www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મેડીકલ માઈલસ્ટોન: ડુકકરની કિડનીનું માનવીમાં પ્રત્યારોપણ


અમેરિકાનાં તબીબોની કમાલ: પ્રારંભીક પરિણામો ઘણા પોઝીટીવ: દર્દીની તબિયતમાં ઝડપભેર સુધારો

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.22
બોસ્ટનના તબીબોએ મેડીકલ માઈલસ્ટોન સર્જયો છે. પ્રથમ વખત 62 વર્ષિય બિમાર વ્યકિતમાં ડુકકરની કિડની ટ્રાન્સપ્લાંટ કરી છે.સમગ્ર પ્રક્રિયા સફળ રહેવાનાં સંજોગોમાં કિડની ફેઈલ દર્દીઓ માટે નવી આશાનું કિરણ સર્જાશે. કિડની ટ્રાન્સપ્લાંટ બાદ અત્યાર સુધીનાં પરિણામો એકદમ પોઝીટીવ રહ્યા છે.

કિડની ટ્રાન્સપ્લાંટ કરાયા બાદ તુર્ત જ યુરીન (પેશાબ) બનવાનું શરૂ થઈ ગયુ હતું અને દર્દીની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે તે ચાલવા પણ લાગ્યો હોવાનું અને તૂર્તમાં હોસ્પીટલમાંથી રજા આપી દેવાનું તબીબોએ જાહેર કર્યું છે.

62 વર્ષિય દર્દી રીચાર્ડ સ્લેમેનનાં તબીબ એવા કિડની નિષ્ણાંત ડો.જિનફેડ વિલીયમ્સે કહ્યું કે, ડુકકરની કિડનીનાં ટ્રાન્સપ્લાંટ સાથે કિડની મેળવવાનો નવો સ્ત્રોત ઉપલબ્ધ બન્યો છે. માત્ર અમેરિકામાં જ 8 લાખ લોકોની કિડની ફેઈલ છે અને ડાયાલીસીસ પર જીવે છે. એક લાખ લોકો દાનમાં કિડની મેળવવા વેઈટીંગ લીસ્ટમાં છે અને તેની રાહ જોવામાં દર વર્ષે સેંકડો દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે.

પશુઓના અંગોનું માનવીઓમાં પ્રત્યાર્પણ કરવા માટે દશકાઓથી દરખાસ્ત થઈ જ છે. આ સંજોગોમાં અત્યાધુનિક વૈજ્ઞાનિક સંશોધનોનાં આધારે જેનેરીક સુધારા તથા કલોનીંગનાં આધારે માનવી માટે યોગ્ય નિવડી શકે તેવુ ‘નો ટ્રાન્સપ્લાંટેશન’હવે હકીકત બનવાના આરે છે.

ડુકકરની કિડનીમાં બાયોટીક કંપની ઈજીસેસીસ દ્વારા સુધારા કરાયા હતા. માનવીને માફક ન આવતા ત્રણ જીન્સ ડુકકરની કિડનીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા અને સાથોસાથ સાત માનવ જીન્સ ફિટ કરવામાં આવ્યા હતા.માનવીને અસરકર્તા રીટ્રોવાઈરસ ડુકકરમાં હોય છે અને કંપનીએ રોગકારક (પેથોજીન્સ) નિષ્ક્રીય કરી નાખ્યા હતા.

2021 માં ન્યુયોર્કનાં તબીબોએ ડુકકરની કિડની બ્રેઈનડેડ વ્યકિતમાં જોડીને તે કામ કરે છે કે કેમ તે ચકાસ્યુ હતું. મેરીલેન્ડ યુનિવર્સીટીએ બે વખત ડુકકરનાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું જોકે બન્ને દર્દીઓને ગંભીર હૃદયરોગ હોવાથી પછી બન્નેનાં મોત થયા હતા.

Print