www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગર જિલ્લામાં મેઘો મહેરબાન: અડધાથી ત્રણ ઈંચ


પાલિતાણામાં ગાજવીજ સાથે બે ઈંચ: ગારીયાધાર તાલુકામાં વાવણી જોગ વરસાદથી ધરતી પુત્રોમાં આનંદ

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.24
ગોહિલવાડ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં અડધાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે સોમવારે પણ સવારથી જ ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં હવે ધીમી ગતિએ ચોમાસુ જામી રહ્યું છે. પાલિતાણા શહેરમાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી વળી હતી. જ્યારે સિહોર અને ગારિયાધારમાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા. તો મહુવામાં પણ સારો વરસાદ વરસી ગયો હતો. આમ ગોહિલવાડ પંથકમાં હવે ચોમાસુ જામતા ધરતીપુત્રોમાં હરખ જોવા મળે છે અને ગારિયાધાર અને પાલિતાણા પંથકમાં તો ખેડૂતોએ વાવણીનો આરંભ કરી દીધો છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં 27 જૂનને ગુરૂવાર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

મહુવા શહેર અને તાલુકામાં  વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ થતા  મહુવામાં ચોમાસુ બેસી જતા ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. 

શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી અને શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો પાલીતાણામાં 47 મી.મી. વરસાદ વરસી ગયો હતો. સિહોરમાં 9 મી.મી. અને ગારિયાધારમાં 5 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જ્યારે ભાવનગર શહેરમાં  5 મી.મી. વરસાદ વરસી ગયો છે.

ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમાં રૂપાવટી ડમરાળા સમઢીયાળા પછેગામ પાંચ ટોપરા, આણંદ પીપળવા ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ડમરાળા ગામનું તળાવ ધોધમાર વરસાદથી છલોછલ ભરાઈ જતાં ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગારીયાધાર પંથક તેમજ શહેરમાં છ દિવસના વિરામ બાદ  ફરી મેઘમહેર વરસી હતી.

Print