ પર દામોદર કુંડ સોનાપુરી સુધીના માર્ગો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. કાળવા નદીમાં નવા નીર આવતા કાળવાના વોંકળાના પાણી ફરી વળ્યા હતા.
 

જુનાગઢ ગ્રામ્યમાં પણ 3 ઈંચ વરસાદ નોંધાતા વાવણીલાયક વરસાદ થતા ખેડુતોના જીવમાં જીવ આવ્યો છે. માણાવદરમાં ગઈકાલે બપોરના 2થી 6 વચ્ચે 16 મીમી વંથલીમાં 20 મીમી ભેંસાણ બે મીમી મેંદરડા 44 મીમી કેશોદ 10 મીમી માંગરોળ 28 મીમી, માળીયા હાટીના 20 મીમી જયારે વિસાવદરમાં મેઘરાજાને ગઈકાલે આરામ ફરમાવ્યો હતો જોકે સીઝનનો સૌથી વધુ વરસાદ 185 મીમી વિસાવદરમાં 8 ઈંચ, નોંધાયો છે. બીજા ક્રમે

જુનાગઢ 135 મીમી, મેંદરડા 133 મીમી, ત્રીજા ક્રમે વરસાદ નોંધાયો છે. જયારે સૌથી ઓછો વરસાદ ભેંસાણમાં 10 મીમી નોંધાયો છે.
 આજે સવારથી પવન પડી જતા ભારે બફારા વચ્ચે ઘટાટોપ વાદળોથી આકાશ છવાઈ જવા પામ્યું છે. ગમે ત્યારે વરસાદ તુટી પડે તેવો માહોલ છવાઈ જવા પામ્યો છે. હજુ જીલ્લામાં માણાવદર ભેંસાણ માંગરોળ કેશોદના વિસ્તારના ખેડુતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.

Print