www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આજીડેમના કાંઠેથી મળેલા પગ ટ્રેન હેઠળ કપાયેલા પરપ્રાંતિય શખ્સના હોવાની શક્યતા : ડીએનએ ટેસ્ટ થશે


રાજેશ નામનો યુવકના માત્ર પગ ટ્રેન નીચે કપાયા હતા, તેને અમદાવાદ સારવારમાં લઇ જવાતા તબીબો પગ જોડી દેશે તેવી શકયતાએ પોલીસે જ બંને પગ તેના સંબંધીને આપેલા

સાંજ સમાચાર

રાજકોટ, તા.22
આજીડેમના કાંઠેથી મળેલા પગ ટ્રેન હેઠળ કપાયેલા પરપ્રાંતિય શખ્સના હોવાની શક્યતા સામે આવી છે. જોકે બંને પગનું ડીએનએ ટેસ્ટ થશે.
મળતી વિગત મુજબ, આજી ડેમના કાંઠેથી ત્રણ દિવસ પહેલાં બે કપાયેલા અને કોહવાઈ ગયેલાં માનવ પગ મળી આવ્યા હતા. તે મહિલાના હોવાની ચર્ચા હતી. પણ આ પગ ટ્રેન હેઠળ ઝંપલાવનાર મુળ યુપીના રાજેશ ચૌહાણના હોવાની શકયતા છે.

સૂત્રોએ જણાવ્યું કે આજી ડેમ ચોકડી પાસે રહેતાં રાજેશે ફાઈનાન્સ કંપનીમાંથી પર્સનલ અને હોમલોન લીધી હતી. જેને કારણે તેની ઉપર રૂ.20 લાખનું દેણું થઈ ગયું હતું. પરિણામે ફાઈનાન્સ કંપનીના માણસો ઉઘરાણી કરતા હતા. ગઈ તા.27 એપ્રિલના રોજ રાજેશે બાઈક પર જઈ જૂના મોરબી રોડ ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું હતું. સદ્દનસીબે તેનો જીવ બચી ગયો. પણ ટ્રેન નીચે આવી જતાં તેના બંને પગ કપાઈ ગયા હતા. તેને તત્કાળ સિવિલ અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં પરિવારજનો લઈ રવાના થયા હતા.

તે વખતે તેનું બાઈક, તેમાં રાખેલી સ્યુસાઈડ નોટ અને બંને કપાયેલા પગ સ્થળ પર પડી રહ્યા હતા. બી- ડિવીઝન પોલીસને જાણ કરતાં તેનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે તત્કાળ રાજેશના પરિવારજનોનો સંપર્ક કરી કપાયેલા પગ જો તબીબો ફરીથી જોડી આપતા હોય તો લઈ જવાનું કહેતાં તેમણે મુળ બિહારના અને હાલ રાજકોટ રહેતા સંબંધી રાજેન્દ્ર યાદવને પગ સોંપેલાં. આ તરફ રાજેન્દ્રને પરિવારજનોએ કોલ કરીને કહી દીધું હતું કે, તબીબોએ હવે બંને પગ નહીં જોડાય તેવો અભિપ્રાય આપી દીધો છે. જેથી તેને બંને પગનો નિકાલ કરવાનું કહેતાં રાજેન્દ્ર એકટીવાની આગળ બંને કપાયેલા પગ લઈ આજી ડેમ પહોંચ્યો હતો. જયાં તેણે બંને પગ ડેમમાં નાખી દીધા હતા.

 

Print