www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જય માતાજી: લોકશાહી ઢબે ચાલેલુ આંદોલન નિર્વિઘ્ને પૂર્ણ થતાં માતાના આશીર્વાદ મેળવાશે

ક્ષત્રિય સંકલન સમિતિ આયોજીત માતાના મઢ સુધીની પદયાત્રાનું આજે પ્રસ્થાન


સાંજે આશાપુરા મંદિરેથી 325 કિ.મી.ની પદયાત્રાનો પ્રારંભ: ગામે-ગામથી યુવાનો ગામથી 30 કિ.મી. સુધી જોડાશે: રાત્રીનાં વિશ્રામ સ્થળે હનુમાન ચાલીસાના પાઠ, મહાઆરતી અને સમાજ સંગઠનની ચર્ચા: તા.3 જુને ચૂંટણી પરિણામનાં આગલા દિવસે માતાના મઢે મહાઆરતી સાથે પુર્ણાહુતિ

સાંજ સમાચાર

રાજકોટ તા.23

 લોકસભાની ચૂંટણી વેળાએ પ્રચાર-પ્રસારના દોરમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાય તેવી ટીપ્પણી કરતા ક્ષત્રિય રાજપુત સમાજે એકઠા થઈ સંકલન સમિતિના નેજા હેઠળ ઓપરેશન-1 બાદ પાર્ટ-1 પાર્ટ-2 આંદોલનાત્મક કાર્યક્રમો યોજી રૂપાલા અને ભાજપને કારમી હાર માટે લોકશાહી અને સરકારી ખાનગી મિલ્કતોને નુકશાન પહોંચાડયા વિના લડત આપી હતી. જેમાં ધર્મયુધ્ધ- અસ્મિતા રથ કાઢી ગામે ગામ, શહેરે શહેર રથ ફેરવી માતાજીની આરતી સહિતના કાર્યક્રમો થકી ક્ષત્રીય સમાજની એકતા સંગઠનને મજબુત બનાવી એક સુરે લડત આપી હતી જેમાં માં આશાપુરાના આશીષ મળતા નિર્વિઘ્ને લડત પુરી થતા સંકલન સમિતિ દ્વારા રાજકોટથી માતાના મઢ (કચ્છ) સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે જેમાં આજે ગુરૂવારે સાંજે 6-30 કલાકે આશાપુરા મંદિરેથી પદયાત્રાને પ્રસ્થાન કરાવાશે જે તા.3 જૂને માતાના મઢે પૂર્ણાહુતિ થશે.

 પદયાત્રાના મુખ્ય હેતુ અંગે સંકલન સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીપ્પણી વિરૂધ્ધ ક્ષત્રિય રાજપૂત સમાજની માતા-બહેનો-ભાઈઓ- યુવાનોએ માતાજીના આશીર્વાદથી લોકશાહી ઢબે સરકારી-ખાનગી મિલ્કતને કોઈપણ પ્રકારનું નુકશાન કે અન્ય સમાજો સાથે ઘર્ષણ કર્યા વિના સમાજે એકતા બતાવી લડત આપી હતી. એટલા માટે ખાસ માતાજીનો આભાર માનવા ક્ષત્રિય અસ્મિતા પદયાત્રા રાજકોટથી માતાના મઢ સુધીનું આયોજન કરાયું છે. આજે સાંજે 6-30 કલાકે આશાપુરા મંદિરેથી પદયાત્રા શરૂ થશે. યાત્રામાં ગામે ગામથી આગેવાનો-યુવાનો પોતાના ગામથી 30 કિ.મી. સુધી જોડાશે. 325 કી.મી.ની પદયાત્રામાં જયાં જયાં રાત્રી રોકાણ થશે ત્યાં હનુમાન ચાલીસા અને મહાઆરતી સાથે સમાજના સંગઠન અંગે ચર્ચા કરાશે. અસ્મિતા રથ માતાના મઢથી જ શરૂ થયો હોય ચૂંટણી પરિણામનાં આગલા દિને તા.3 જૂને માતાના મઢે મહાઆરતી સાથે પદયાત્રાની પૂર્ણાહુતિ થશે.

પરિણામો આવ્યા બાદ આગામી કાર્યક્રમો નકકી કરાશે.  સંકલન સમિતિ રાજકોટના દેવેન્દ્રસિંહ જાડેજા, કરણી સેના ગુજરાતના વીરભદ્રસિંહ જાડેજા, ક્ષત્રિય અગ્રણી હરપાલસિંહ ચુડાસમા, રણુભા જાડેજા, ડો. રાજદિપસિંહ જાડેજા, ભાર્ગવીબા ગોહિલ, માયાબા જાડેજાએ ‘સાંજ સમાચાર’ કોર્પોરેટ હાઉસની મુલાકાત લઈ ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાના આયોજન અંગે ઉપરોકત માહિતી આપી હતી.

Print