www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જેતપુર નજીક સોરઠ હોટલ પાસે કૌભાંડ ચાલતું હતું

દૂધ ચોરી : 10 હજાર લીટરના ટેન્કરમાંથી 500 લીટર દૂધ કાઢી પાણી ઉમેરી દેવાતું


♦દરરોજ સુરેન્દ્રનગરથી જૂનાગઢ માહી ડેરીમાં દૂધની સપ્લાય થતી હતી, રાજકોટ રૂરલ એલસીબીએ દરોડો પાડ્યો’તો : 24.43 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સની ધરપકડ

સાંજ સમાચાર

રાજકોટ, તા.18
જેતપુર નજીક સોરઠ હોટલ પાસે ચાલતા દૂધ ચોરીના કૌભાંડનો રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. 6 આરોપી પકડાયા છે. આરોપીઓ 10 હજાર લીટરના ટેન્કરમાંથી 500 લીટર દૂધ કાઢી, 500 લીટર પાણી ઉમેરી દેતા હતા. દરરોજ સુરેન્દ્રનગરથી જૂનાગઢ ડેરીમાં દૂધની સપ્લાય થતી હતી. પોલીસે 24.43 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લા નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠોડએ આપેલ સુચના મુજબ એલ.સી.બી. પીઆઈ વી.વી. ઓડેદરા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન પીએસઆઇ ડી.જી. બડવા, હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સાંબડા, નિલેશભાઈ ડાંગર, હરેશભાઈ પરમારને સંયુક્ત બાતમી હકિકત આધારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુર જુનાગઢ નેશનલ હાઈવે ઉપર આવેલ સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે માહી ડેરીના દુધના ટેન્કરમાંથી દુધની ચોરી કરી દુધમાં ભેળસેળ કરતા છ શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી યોગ્ય પરીક્ષણ કરી ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપીઓમાં (1) હીરા ગોવિંદ કલોતરા, રહે.જુનાગઢ મધુરમ વિસ્તાર, (2) જસા ગોવિંદ કલોતરા, રહે. જુનાગઢ જોષીપુરા વિસ્તાર, (3) અર્જુન રમેશ ભારાઇ, રહે. જુનાગઢ મધુરમ વિસ્તાર, (4) બલીરામ લાલબહાદુર વિશ્વકર્મા, રહે.સીસવાન તા.પીન્ડરા,જી. વારાણસી, (5) રાજુ ગુલાબ યાદવ, રહે. સીસવાન તા.પીન્ડરા, જી. વારાણસી, ઉત્તર પ્રદેશ, (6) ભીખુ ઘેલા રામાણી, રહે.પીઠડીયા ટોલ નાકા તા.જેતપુરનો સમાવેશ થાય છે, જ્યારે બાલુ ઉર્ફે ઘેલીયો પરબતભાઇ કોડીયાતર (રહે.જુનાગઢ ગાંધીગ્રામ) ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસે એક ટેન્કરમાંથી 11,925 લીટર દૂધ અને બીજા ટેન્કરમાંથી 16,820 લીટર દૂધ, બોલેરો પીકપમાંથી 500 લીટર દુધ મળેલ. 7 મોબાઈલ ફોન, 4 પ્લાસ્ટિકના ટાંકા, 4 ઇલેક્ટ્રીક મોટર મળી કુલ રૂ.24,43,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરીમાં પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ ડી.જી.બડવા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનીલભાઈ બળકોદીયા, હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, અરવિંદસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, કોન્સ્ટેબલ કૌશીકભાઈ જોશી, અબ્દુલભાઈ શેખ વગેરે ફરજ પર રહ્યા હતા.

Print