www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અગ્નિકાંડની ઘટના, ઉચ્ચ કક્ષાએથી તપાસ વચ્ચે મેયર કાલથી બ્રાઝિલના પ્રવાસે


પૂરા રાજયને ખળભળાવનાર બનાવમાં અધિકારીઓ ફીટ : મિલ્કત સીલીંગ સામે રોજ રજુઆતો : વિપક્ષના ઉગ્ર આંદોલન વચ્ચે કોન્ફરન્સ ચર્ચાના ચગડોળે

સાંજ સમાચાર

રાજકોટ, તા. 15
રાજકોટના નાના મવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ગત તા. 25 મેના રોજ લાગેલી ભયંકર આગમાં 27 લોકોના મૃત્યુ થતા પુરૂ ગુજરાત ખળભળી ઉઠયું છે. સરકાર અને સીટ સહિતની એજન્સીઓ ઉંડી તપાસ કરી રહી છે અને હાઇકોર્ટ આ કેસ પર સીધી નજર રાખી રહી છે ત્યારે સરકારનું ધ્યાન હાલ રાજકોટ ઉપર જ કેન્દ્રીત હોય તેવું લાગી રહ્યું છે. આ દરમ્યાન રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા આવતીકાલે રવિવારે બ્રાઝીલના પ્રવાસે નીકળી જનાર હોવાનું જાણવા મળ્યું છે.

થોડા દિવસો પહેલા આ પ્રવાસ નકકી થઇ ગયો હોવા છતાં હાલના સંજોગોમાં આ કાર્યક્રમ ખાનગી રાખવામાં આવ્યો છે. પરંતુ પાર્ટી અને મનપામાં પણ નહીંવત લોકોની જાણમાં રહેલો આ પ્રવાસ અગ્નિકાંડ અને તેની તપાસના દિવસો વચ્ચે ચર્ચાસ્પદ બન્યો છે.

મહાપાલિકાની વહીવટી પાંખમાંથી જાણવા મળેલી વિગત મુજબ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે સાઉથ એશીયાની  ‘ઇકલી’ સંસ્થા વિશ્વ કક્ષાએ કામ કરે છે જેમાં સવાસોથી વધુ દેશો સામેલ થયા છે. દક્ષિણ એશીયામાંથી હોદ્દાની રૂએ  મેયર સભ્યપદે છે. પ્રદુષણમાં ઘટાડા સહિતના વિષયો પર જુદા જુદા દેશો અને મહાનગરોમાં અભ્યાસ કરી મદદ પણ કરે છે. ભુતકાળમાં પણ પદાધિકારીઓ અને અધિકારીઓએ જે તે દેશમાં યોજાતી પરિષદમાં ભાગ લીધા છે. 

દરમ્યાન તાજેતરમાં મેયરને તા.17થી રર દરમ્યાન બ્રાઝીલમાં યોજાનારી કોન્ફરન્સમાં ભાગ લેવા નિમંત્રણ મળ્યું હતું. ચાલુ સપ્તાહમાં આ કોન્ફરન્સમાં ભાગ લેવાની તમામ પ્રક્રિયા અધિકારીઓ મારફત કરી લેવામાં આવી હતી. જેનું ક્ધફર્મેશન આવી જતા કાલે મેયર આ સેમીનારમાં ભાગ લેવા રાજકોટથી નીકળી જવાના છે. તેઓનું પાંચ દિવસનું રોકાણ છે.

સામાન્ય રીતે મેયર સહિતના પદાધિકારી કે કમિશનર સહિતના અધિકારીઓ આવો કોઇ પણ પ્રવાસ કરે તો તેના આયોજન અને હેતુ અંગે જાહેરાત કરતા હોય છે પરંતુ આ પ્રવાસને ખાનગી રાખવામાં આવતા ચર્ચા વચ્ચે ચકચાર પણ જાગી છે. 

અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ, આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી, ઉચ્ચ અધિકારીઓની ધરપકડ, રીમાન્ડ અને જેલ હવાલે વચ્ચે સીટની તપાસ, પુરા શહેરમાં ફાયર એનઓસીના નિયમો પાળવા સઘન મિલ્કત સીલીંગ ઝુંબેશ, મહાપાલિકામાં રોજ લોકોની રજુઆતો વચ્ચે શરૂ થનારો મેયરનો પ્રવાસ શહેરમાં કરવાના કામો માટે જરૂરી હશે, પરંતુ  હાલના સમયમાં આ પ્રવાસના આયોજન સામે કેટલાક જાણકારોમાં સવાલ ઉઠી ગયા છે.

રાજકોટમાં વિપક્ષનું આંદોલન, આજે પોલીસ કમિશ્નર કચેરીમાં ધમાલ, તા.રપના રોજ રાજકોટ બંધના એલાન વચ્ચે  આ વિદેશ પ્રવાસ ચર્ચાના ચગડોળે પહોંચી ગયો છે.

Print