www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નવી લોકસભામાં શાસક - વિપક્ષનો પ્રથમ મોટો જંગ

લોકસભાના સ્પીકર માટે ચૂંટણી થશે: સંસદીય ઇતિહાસમાં પ્રથમ ઘટના


► એનડીએ તરફથી ઓમ બિરલા તથા ‘ઇન્ડિયા’ વતી કે. સુરેશની ઉમેદવારી

સાંજ સમાચાર

► ડેપ્યુટી સ્પીકર પદ વિપક્ષને આપવાની શર્ત સરકારે મંજુર ન રાખતા સર્વસંમતિ ન બની

નવી દિલ્હી, તા.25
કેન્દ્રમાં નવી એનડીએ સરકારના ગઠન પછી શાસક અને વિપક્ષનો પ્રથમ મોટો જંગ મંડાવવાના એંધાણ હોય તેમ ભારતના સંસદીય ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. સામાન્ય રીતે સર્વસંમતિથી સ્પીકર નક્કી થતા હોય છે પરંતુ આ વખતે ડેપ્યુટી સ્પીકર પદ વિપક્ષને આપવાનો સરકારે ઇન્કાર કરતાં સર્વસંમતિ શક્ય બની ન હતી. શાસક અને વિપક્ષે પોતા પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે અને હવે ચૂંટણી થશે. 

લોકસભાની ચૂંટણીમાં ઇન્ડીયા ગઠનબંધનની બેઠકોમાં નોંધપાત્ર વધારો થવાના પગલે સરકાર અને વિપક્ષો વચ્ચે સંસદમાં વખતો વખત વિવાદ થવાના ભણકારા વાગવા માંડ્યા  જ હતાં હવે પ્રથમ જંગ સ્પીકર પદથી જ શરૂ થઇ ગયો હોય તેમ શાસક-વિપક્ષ વચ્ચે સમજુતી શક્ય ન બનતા ચૂંટણી યોજવાનો વખત આવ્યો છે.

સત્તાધારી એનડીએ દ્વારા લોકસભાના સ્પીકર પદના ઉમેદવાર તરીકે ઓમ બીરલાને જાહેર કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા ફોર્મ પણ ભરી દેવામાં આવ્યું છે જ્યારે વિપક્ષ દ્વારા સ્પીકર પદના ઉમેદવાર તરીકે કે.સુરેશનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા ઉમેદવારી નોંધાવી દેવામાં આવી છે. આ સંજોગોમાં હવે લોકસભાના અધ્યક્ષ પદ માટે શાસક-વિપક્ષ વચ્ચે મુકાબલો થશે. 

કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે સ્પષ્ટ કહ્યું કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકર પદ આપવામાં નહીં આવતા સહમતિ ભાંગી પડી હતી અને તેને પગલે સ્પીકર પદની ચૂંટણી થશે. રાહુલ ગાંધીએ પણ સરકાર સાથે વાટાઘાટો વચ્ચે એવું સ્પષ્ટ કર્યું હતું કે રાજનાથસિંહ દ્વારા સ્પીકર પદ માટે સહયોગ આપવા ફોન કરવામાં આવ્યો હતો.

ત્યારે તેઓને સ્પષ્ટ કરાયું હતું કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકર પદ આપવામાં આવે વિપક્ષની આ શરત બાદ રાજનાથસિંહ તરફથી ફરી કોઇ સંદેશો પહોંચાડવામાં આવ્યો ન હતો. 

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, સરકાર સારા વિપક્ષની અપેક્ષા રાખતી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે પરંતુ સરકાર અમારા નેતાને અપમાન કરી રહી છે. વડાપ્રધાન બોલે છે કાંઇક અને કરે છે કાંઇક.... આ તેમની જુની આદત છે. વડાપ્રધાનના શબ્દનો કોઇ અર્થ નથી તે આખો દેશ જાણે છે. વિપક્ષ પાસેથી સહયોગ માંગે છે પરંતુ વિપક્ષની માંગ સ્વીકારતા નથી. 

લોકસભાના સ્પીકર પદ માટે ભારતના સંસદીય ઇતિહાસમાં અત્યાર સુધી ક્યારેય ચૂંટણી થઇ નથી આ વખત પ્રથમ વખત ચૂંટણી યોજાનાર હોવાથી રાજકીય ઉત્તેજના સર્જાય છે.  

Print