www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કચ્છનું માંડવી કોલેરાગ્રસ્ત જાહેર કરાયું: પોઝિટીવ કેસ


આરોગ્ય વિભાગની 25 ટીમો દ્વારા બ્લડ સેમ્પલ એકત્ર કરાયા: સલાયા, મસ્કા ઓકટ્રાય વિસ્તારમાં સઘન સર્વે ઝુંબેશ શરૂ

સાંજ સમાચાર

ભૂજ તા.27
 સૌરાષ્ટ્રમાં વર્ષો પછી કોલેરા જાણે માથું ઉંચકી રહ્યો હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે. રાજકોટના ઉપલેટાના તણસવા પંથકમાં કોલેરાથી ચાર બાળકોના મોત અને 40 જેટલા લોકોને અસર થયા પછી તંત્ર ઘાંઘુ થયું હતું અને આસપાસના બોર સીલ કરાયા હતા. એ પછી માંડવીમાં કોલેરાનો પોઝિટિવ કેસ સામે આવતા શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે. આ સાથે નિયંત્રણ અધિકારી પણ નિયુકત કરવામાં આવ્યા છે.

 જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તા.26થી 25 જુલાઈ સુધી માંડવી શહેરના સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવા જિલ્લા કલેકટર સમક્ષ ભલામણ કરવામાં આવી હતી. જે અન્વયે કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા માંડવી શહેરના સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.
 માંડવી શહેરના (સલાયા, મસ્કા ઓકટ્રાય વિસ્તાર)ને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો છે. મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ માંડવી શહેરના સમગ્ર વિસ્તાર માટે કોલેરા નિયંત્રણ માટે જરૂરી તમામ પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે.

 માંડવી કોલેરા નિયંત્રણ અધિકારી અને મામલતદાર ગોકલાણીએ જણાવ્યું હતું કે હાલ શહેરના એક વિસ્તારમાં એક કોલેરા પોઝિટીવ કેસ સામે આવતા આસપાસના વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

 જયારે આ બીમારી શહેરના અન્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. જે અંતર્ગત સમગ્ર શહેરમાં આરોગ્ય વિભાગની 25 ટીમ દ્વારા બીમાર લોકોનો સંપર્ક કરી તેમના બ્લડ સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી રહી છે.

Print