www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલે કલેકટર કચેરીમાં લોકમેળા સમિતીની બેઠક; 19 સમિતીઓની કરાશે રચના


♦ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પગલે રાઈડ સેફટીના મુદ્દા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરાશે: આ વખતે સાંઢીયા પુલ બંધ હોય ટ્રાફિકનો પ્રશ્ર્ન સર્જાવાની ભીતિ

સાંજ સમાચાર

♦ લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ યોજાશે : રાઇડ્સના ભાવમાં વધારો  પણ થશે નહીં

રાજકોટ તા.28
 રાજકોટ કલેકટર કચેરી ખાતે આવતીકાલે તા.29ને શનિવારે બપોરના 12-30 કલાકે લોકમેળા સમિતીની બેઠક જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવી છે.

 જેમાં ભાતીગળ લોકમેળાના આયોજન અંગે ચર્ચા તેમજ વિવિધ 19 જેટલી સમિતીઓની રચના કરવામાં આવનાર છે. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે.

 અહીં એ ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ કલેકટર પ્રભવ જોશી દ્વારા લોકમેળા માટે સાવચેતીના ભાગરૂપે નવું સ્થળ શોધવા માટે પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારને જવાબદારી સોપવામાં આપી હતી.

 જેમાં શહેરના નવા રીંગ રોડ ઈશ્વરીયા, કણકોટ સહિતના વિસ્તારોમાં અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સમથળ ગ્રાઉન્ડ નહીં મળતા અંતે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જ આ મેળાનું આયોજન યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવેલ હતો.

 જેમાં આ વખતે સાંઢીયા પુલ બંધ હોય તેના કારણે જન્માષ્ટમીના લોકમેળા સમયે ટ્રાફીક સમસ્યા સર્જાવાની શકયતા રહેલી છે. આ ઉપરાંત ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પગલે આ વખતે રાઈડ સેફટીના મુદ્દા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવનાર છે.

 લોકમેળા સમિતી દ્વારા પ્રતિ વર્ષે જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે રાંધણ છઠ્ઠથી દશમ સુધી એટલે કે પાંચ દિવસનો ભાતીગળ લોકમેળો આયોજિત કરવામાં આવે છે. તે અંગેની તૈયારીઓ કલેકટર તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. જેમાં આવતીકાલે લોકમેળા સમિતીની પ્રથમ બેઠક કલેકટર કચેરી ખાતે યોજવામાં આવેલ છે.

 અહીં એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જન્માષ્ટમીના લોકમેળાના ચકડોળ-રાઈડસના ભાવમાં વધારો ઝીંકાતા દેકારો બોલી જવા પામેલ હતો. જેથી ચાલુ વર્ષે રાઈડ્સના ભાવમાં કોઈ વધારો થવાની શકયતા રહેતી નથી.

આ ભાતીગળ લોકમેળાના સુચારૂ આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા માઈક્રો પ્લાનીંગ સાથે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં આવતીકાલે યોજાનાર પ્રથમ બેઠકમાં લોકમેળા માટે લાઈટ, ડેકોરેશન, મંડપ, સ્ટેજ, સાંસ્કૃતિક સહિતની વિવિધ 19 સમીતિઓની રચના કરવામાં આવનાર છે.

Print