www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હદ થઇ! 10 દિવસથી બંધ આરટીઓનો ટ્રેક ફરી 29 સુધી બંધ રહેશે


1500થી વધુ વાહન ધારકો વેઇટીંગ લીસ્ટમાં: અરજદારોને ભારે ગરમી વચ્ચે કચેરીના થતાં ધરમ ધક્કાથી વ્યાપક રોષ: આરટીઓ અધિકારી કહે છે કે ટ્રેકના સેન્સરો બગડી ગયા છે: ગાંધીનગર ખાતે રીપેરીંગ માટે મોકલાયા છે, ત્યાંથી રીપેરીંગ થઇ આવે એટલે તુરંત ટ્રેક શરૂ કરી દેવાશે

સાંજ સમાચાર

રાજકોટ, તા.26
છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત રાજ્યભરમાં આરટીઓ તંત્રનું સર્વર વારંવાર ઠપ્પ થઇ જવાની સમસ્યા હવે માથાના દુ:ખાવા રૂપ બની ગઇ છે. ગમે ત્યારે ટેકનીકલ બહાના હેઠળ આરટીઓ તંત્ર દ્વારા સર્વર બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે હજારો અરજદારોના કામો ખોરંભે પડી જાય છે. આ સમસ્યા એટલી વ્યાપક બની ગઇ છે કે લોકો હવે આરટીઓ કચેરીના સર્વરથી થાકી ગયા છે. આ પ્રશ્ને અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજુઆતો પણ કરવામાં આવી છે. આમ છતાં આરટીઓના સર્વરની સમસ્યા હજુ સુધી કાયમી ધોરણે હલ થઇ નથી.

ઉલ્લેખનીય છે કે રાજકોટ આરટીઓ કચેરીમાં જ છેલ્લા 10 દિવસથી ટેકનીકલ ક્ષતિના બહાના હેઠળ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક બંધ કરી દેવામાં આવેલ છે. જેના કારણે છેલ્લા ઘણા દિવસથી વાહન ધારકોને ભારે ગરમી વચ્ચે કચેરીના ધરમ ધક્કા થઇ રહ્યા છે. આથી અરજદારોમાં વ્યાપક દેકારા સાથે ભારે રોષની લાગણી પ્રસરી ગઇ છે.

છેલ્લા દસ દિવસથી આરટીઓ કચેરીનો ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક બંધ છે ત્યારે ફરી એક વખત આરટીઓ કચેરી દ્વારા આજ તા.26થી તા.29 સુધી ફરી એકવાર ફોર વ્હીલર માટે ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે કે આરટીઓ રાજકોટ ખાતે કાર્યરત ફોર વ્હીલર વાહનો માટેનો ઓટો મેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક ટેકનીકલ કારણોસર તા.26-6થી 29-6 દરમિયાન બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન જે અરજદારોએ ફોર વ્હીલર વાહન માટે ટેસ્ટ ટ્રેકની એપોઇન્ટમેન્ટ લીધેલ છે તેમની એપોઇન્ટમેન્ટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી રાજકોટ દ્વારા રિ-સિડ્યુલ કરી આપવામાં આવેલ છે. જેની રાજકોટ જિલ્લાની જાહેર જનતાએ નોંધ લેવી.

અત્રે ઉલ્લેખનીય છે કે 10 દિવસથી ટેકનીકલ બહાના હેઠળ ડ્રાઇવીંગ ટ્રેક બંધ છે અને હવે ફરી આગામી તા.29 સુધી ટ્રેક બંધ રાખવાની આરટીઓ તંત્રએ જાહેરાત કરી છે જેના કારણે રાજકોટના 1500થી વધુ વાહન ધારકો વેઇટીંગ લીસ્ટમાં આવી ગયા છે. 

વાહન ધારકોની ફરિયાદ છે કે છેલ્લા ઘણા દિવસોથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે જેના કારણે લોકોને ભારે ગરમી વચ્ચે કચેરીના ધરમધક્કા થઇ રહ્યા છે. દરમિયાન આ પ્રશ્ને અંગે કે.એમ. ખપેડનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે ડ્રાઇવીંગ ટ્રેકના સેન્સર ટેકનીકલ કારણોસર બંધ થઇ ગયા છે અને આ સેન્સરનું રીપેરીંગ રાજકોટમાં થતું નથી આથી છેલ્લા કેટલાક દિવસથી આ સેન્સરને ગાંધીનગર ખાતે રીપેરીંગ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે આ સેન્સરો રીપેરીંગ થઇ આવી જાય એટલે તુરંત ફરી ડ્રાઇવીંગ ટ્રેક શરૂ કરી દેવામાં આવશે.

Print