www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારે વરસાદનાં પગલે જૂનાગઢનો આણંદપુર અને ઉબેણ ડેમ ઓવરફલો


ભારે પવનના કારણે ફરી એકવાર ગીરનાર રોપ-વે બંધ કરાયો

સાંજ સમાચાર

જુનાગઢ તા.28

જૂનાગઢ શહેરમાં સતત 3 દિવસે આજે મેઘરાજાની એન્ટ્રી થયેલ હતી. સવારથી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. મુશળધાર વરસાદને લઈને રસ્તાઓ પાણી પાણી થયેલ હતા અને ગિરનાર ઉપર ભારે પવન સાથે વરસાદ પડતા રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ ઉપરવાસના વરસાદને લઈને શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારે 10 વાગ્યાથી વરસાદ શરુ થયો હતો. શહેરના તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતા શહેરના નીચાણવાળા રોડ-રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. તેમજ ગિરનાર અને ભવનાથ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયા પછી વાદળો નીકળ્યા હતા. ગિરનાર વરસાદી વાદળો વચ્ચે ઢંકાયો હતો. જંગલ વિસ્તારમાં વરસાદી માહોલથી વન્ય જીવોમાં ચેતન આવી ગયું હતું.

ભવનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા ગિરનાર રોપ-વે બંધ કરાયો હતો. આ સાથે જૂનાગઢથી આસપાસના હાઇવે ઉપર ભારે વરસાદના દૃશ્યો જોવા મળ્યા હતા. ઉપરવાસના પડેલા ભારે વરસાદને લઈને જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. જેથી તેના હેઠવાસના આણંદપુર, નાગલપુર, રાયપુર, સુખપુર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ જૂનાગઢના કેરાળા ગામ પાસે આવેલ ઉબેણ વિયર કેરાળા જળાશયમાં પાણીની આવક થતાં, ડેમ હાલ ડિઝાઇન સ્ટોરેજના 100 ટકા ભરાયેલ છે અને ઓવરફ્લો શરૂ થયેલ છે.

Print