www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મણિયાર ટ્રસ્ટે પ્લેનેટોરીયમ પડતર બનાવી દીધુ : સંચાલન સોંપવાની દરખાસ્ત પેન્ડીંગ


રેસકોર્સની જગ્યામાં કયારેક જ ખુલતી જગ્યામાં તપાસ કરવા બે કોર્પોરેટરની સમિતિ બનાવતા સ્ટે.ચેરમેન ઠાકર : ભાજપ સંકલનના હિંમતભર્યા નિર્ણયના પડઘા : ઇન્ડોર સ્ટેડીયમ સહિતની મિલ્કતોમાં નગરસેવકોને જોડી દેવાશે

સાંજ સમાચાર

રાજકોટ, તા. 18
મ્યુનિ.કોર્પો.ની અનેક મિલ્કતોના સંચાલન ભુતકાળમાં જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ, ભાજપની ભગીની સંસ્થાઓને સોંપવામાં આવ્યા છે. વર્ષે કરોડોનો ગ્રાન્ટ ખર્ચ આપવા છતાં સંચાલનમાં ધાંધીયાની અને બેદરકારીની ઉઠતી ફરિયાદોવચ્ચે આજે મનપા ભાજપ સંકલન અને સ્ટે.કમીટીએ આવા સંચાલનોને બ્રેક મારવાનો એક મોટો નિર્ણય લીધો છે. જેમાં વર્ષોથી રેસકોર્સના પ્લેનેટોરીયમનું સંચાલન ફરી મણિયાર ટ્રસ્ટને સોંપવાની દરખાસ્ત પેન્ડીંગ રાખીને તપાસ સમિતિ મૂકી દેતા ચર્ચા જાગી છે. 

મોટા ભાગે બંધ રહેતા પ્લેનેટોરીયમનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે વધે અને મિલ્કતનો લાભ લોકોને મળે તે માટે હવે કોર્પો.ની આવી મિલ્કતોમાં કોર્પોરેટરોને પ્રતિનિધિ તરીકે મૂકવા વિચાર શરૂ થયાનું મીટીંગ બાદ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું. 

રાજકોટ મહાપાલિકા દ્વારા રેસકોર્સમાં વર્ષો પહેલા પ્લેનેટોરીયમ બનાવવામાં આવ્યું છે. તારા મંડળ સહિતની જગ્યા અહીં વિકસાવવામાં આવી છે. 
અહીં કોમ્પ્યુટર વિભાગનું સંચાલન પણ અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે. જેમાં ત્રણ વર્ષનો વધારો કરવા દરખાસ્ત આવી છે. વર્ષે પાંચ લાખની ગ્રાન્ટ પણ સંસ્થાને આપવામાં આવે છે. પરંતુ આ તારા મંડળ મોટા ભાગે બંધ રહે છે. કોમ્પ્યુટર વિભાગ કયારેક જ ખુલે છે. અઠવાડિયામાં એક વખત શિક્ષણ સમિતિના બાળકોને વિઝીટ કરાવવામાં આવે છે તે બાદ આ પ્લેનેટોરીયમ ધુળ ખાતુ હોય તેવી ફરિયાદ આવતા તાજેતરમાં અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી. 

હવે આજે આ સંસ્થાને સંકુલનું સંચાલન સોંપવાની દરખાસ્ત પર પ્રથમ વખત ભાજપ સંકલન અને સ્ટે.કમીટીમાં લાંબી ચર્ચા થઇ હતી. વર્ષે પાંચ લાખની ગ્રાન્ટ છતાં બે હજાર વારમાં રહેલી જગ્યા સોંપતા પહેલા વિચાર કરવા નકકી કરાયું છે. ચેરમેને કહ્યું હતું કે આ અંગેની તપાસ કરવા બે કોર્પોરેટરો કેતન પટેલ અને અશ્વિન પાંભરની તપાસ સમિતિ બનાવવામાં આવી છે. તેના રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. 

વધુમાં પદાધિકારીએ એવું કહ્યું હતું કે કોર્પો. હસ્તક રેસકોર્સનું ઇન્ડોર સ્ટેડીયમ, જુદા જુદા કોમ્પ્યુનિટી હોલ, સ્મશાનગૃહો આવેલા છે. સંસ્થાને જગ્યા સોંપ્યા બાદ વહીવટ કરતા હોય છે. પરંતુ અનેક જગ્યાએથી ફરિયાદ આવે છે છતાં જગ્યામાં કોર્પો.નું પ્રતિનિધિત્વ ન હોવાથી સીધુ સુપરવિઝન રહેતુ નથી. આથી આ સહિતની તમામ જગ્યાઓમાં હવે જે રીતે લેંગ લાયબ્રેરી, યાર્ડમાં કોર્પોરેટરોને પ્રતિનિધિ તરીકે મૂકવામાં આવે છે તે રીતે અહીં પણ નગરસેવકોને પ્રતિનિધિ તરીકે મૂકવા તૈયારી કરવામાં આવી છે. 

ભાજપની સૌથી જુની ભગીની સંસ્થા મણિયાર ટ્રસ્ટને સંચાલનની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવતા આ દરખાસ્તના પડઘા પણ કોર્પો. બિલ્ડીંગ બહાર તુરંત પહોંચી ગયા હતા!

♦સર્વેશ્વરચોકમાં નવા વોંકળાની દરખાસ્ત મંજૂર કરતી સમિતિ
રાજકોટ, તા. 18
વોર્ડ નં.7માં ડો.યાજ્ઞિક રોડ લાગુ સર્વેશ્વરચોકમાં નવી ડિઝાઇન સાથે નવો વોંકળો બનાવવા 4.91 કરોડના ખર્ચની દરખાસ્ત આજે મંજૂર કરાઇ છે. આ વોંકળો મેહુલ કીચેનની દિવાલથી શરૂ થઇ, મધ્યમાંથી પસાર થઇ યાજ્ઞિક રોડ ક્રોસ કરીને નાગરિક બેંક સુધી જશે. 
આજની મીટીંગમાં અગાઉની બેઠકમાં પેન્ડીંગ રહેલી આરોગ્ય સહાયની દરખાસ્તો મંજૂર કરાઇ હતી. આજે કુલ 191 કરોડના વિકાસ કામો મંજુર કરાયા છે. જોકે રોડ, ગટર, પાઇપલાઇન, વોંકળા સહિતના કામો ચોમાસાના કારણે હવે ચોમાસા બાદ શરૂ થઇ શકશે.

♦થેંકસ આચારસંહિતા : વૃક્ષારોપણને પાણીની લાઇનનું 30 લાખનું કામ 4 લાખમાં થઇ ગયું

♦અધિકારીઓએ મોટો અંદાજ મૂકયો હતો : ઝોનલમાં કામ કરાવતા મોટો ફાયદો

રાજકોટ, તા. 18
આજી ડેમ પાસેની જગ્યામાં વૃક્ષારોપણને પાણી આપવાની પાઇપલાઇનનું કામ ચૂંટણી આચારસંહિતાના કારણે મંજૂર ન થઇ શકતા અને કોર્પો.એ ઝોનલ વ્યવસ્થામાં કામ કરાવતા 30 લાખનું કામ માત્ર ચાર લાખમાં થઇ ગયાનું બહાર આવ્યું છે. 

ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે વોર્ડ નં.1પ આજી ફિલ્ટર પ્લાન્ટ પાછળ નેશનલ હાઇવે લાગુ ખુલ્લી જગ્યામાં વૃક્ષોને પિયત આપવા પાઇપલાઇનના કામ માટે 30 લાખના ખર્ચની દરખાસ્ત આવી હતી.

જે ત્રણ મહિના ચૂંટણીના કારણે મંજૂર થતી ન હતી પરંતુ વૃક્ષોને પાણી આપવા તત્કાલ કામ કરવું અનિવાર્ય હતું. આથી કાયમી ઝોનલ કોન્ટ્રાકટર મારફત કામ કરાવતા 2700 મીટરના બદલે માત્ર 700 મીટરમાં પાઇપલાઇન પાથરીને પણ કામ ચાલ્યું છે. અગાઉ એચડીપી લાઇન પાથરવની હતી. તેના બદલે હવે બે હજાર મીટરનું કામ ઘટાડીને પીવીસી લાઇન પાથરવામાં આવી છે.  તેનાથી પણ કામ ચાલ્યું છે. આમ ચૂંટણી આવી જતા કોર્પો.ને કામમાં ર6 લાખનો ફાયદો થઇ ગયો છે.

 

 

 

♦સફારી પાર્કની જગ્યા ફરતે 17 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ 

મનપા સ્ટે.કમીટીની આજે મળેલી મીટીંગમાં પ્રદ્યુમન પાર્ક પાછળ બનનારા લાયન સફારી પાર્ક માટે કમ્પાઉન્ડ વોલ અને ચેઇનલીંક ફેન્સીંગ દિવાલ બનાવવા માટે 17.6પ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. તો વોર્ડ નં.1રના વાવડીના ગાર્ડન હેતુના પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂા. 21.76 લાખ મંજૂર કરાયા છે. 

વોર્ડ નં.1પ આજી ડેમ, રામવન ગેટ સામે સરકારની જગ્યામાં વૃક્ષારોપણ માટે રપ.60 લાખ, નાકરાવાડી લેન્ડ ફીલ સાઇડ ખાતે વૃક્ષારોપણ માટે 33.8પ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. 

 

 

 

Print