www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કંપનીઓની હિસાબી એન્ટ્રીઓનું વિશ્લેષણ ફરજીયાત: નવા નિયમથી CA વર્ગમાં મોટો ઉહાપોહ


કંપનીઓના હિસાબી સોફટવેરથી માંડીને અનેકવિધ રિપોર્ટ કરવા પડશે

સાંજ સમાચાર

અમદાવાદ,તા.22
કંપનીઓના હિસાબી વ્યવહારોના ઓડીટ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2023-24થી નવો નિયમ લાગુ કરતા વ્યાપક ઉહાપોહ સર્જાયો છે. આ નિયમ અંતર્ગત સીએ દ્વારા કંપનીઓના હિસાબી સોફટવેરની એન્ટ્રીઓનું વિશ્લેષણ-મેળવણી ફરજીયાત બનાવી છે.

નાણાંકીય વર્ષની ઓડીટ પ્રક્રિયા શરૂ થઈ જ ગઈ છે ત્યારે નવા નિયમને કારણે કામગીરી પડકારજનક બની છે. કારણ કે બહુ મોટી સંખ્યામાં હિસાબી એન્ટ્રી હોય છે એટલું જ નહીં, કંપનીઓ દ્વીરા તેમાં વખતોવખત ફેરફારો પણ કરવામાં આવ્યા હોય છે.

નવા નિયમનું પાલન કરવા માટે પર્યાપ્ત સ્ત્રોત ઉપલબ્ધ ન હોવાની દલીલ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડીયા સમક્ષ આ મામલે રજુઆત કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાના પુર્વ પ્રમુખ અનિકેત તલાટીએ કહ્યું કે કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા કંપની કાયદા (ઓડીટ એન્ડ ઓડીટર્સ) 2014માં નિયમ 11(જી) ઉમેરવામાં આવ્યો છે તેમાં કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા હિસાબી સોફટવેરનો રિપોર્ટ આપવા રેકોર્ડીંગ સુવિધા ધરાવતા વિશ્ર્લેષણ સાથેની હિસાબી બુક જાળવવા ફરજીયાત બનાવ્યુ છે. કંપની દ્વારા કાયદાનુસાર જ રેકોર્ડ રખાયાનો અને તેમાં કોઈ છેડછાડ નહીં થયાનો પણ રિપોર્ટ આપવાનો રહે છે.

સી.એ. કરીમ લખાણીએ કહ્યું કે આ નિયમના પાલન કરવામાં કેટલીક પ્રેકટીકલ મુશ્કેલીઓ છે. દરેક કંપનીઓએ વિશ્ર્લેષણ સાથેનું ઓડીટ 30મી સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું ફરજીયાત છે પરંતુ અનેક કંપનીઓ એન્ટ્રીનું વિશ્લેષણ કરતા સોફટવેરનો ઉપયોગ કરતી નથી. કોઈપણ એન્ટ્રીમાં બદલાવ કે છેડછાડ ન થયાનું ચકાસવાનું રહે છે. પરંતુ ઓડીટરને ફેરફારની જાણ હોતી નથી. કંપનીઓના વ્યવહારો પર ટ્રેક રાખવાનો સરકારનો ઈરાદો સારો છે પરંતુ એન્ટ્રીઓમાં બદલાવ ચકાસવાનું સીએ માટે પડકારરૂપ છે.

મોટાભાગની નાની કંપનીઓ એન્ટ્રીઓના વિશ્લેષણની સગવડ ન ધરાવતા સોફટવેરનો જ ઉપયોગ કરે છે. સીએ દ્વારા વિશ્લેષણ વિના જ રિપોર્ટ કરી દેવામાં આવે તો કંપનીઓએ હિસાબ ચોખ્ખા ન રાખ્યાનું ગણાશે અને તેમાં 50000થી 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

તેઓએ કહ્યું કે, એન્ટ્રી વિશ્લેષણનો સોફટવેર હોય તો પણ તે ‘ડીસએબલ્ડ’ ન થયાનું સીએ દ્વારા ચેકીંગ કરવું પડશે. કંપની કાયદા પ્રમાણે દરેક કંપનીઓ માટે સીએ મારફત હિસાબોનું ઓડીટ કરાવવાનું અને આઠ વર્ષ સુધી સાચવવાનું ફરજીયાત છે તે જ પ્રમાણે ઓડીટ વિશ્લેષણ પણ આઠ વર્ષ રાખવુ પડશે.

 

 

Print