www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટીંગથી ખાનાખરાબી: બાળક સહિત ચારનો ભોગ


◙ જોગડ, બામથીયા અને મકરાણી સણોસરામાં વીજળી ખાબકતા ત્રણ વ્યકિત અને 30 ઘેટા-બકરાના મોત

સાંજ સમાચાર

◙ ડેરી ગામે વોકળાના પુરમાં ગાડુ તણાતા દોઢ વર્ષના બાળક અને બે બળદના મૃત્યુ

◙ જામકંડોરણાના બરડીયામાં નદીમાં પુર આવતા ભેંસોનું ટોળુ તણાયું

◙ મેઘરાજા વરસાદની સાથે નુકશાની વેરતા અસરગ્રસ્તો ચિંતિત

રાજકોટ,તા.27
સૌરાષ્ટ્રમાં ચોમાસાના પ્રારંભની સાથે જ મેઘરાજાએ તોફાની બેટીંગ કરવાનું શરૂ કરી દીધુ છે. જેમાં બાળક સહિત ચાર વ્યકિતઓનો ભોગ લેવાયો છે. હળવદ તાલુકાના જોગડ ઉપરાંત જામજોધપુરના બામથીયા અને કાલાવડના મકરાણી સણોસરામાં વીજળી પડતા વ્યકિતઓના મોત નિપજેલ છે. જયારે કાલાવડ તાલુકાના ડેરી ગામે નદીના પુરમાં બળદ ગાડા સાથે બે વ્યકિત સહિત પાંચ તણાતા ડુબી જવાથી બાળકનું અને બે બળદના મૃત્યુ નિપજયા છે.

મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી ખાનાખરાબી સર્જાયેલ છે જેમાં જામજોધપુરના બામથીયા ગામે વીજળી પડતા ગોગન ભરવાડ નામનો બકરા ચરાવવા ગયેલ યુવાન મોતને ભેટયો હતો જયારે જામકંડોરણાના બરડીયામાં નદીમાં પુર આવતા ભેંસોનું ટોળું તણાયું હતું. જેમાં પાંચ ભેંસ હજુ લાપત્તા હોવાનું જણાવાય રહ્યું છે.

કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થતા કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં ખેત મજુર ઉપર વીજળી પડતા ઘટના સ્થળે જ મોત નિપજયું તેમજ આ ગામમાં ગાય પર વીજળી પડતા તેનું પણ મોત થયું છે.

કાલાવડ તાલુકાના ડેરી ગામમાં ભારે વરસાદમાં એકાએક પાણી આવી જતા બળદગાડા સાથે દોઢ વર્ષનો બાળક અને બે બળદ પાણીમાં ડુબી ગયા. બળદગાડામાં બેઠેલા બે મહિલા સહિત અન્ય પાંચ વ્યકિતઓના આબાદ બચાવ થયા છે.

બનાવની જાણ થતા કાલાવડ ફાયર બ્રિગેડે રેસ્કયુ સહિતની કામગીરી હાથ ધરી જેમાં બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વહીવટી તંત્રને જાણ કરાતા કાલાવડના મામલતદારની ટીમ તથા પોલીસ ટુકડી વગેરે ઘટના સ્થળે પહોંચી હતી.  કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામે વીજળી પડતા ખેતમજુરનું ઘટનાસ્થળે મોત થયું હતું.  કાલાવડમાં ધોધમાર વરસાદથી આફત સર્જાઈ છે.

કાલાવડમાં એક દિવસના વિરામ બાદ તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા જનજીવન પર અસર થવા પામી છે. વરસાદી પાણી જાહેર માર્ગો પર ફરી વળતા લોકોને ઘરની બહાર નીકળવું વસમું થઈ પડયું હતું.

વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાં રાહત મળી છે. શહેરમાં વીજળી ગુલ છે. તેમ પ્રતિનિધિ રાજુ રામોલીયાએ જણાવેલ છે.

જયારે હળવદ તાલુકાના જોગડ ગામ પાસે આવેલ શકિતપરા નજીક વાડી વિસ્તારમાં વીજળી કાબકતા અનીલભાઈ અર્જુનસિંહ નાઈક (22) નામના યુવાનનું મોત નીપજયું હતું. સ્થાનિક લોકો પાસેથી મળી રહેલ માહિતી મુજબ મૃતક યુવાનના એક સપ્તાહ પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા અને દંપતી રોજગાર માટે હળવદ તાલુકાના જોગડ ગામે આવ્યું હતું. અને આકાશી વીજળી પડતા યુવાનનું મોત નિપજયું છે. તો હળવદ તાલુકાના ચીત્રોડી ગામે આકાશી વીજળી પડવાના લીધે એક ભેંસનું મોત નિપજયું હતું.

જામજોધપુર
જામજોધપુર પંથકમાં પડેલા વરસાદના કારણે બમથીયા ગામમાં કરૂણાજનક કિસ્સો બન્યો છે અને વરસાદી વીજળીના કારણે એક યુવાને જીવ ખોયો છે જેની સાથે 30 ઘેટા બકરાના પણ મોત થયા છે.

જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં રહેતો ગોગનભાઈ બુધાભાઈ નામનો 25 વર્ષનો ભરવાડ યુવાન કે જે બુધવારે બપોરના સમયે બમથીયા ગામની સીમ વિસ્તારમાં ઘેટા બકરા ચરાવવા માટે ગયો હતો. જે દરમિયાન આકાશમાં એકાએક કડાકા ભડાકા સાથે વીજળી અને વરસાદ શરૂ થયો હતો. જેમાં વરસાદી વીજળી પડવાના કારણે ઘેટા પકરા ચરાવી રહેલા ગોગનભાઈ બુધાભાઈ નામનો ભરવાડ યુવાન ભડથું થઈ જવાના કારણે બનાવના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું હતું.

આ ઉપરાંત તેની સાથે રહેલા ચાલીસ જેટલા ઘેટા બકરા કે જેના પણ વીજળીને કારણે મૃત્યુ નિપજયા હતા. આ બનાવને લઈને ભરવાડ પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.

જામજોધપુરના મામલતદારની ટીમ તેમજ જામજોધપુરનો પોલીસ કાફલો વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવા આવી રહી છે.

Print